FIFA World Cup 2026 Argentina Riot: ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026)ની ફાઇનલમાં સ્પેન (Spain)એ વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના (Argentina)ને 1-0થી હરાવી બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ હાર બાદ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયરસ (Buenos Aires)માં હિંસક સ્થિતિ સર્જાઈ હતી. ઓબેલિસ્ક (Obelisk) સ્મારક નજીક મોટી સંખ્યામાં એકત્ર થયેલા ફૂટબોલ ચાહકો અને રમખાણ વિરોધી પોલીસ (Riot Police) વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ઢાલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આગચંપી પણ થઈ હોવાનું સામે આવ્યું છે.
ફાઇનલમાં હાર બાદ લિયોનેલ મેસી (Lionel Messi) સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર કરી શક્યા નહોતા. મેચ પૂર્ણ થયા બાદ મેદાન પર પણ બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી.
અહેવાલ મુજબ, આર્જેન્ટિનાના મિડફિલ્ડર લિયાંડ્રો પારેડેસ (Leandro Paredes) સ્પેનના ખેલાડીઓ સાથે ઉગ્ર રીતે ભીડી ગયા હતા. જ્યારે આર્જેન્ટિનાના ડિફેન્ડર નહુએલ મોલિના (Nahuel Molina)એ સ્પેનના એક ખેલાડી પર મુક્કો માર્યાનો આરોપ છે. પારેડેસે સ્પેનના એરિક ગાર્સિયા (Eric Garcia)નું ગળું પકડીને ધક્કો માર્યો હોવાનું પણ જણાવાયું છે. બાદમાં આર્જેન્ટિનાના મુખ્ય કોચ લિયોનેલ સ્કાલોની (Lionel Scaloni)એ વચ્ચે પડી ખેલાડીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલોમાં વધુમાં જણાવાયું છે કે પારેડેસે સ્પેનના ગાવી (Gavi)ને પણ ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા, જ્યારે મોલિનાએ સ્પેનના કેપ્ટન રોડ્રી (Rodri) તરફ પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
આ ઉપરાંત, સ્પેનના ખેલાડીઓ વર્લ્ડ કપ ટ્રોફી અને મેડલ સ્વીકારી રહ્યા હતા ત્યારે આર્જેન્ટિનાના ખેલાડીઓ ટ્રોફી સમારોહ તરફ પીઠ ફેરવીને ઊભા રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.








