Taj Mahal or Tejo Mahalaya dispute: દેશમાં ધાર્મિક જડતા એટલી વધી છે કે જ્યાં માણસમાં વસતો રામ પણ લોકોને દેખાતો બંધ થઈ ગયો છે. હવે આ નિમ્ન માનસિકતાના લોકોએ ભગવાનને હાઈકોર્ટમાં અરજી લઈને ઊભો કરી દીધો છે. તમને નવાઈ લાગશે પણ આવું થયું છે. તાજમહેલને તેજો મહાલય તરીકે સર્વે કરવાની માગને લઈને એક બંધ મગજ ટોળકી પહોંચી છે અલ્હાબાદ હાઈકોર્ટમાં અને તેમના બંધ મગજની ઉપજ જુઓ કે તેમણે ખુદ અરજીકરતાઓમાં મહાદેવનું નામ લખી નાખ્યું છે. જે શિવને પામવા માટે તેનું શિવત્વ સમજવું પડે, તેની શુન્યતાને સમજવી પડે એક અલગ જ પ્રકારની માનસિકતા શિવ સુધી પહોંચાડે ત્યાં આ શખ્સોએ મહાદેવને હાઈકોર્ટમાં અરજ કરતા બનાવી દીધા છે. ઘટના અંગે આપણે વિસ્તૃતમાં વાત કરીએ.
આગ્રા સ્થિત વિશ્વવિખ્યાત તાજમહેલ (Taj Mahal) પરિસરને લઈને કાનૂની વિવાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) સુધી પહોંચ્યો છે. તાજમહેલ મૂળ ‘ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર વિરાજમાન તેજો મહાલય’ મંદિર હોવાનું દાવો કરતી અરજીમાં સમગ્ર પરિસરનો સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજી દ્વારા આગ્રાની ટ્રાયલ કોર્ટના તે આદેશોને પડકારવામાં આવ્યા છે, જેમાં સિવિલ જજ (સીનિયર ડિવિઝન) અને બાદમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે એડવોકેટ કમિશનરની નિમણૂક કરીને સર્વે કરાવવાનો ઇનકાર કર્યો હતો.
અરજદારોનું કહેવું છે કે કેસના યોગ્ય અને નિષ્પક્ષ નિરાકરણ માટે વિવાદિત સ્થળનો વૈજ્ઞાનિક અને ન્યાયિક સર્વે જરૂરી છે. કેસની વિગતો મુજબ વર્ષ 2015માં આગ્રાની સિવિલ જજ (સીનિયર ડિવિઝન) કોર્ટમાં દીવાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં હાલનો તાજમહેલ પરિસર મૂળ ‘તેજો મહાલય’ એટલે કે તેજોલિંગ મહાદેવ મંદિર હોવાનું જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસ હાલમાં પણ ટ્રાયલ કોર્ટમાં વિચારાધીન છે.
કેસની સુનાવણી દરમિયાન અરજદારો દ્વારા પરિસરનો સર્વે કરાવવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ સિવિલ જજે આ માંગ ફગાવી દીધી હતી. ત્યારબાદ આ નિર્ણયને આગ્રાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ કોઈ રાહત મળી નહોતી. બંને કોર્ટ દ્વારા સર્વેની માંગ નકારાયા બાદ હવે મામલો અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.
આ અરજી ‘ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર વિરાજમાન તેજો મહાલય’ ઉપરાંત એડવોકેટ હરિશંકર જૈન (Hari Shankar Jain) અને અન્ય ચાર વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. અરજીમાં ભારત સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને અન્ય પક્ષકારોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
અરજદારોનો દાવો છે કે વિવાદિત પરિસરના વાસ્તવિક સ્વરૂપ અને ઐતિહાસિક તથ્યો સ્પષ્ટ કરવા માટે કોર્ટની દેખરેખ હેઠળ સર્વે કરાવવો જરૂરી છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશમાં સુધારેલી સિવિલ પ્રોસિજર કોડ (CPC)ની કલમ 115 હેઠળ રિવિઝન કોર્ટને એવો અધિકાર છે કે જો કોઈ આદેશના કારણે ન્યાયમાં વિલંબ થાય અથવા સંબંધિત પક્ષને અપુરણીય નુકસાન પહોંચતું હોય તો કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે છે. અરજદારોનું કહેવું છે કે વિવાદિત આદેશ CPCની જોગવાઈઓના વિરુદ્ધ હોવાથી તેને રદ કરવામાં આવવો જોઈએ.
આમ અરજી કરવી, મુદ્દાને લઈને કોર્ટ સામે પોતાનો પક્ષ મુકવાથી લઈને બધું ઠીક પણ ખુદ મહાદેવનું નામ અરજકરતામાં મુકી પોતાની અરજીમાં વજન મુકવા કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય તેવો હેતુ દેખાઈ રહ્યો છે.








