Sunday, June 28, 2026
HomeBusinessચાંદી હવે આડીદોઢી કેમ વર્તી રહી છે? આ વર્ષે રોકાણકારોને ૧૯ ટકાનો...

ચાંદી હવે આડીદોઢી કેમ વર્તી રહી છે? આ વર્ષે રોકાણકારોને ૧૯ ટકાનો દામ આપ્યો

- Advertisement -
  • છેલ્લા બાવન સપ્તાહમાં ચાંદીએ ૫૪.૬૮ ટકા અને સોનાએ ૨૦.૫૭ ટકાનું વળતર આપ્યું
  • વર્તમાન ભાવ આસપાસ ચાંદી ક્યાંક બોટમ બનાવશે અને પાછી મોટી તેજીના પાટે ચઢી જશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): રોકાણકારોની લાડલી બહેન, જેણે તમને કેટલાય સપના બતાવ્યા હતા તે હવે આડીદોઢી કેમ વર્તી રહી છે? હજુ ગયા મહિના સુધી છમ્મકછલ્લું ચાંદી રોકાણકારોની અસ્ક્યામત, કીમતી ધાતુ, અને નાણાકીય સલામતી સઘળું ગણાતી હતી. સોનું અને ચાંદી હાલમાં એકદમ રક્ષણાત્મક મોડમાં આવી ગયા છે. રોકાણકારો હળવા થઇ રહ્યા છે, તેમજ લાંબાગાળાના રોકાણ ઘટાડી રહ્યા છે. સોનું આ વર્ષે અત્યાર સુધીમાં વર્ષાનું વર્ષ ૮.૪ ટકા ઘટ્યું છે, પણ બારમાસિક ધોરણે જોઈતો ૨૦.૫૭ ટકાનું વળતર આપે છે. ચાંદીએ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૯ ટકાનો દામ રોકાણકારોને આપ્યો છે, પણ જો છેલ્લા બાવન સપ્તાહમાં જોઈએ તો તે ૫૪.૬૮ ટકાનો નફો આપી રહ્યું છે. બુધવારે ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ ૧૩ મહિનાની ઉંચાઈએ ૧૦૧.૫૭ પોઈન્ટ થયો હતો, તે સાથેજ હાજર ચાંદીના ભાવ શુક્રવારે (આજે) પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૫૫.૭૧ ડોલર આ વર્ષના સૌથી નીચા અને ૨૩ નવેમ્બર ૨૦૨૫ પછીના સૌથી નબળા પુરવાર થયા હતા.

ચાંદી હમણાં સુધી ફન્ડામેન્ટલ ટેકાથી વધઘટે કવોટ થતી હતી, પણ ગત સપ્તાહે અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ જે મેસેજ આપ્યો તેના લીધે, અફવા એવી ફેલાઈ કે આ વર્ષાંત સુધીમાં યુએસ ફેડરલ રીઝર્વ એકાદ વ્યાજદર વધારો કરશે. રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગી ગયો છે, ત્યારેજ કોઈ વ્યાજ નહિ આપતી ચાંદીમાં જાળવણી ખર્ચ વધવા લાગતા બજારમાં ગભરાટ વધ્યો હતો. આવું કેમ થઇ રહ્યું છે? તે સમજવા માટે તમારે સોનાના ભાવની વધઘટ પણ ધ્યાને લેવી જોઈએ. ૨૦૨૫મા કાચા અંદાજ મુજબ છેલ્લા એક દાયકામાં પહેલી વખત ચાંદી ૧૫૦ ટકા કરતા વધુ વધી હતી, ૧૮ જાન્યુઆરીએ ભાવ ૧૨૦ ડોલરની વિક્રમ ઉંચાઈએ પહોચ્યો હતો.

- Advertisement -

સિક્કા, લગડી, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ એમ તમામ સ્તરે, ઐતિહાસિક રીતે રોકાણકારોની આ દુલારી ધાતુએ સેવિંગ એકાઉન્ટમાંથી પણ પૈસા સેરવી લીધા હતા. પરિણામે છેલ્લા ૧૮ મહિનાથી તે તેજીના રવાડે ચઢી હતી. સોલાર પેનલ અને એઆઈ હાર્ડવેર, ઉર્જાના અન્ય માધ્યમો માટેની માંગ સાથે નબળો ડોલર અને પુરવઠા અછતે, ચાંદીને બચતની સલામતીનું સ્વર્ગ બનાવી દીધું હતું. રોકાણકારો ક્યારેય ચાંદીમાં રોકાણ કરવાનું નામ નોહતા લેતા તેઓ એકાએક આડેધડ રોકાણ કરવા લાગ્યા. વિત્તીય સલાહકારોએ વર્ષો સુધી ચાંદીને અવગણી, તેઓ એકાએક ખરીદીના કોલ આપવા લાગ્યા. યાદ રાખો, તેજીવાળા હજુ બજારમાંથી અદ્રશ્ય નથી થયા. ચાંદીમાં આવેલો ભાવ ઘટાડો એ એક સાયકલ છે, તેમાં હક્કાબક્કા નથી થવાનું, એનાલિસ્ટો માને છે કે ચાંદી વર્તમાન ભાવ આસપાસ ક્યાંક બોટમ બનાવશે અને પાછી મોટી તેજીના પાટે ચઢી જશે. મંદીવાળા ચાર્ટના સહારે આગળ વધી રહ્યા છે, ટેકનીકલ એનાલીસ્ટ કહે છે કે ૫૫ ડોલર અને ૪૬ ડોલર આસપાસ સપોર્ટ લેવલ બનાવશે, મોટા મંદીવાળા તો ૩૦ ડોલર સુધી નીચે લઇ જવા ઝંડાબરદાર છે.

આગામી દિવસોમાં કેટલાંક આર્થિક ફન્ડામેન્ટલ્સ ભાવને કઈ દિશા પકડવી તે દાખવશે. જો ફુગાવો કાબુમાં નહિ રહે તો અમેરિકન ફેડરલ રીઝર્વ વ્યાજ વધારવાનો ચાળો કરશે, આ ઘટના ચાંદીની મોટી દુશ્મન બની રહેવાની. હવે તો એવું થયું છે કે ભાવ વધુ પડતા ઉંચે જતા રહેતા ગ્રામ્ય લોકો પણ ઘરેણા પહેવાથી દુર થયા છે. કીમતી ધાતુના રોકાણકારો પણ થાક્યા છે. આ એક ઔદ્યોગિક ધાતુ છે જે સોલાર પેનલ, ઈલેક્ટ્રોનિકસ, એઆઈ ડેટા સેન્ટર ઉર્જા જાળવણી માટે ખુબ ઉપયોગી છે. આવા ગ્રાહકો માટે સૌથી મોટા ઉત્પાદક અને સંગ્રહકાર ચીને નિકાસ નિયંત્રણ અને ભાવને ખુબ ઉંચે જતા અટકાવતા ચિંતાઓ વધારી છે.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૬-૦૬-૨૦૨૬

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular