ડોલર ટર્મમાં ટ્રેડ થતી તમામ કોમોડીટી આ સપ્તાહે વિપરીત દિશામાં ગતિ કરશે
એકજ દિવસમાં સોનું ૩.૧૦ ટકા ઘટીને ૪૩૨૯ ડોલર અને ચાંદી ૮.૨૦ ટકા ઘટી ૬૭.૮૩ ડોલરના તળિયે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વૈશ્વિક વેપારમાં અમેરિકન ડોલર જીવંત અને સ્વસ્થ કેમ થયો? વર્ષના આરંભથી અત્યાર સુધીમાં સટ્ટોડીયા છેલ્લા ૮ સપ્તાહથી ડોલરમાં સતત વેચવાલ રહ્યા. અસ્કયામત અને મની મેનેજરો જે અત્યાર સુધી છ કરન્સી બાસ્કેટના ડોલર ઇન્ડેક્સમાં મંદીમાં હતા તેઓ ગત સપ્તાહાંતે એકએક પ્રથમ વખત તેજીમાં આવી ગયા અને ડોલર ઇન્ડેક્સ ૧૦૦ પોઈન્ટને પાર જતો રહ્યો. સમસ્ત જગતની કોમોડીટી બજારમાં ટ્રેડરો નબળા ડોલરના માળખા પર તેજીની સુપર સાયકલમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા, હવે એકાએક વિપરીત દિશામાં ટ્રેડ કરતા થઇ ગયા. સોના ચાંદીમાં તો કેટલાંક ટ્રેડરો તેજીની નાવમાં થાસોથાસ ભરાઈ બેઠા હતા, તેઓ પણ ઉંધેકાંધ મંદીના સરણમાં ખડકાવા લાગ્યા. અત્યાર સુધી તેઓ એવી દલીલ કરતા હતા કે બોન્ડ અને ફ્યાટ મની (કાગળિયું નાણું) મૃત્યુની નજીક જઈ રહ્યા છે. આવા ટ્રેડરો મૂડીની સલામતી માટે મજબુત અસ્કયામતોમાં મોટાપાયે લેવાલ હતા. પણ હવે વાસ્તવિકતા બદલાઈ છે. ડૂબતી નાવમાં જો બધાજ લોકો બચવાના પ્રયાસમાં એક તરફ ધસારો કરે ત્યારે, હોડીની બીજી બાજુને ઉંચે ઉઠવાની ફરજ પડે છે.
કોમોડીટી બજારમાં મજબુત ડોલરનું અર્થઘટન શું કરવું? આવો સવાલ સપ્તાહાંતે મોટાપાયે પુછાવા લાગ્યો. મજબુત ડોલરની પ્રતિક્રિયા આ સપ્તાહે વધુ ધારદાર બનશે. ડોલર ટર્મમાં ટ્રેડ થતી તમામ કોમોડીટી વિપરીત દિશામાં ગતિ કરશે. બે જુને સોનું, એક વર્ષ અગાઉ કરતા ૧૩૦૦ ડોલર ઉંચે ૪૫૬૯ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) હતું. હજુ ૨૨ ફેબ્રુઆરીએ તો ૫૫૯૫ ડોલરની ઐતિહાસિક નવી ઉંચાઈએ હતું. શુક્રવારે એકજ દિવસમાં ૩.૧૦ ટકા ઘટીને ૪૩૨૯ ડોલર અને ચાંદી ૮.૨૦ ટકા ઘટી ૬૭.૮૩ ડોલરના તળિયે જઈ બેઠા. ડબ્લ્યુટીઆઈ ક્રુડ ૯૦.૫૪ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ૯૩.૦૯ ડોલર બોલાયા. ગુરુવાર સુધી એવું મનાતું હતું કે ડોલર નબળો પડશે, નાણાનીતિ હળવી થશે, અને અર્થતંત્રની વાટ લાગશે. પણ શુક્રવારે તો બધું ફનાફાતેહા થઈને, ધારણાઓ ઉંધી પડી.
ડોલર નબળો પડે તો સોના, ચાંદી અને કોમોડીટીના ભાવ વધે એવું બધા માનતા હોય છે. પણ શુક્રવારે ડોલર ધરખમ મજબુત થયો અને ૨૦૨૬મા પહેલી વખત કોમોડીટી બજારમાં સર્વાનુમતિએ વેચવાલીનું સુળ ઉપાડ્યું. બધાએ અણધારી રીતે એકાએક પાલો બદલી નાખ્યો, હવે બધાને વેચવું હતું. વ્યાજકાપ આવશે, ફુગાવો હળવો થશે, યુરો, યેન, કેનેડીયન ડોલર જેવી કરન્સી મજબુત થશેની ધારણામાં અત્યાર સુધી લેવલ હતા. આવું કાઈ નાં બન્યું, અમેરિકન એપ્રિલ કન્ઝુમર પ્રાઈસ ઇન્ડેક્સ વધીને મે ૨૦૨૩ પછીની ઉંચાઈએ ૩.૮ ટકા હતો, તે મેમાં ઘટીને ૨.૮ ટકા, અને પ્રોડ્યુસર્સ પ્રાઈસ ઇન્ડેક્સ ૨૦૨૨ પછી પહેલી વખત એપ્રિલમાં વર્ષાનું વર્ષ વેગથી ૬ ટકા વધ્યો હતો પણ મેમાં સામે ૫.૨ ટકાએ આવી ગયો.
૨૮ ફેબ્રુઆરીએ ઈરાન/અમેરિકા વચ્ચે યુદ્ધનો તખતો ગોઠવાયો, અને ૨૯ માર્ચ સુધીમાં ક્રુડ ઓઇલના ભાવ ચાર વર્ષની ઉંચાઈએ ૧૧૭.૬૩ ડોલર પ્રતિ બેરલ બોલાયા. અનાજ ઉર્જાના ભાવ વધી આવતા અમેરિકન એપ્રિલ સીપીઆઇ ૩.૮ ટકાએ ગયો, ભાવના દબાણે અર્થતંત્રો ડામાડોળ થયા. ૧૩ મેએ કેવિન વરશે યુએસ ફેડ ચેરમેન નિમાયા, અને બધું બદલાઈ જશે એવી હવા ચગી. ટ્રમ્પએ કેવિનની નિયુક્તિ વ્યાજદર ઘટાડવા કરી હોવાની અફવા હતી, નિયુક્તિ પહેલા કેવિન પણ કહેતા હતા કે વ્યાજદર ઘટાડવાની જગ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








