cockroach party protest: ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં તેની ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે હવે દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે હજુ સુધી કોઈ મંજૂરી અરજી તેમની પાસે પહોંચી નથી.
કોકરોચ જનતા પાર્ટી અને તેના સ્થાપક અભિજીત દિપકેએ તાજેતરમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. જંતર-મંતર દેશની રાજધાનીમાં વિરોધ અને જાહેર કાર્યક્રમો માટે જાણીતી જગ્યા હોવાથી આ જાહેરાતે સોશિયલ મીડિયા પર ઝડપથી ધ્યાન ખેંચ્યું હતું.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી તરફથી જંતર-મંતર પર પ્રદર્શન માટે અત્યાર સુધી કોઈ સત્તાવાર અરજી કરવામાં આવી નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જો ભવિષ્યમાં આવી કોઈ અરજી કરવામાં આવશે તો તેની નિયમો મુજબ સમીક્ષા કરવામાં આવશે અને સુરક્ષા તેમજ વહીવટી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
સામાન્યતઃ આપણે જાણીએ છીએ કે આ પ્રકારના પ્રદર્શનના માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે. પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપકેએ 6 જૂને પ્રદર્શનનું એલાન તો બહુ પહેલા કરી દીધું હતું, છતા પરવાનગી લેવાઈ નથી. સીજેપીનું કહેવું છે કે તે 6 જૂને જ પ્રદર્શનની પરવાનગી લેશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આ મુદ્દે જ્યારે પાર્ટીના નવનિયુક્ત પ્રવક્તા વિજેતા દહિયાએ પ્રદર્શનની અનુમતિ ન લેવાને પણ રણનીતિનો હિસ્સો કહ્યું. તેમણે કહ્યું, લોકોની ભાવનાઓ આ વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી છે. હાલ તમામ લોકો અભિજીત દિપકે સાથે જોડાયેલા છે. તેથી અમે નિર્ણય કર્યો છે કે કોઈપણ પ્રકારની પરવાનગી અભિજીત જ 6 જૂને આવીને માગશે. તે સાથે જ વિજેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શાંતિ પ્રદર્શનની પરવાનગી આપી દેશે.
પોલીસના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમની પ્રથમ જવાબદારી છે. તેથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી શકે છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે સંબંધિત તમામ યુનિટોને પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. હાલ કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સત્તાવાર મંજૂરી માટે હજુ સુધી કોઈ અરજી ન આવતા કાર્યક્રમ અંગે અનિશ્ચિતતા યથાવત છે.








