Gondal Traders protest: ગોંડલ શહેરમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે બજારો વહેલી બંધ કરાવવાના નિર્ણયને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 3 જૂને માંડવી ચોક ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા હતા અને ગોંડલ DYSP કચેરી તેમજ સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ ઉનાળાની સિઝન દરમિયાન રાત્રે ધંધો કરવા માટે વધુ સમય આપવાની માંગ ઉઠાવી છે.
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર દ્વારા રાત્રે 10.30 વાગ્યાની આસપાસ દુકાનો અને લારી-ગલ્લા બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ગોંડલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ચા, પાનના ગલ્લા, ગાંઠિયા, રેસ્ટોરન્ટ, ગોલા અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓને રાત્રે 10.30થી 11 વાગ્યાની વચ્ચે ધંધો બંધ કરાવવામાં આવે છે, જેના કારણે વેપારીઓને સીધી આર્થિક અસર પહોંચી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો રાત્રે પરિવાર સાથે ઠંડક મેળવવા અને નાસ્તા માટે બહાર નીકળે છે. આવા સમયે બજારો વહેલી બંધ કરાવવાના કારણે નાના વેપારીઓ અને ગરીબ રેંકડીચાલકોના રોજગાર પર ગંભીર અસર પડી રહી છે. વેપારીઓના મતે પોલીસના કડક પેટ્રોલિંગ અને વહેલા બજાર બંધ કરાવવાના નિર્ણયથી ધંધાકીય પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.
ગોંડલના વેપારી કુલદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ ખુશી ગાંઠિયા નામની દુકાન ચલાવે છે અને તેમની માંગ માત્ર એટલી છે કે વેપારીઓને રાત્રે 1 કે 2 વાગ્યા સુધી ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે બજારો વહેલી બંધ કરાવવાના કારણે અનેક લોકોના રોજગાર છીનવાઈ ગયા છે અને કર્મચારીઓને પણ છૂટા કરવાની ફરજ પડી છે. તેમણે એ પણ જણાવ્યું કે નજીકની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને પણ રાત્રે ચા કે નાસ્તાની સુવિધા મળતી નથી. જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો વેપારી સંગઠન જે પણ કાર્યક્રમ આપશે તેમાં તેઓ સંપૂર્ણ સહકાર આપશે.
વેપારી મહામંડળ ગોંડલના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાની સહીવાળા આવેદનપત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ગોંડલમાં રાત્રે ગેંગવોર કે દંગા-ફસાદ જેવી કોઈ ગંભીર ઘટના બનતી નથી, તો પછી બજારો વહેલી બંધ કરાવવાનું કારણ શું છે. આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટ, જેતપુર અને ધોરાજી જેવા નજીકના શહેરોમાં રાત્રે ખાણી-પીણીની બજારો મોડે સુધી ખુલ્લી રહે છે, તો આવો નિયમ માત્ર ગોંડલમાં જ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે હાલના આકરા ઉનાળાને ધ્યાનમાં રાખીને રાત્રે 12થી 1 વાગ્યા સુધી બજારો તેમજ હાઈવે પર આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે. આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, ગોંડલ DYSP કચેરી અને ધારાસભ્ય ગીતાબા જાડેજાને પણ મોકલવામાં આવી છે. હવે વેપારીઓની આ માંગણી અંગે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.








