SURAT BARDOLI BUS ACCIDENT: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 5 મુસાફરોના મોત થયા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે મૃત્યુ આંક વધીને 7 થયો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. અકસ્માત બાદ એક CNG સંચાલિત બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. પલટી મારેલા ટેન્કર સાથે અથડામણ ટાળવાના પ્રયાસમાં પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ અચાનક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી.
આ દરમિયાન સામેની દિશામાં પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બીજી સરકારી બસ સાથે બસની જોરદાર સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી.
અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક બસ CNG સંચાલિત હોવાથી ટક્કર બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આગ અને અકસ્માતના કારણે અનેક મુસાફરો બસમાં ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
અકસ્માતના ચોક્કસ કારણો અને જાનહાનિ અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.








