Saturday, May 23, 2026
HomeGujaratપોલીસની બેદરકારીના કારણે પડધરીમાં થઈ યુવાનની હત્યા

પોલીસની બેદરકારીના કારણે પડધરીમાં થઈ યુવાનની હત્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.રાજકોટ): રાજકોટ (Rajkot News)નો 40 વર્ષીય યુવાન પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે પડધરી નજીક અચાનક એક કાર આવે છે અને યુવાનની કારને ટક્કર મારે છે. ત્યાર બાદ તેમાંથી ઉતરેલા બે ગુનાહીત ઈતિહાસ ધરાવતા મહેન્દ્રસિંહ જાડેજા (Mahendrasinh Jadeja) અને યશપાલસિંહ જાડેજા (Yashpalsinh Jadeja) તીક્ષ્ણ હથિયારો સાથે 40 વર્ષીય યુવાન પર બેરહેમીથી તૂટી પડે છે. સંખ્યાબંધ ઈજાઓ થવાના કારણે આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , જે યુવાનની હત્યા થઈ હતી, તેની સગીર દીકરી સાથે આરોપીઓએ બે વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ઘટના પછી આ આરોપીઓ બે વર્ષથી ફરાર હતા. પોલીસે જો આ આરોપીઓની વેળાસર ધરપકડ કરી હોત તો આ યુવાનનો જીવ બચાવી શક્યા હોત.

- Advertisement -

આ અંગેની વિસ્તૃત વિગત એવી છે કે, વર્ષ 2024માં રાજકોટ ગ્રામ્યના પડધરી નજીક આવેલા ખાખડાબેલા ગામે રહેતા 40 વર્ષીય યુવાનની સગીર દીકરીએ ફીનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સગીર દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તેનું કારણ જાણવા જ્યારે પરિવારે પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, આ જ ગામમાં રહેતા અજયસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પડધરી પોલીસ સ્ટેશન (Paddhari Police Station) માં સગીર દીકરીના પિતાએ પોકસો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ પછી પોલીસે અજયસિંહ જાડેજાની ધરપકડ કરી હતી પરંતુ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા ફરાર હતા. છેલ્લા બે વર્ષથી ફરાર થયેલા આ બંને આરોપી સગીર દીકરીના પિતાને ફરિયાદ પાછી ખેંચવા અથવા સમાધાન કરી લેવા માટે દબાણ કરતા હતા. પરંતુ દીકરીના પિતાએ સમાધાન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આમ સમાધાન કરવા માટે દીકરીનો પિતા તૈયાર નહીં થતા આરોપીઓએ તે યુવાનની હત્યાનું આયોજન કર્યું હતું અને તે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરી નાખી હતી.

આ બનાવની જાણકારી મળતા ઈન્ચાર્જ SP સિમરન ભારદ્વાજ (SP Simran Bhardwaj) પડધરી દોડી આવ્યા હતા. હત્યા બાદ ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી લેવા પડધરી પોલીસ સહિત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ સંભવિત સ્થળે આરોપીઓને શોધવા રવાના થઈ ચુકી છે. આ હત્યા પહેલા જો પોલીસે આરોપીઓને ઝડપી લીધા હોત તો આ યુવાનનો જીવ બચી ગયો હોત.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular