નવજીવન ન્યૂઝ, ડેસ્ક : દક્ષિણ ગુજરાતના નવસારી પાસે આવેલા એક ગામમાં ખાનગી હેલિકૉપ્ટરે અચાનક લેન્ડિંગ (Helicopter makes emergency landing near Navsari) કરતા લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. નિરમા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત 5 લોકો મુંબઈ જઈ રહ્યાં હતાં તે સમયે અચાનક જ હેલિકૉપ્ટરમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. પાયલટની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હેલિકૉપ્ટર લેન્ડિંગ બાદ આસપાસમાંથી લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે, દુર્ઘટના બાદ હિરેન પટેલ સહિતના લોકો બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા.
નિરમા ગ્રુપના એમડી હિરેન પટેલ (Hiren Patel Managing Director Nirma) સહિત 5 લોકો અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા. આ સમયે હેલિકૉપ્ટરમાં અચાનક ટેક્નિકલ ક્ષતિ સર્જાતા સાવચેતીના ભાગરૂપે પાયલટે નવસારી શહેરને અડીને આવેલા મગોબ ભાઠા ગામે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. કેપ્ટન દહિયા અને મહેતાએ હેલિકૉપ્ટર લેન્ડિંગ માટે મગોબ ભાઠા ગામે આવેલી એક સુરક્ષિત અને ખુલ્લી જગ્યા પસંદ કરી હતી. ખેતરમાં ઉતારવામાં આવેલા હેલિકૉપ્ટરને રિપેર કરવા માટે એન્જિનિયરની ટીમ બોલાવવામાં આવી હતી.








