નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : અનેક અપરાધ આચરી ચૂકેલા તેમજ ગુજસીટૉકના ગુનામાં લાંબો જેલવાસ ભોગવી ચૂકેલા જૂનાગઢના માથાભારે રાજુ સોલંકી (Serious allegations against Raju Solanki Junagadh) સામે હત્યાનો આરોપ લાગ્યો છે. ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સાથે -2024માં થયેલા વિવાદમાં જૂનાગઢના રાજુ સોલંકી ભારે ચર્ચામાં રહ્યાં હતાં. તાજેતરમાં વાયરલ થયેલી એક કથિત ઑડિયો ક્લિપમાં રાજુ સોલંકી સામે વાત કરનાર વ્યક્તિને તેમની દીકરીને ભગાડી જનારા લઘુમતી કોમના યુવકના પિતાને ઝાડ પર લટકાવી દીધા હોવાનો ઉલ્લેખ (Raju Solanki’s viral audio clip mentions murder) કરે છે.
મૃતક સલીમ શેખના પુત્ર ફૈઝલ શેખે જણાવ્યું છે કે, તેમના નાના ભાઈને રાજુ સોલંકીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને સાથે રહેતા હતા. આ કારણસર રાજુ સોલંકી અને તેમના પરિવારજનો પિતા સલીમભાઈને સતત ટોર્ચર કરતા હતા. વર્ષ 2025ની તારીખ 14 મેના રોજ કોડીનાર ગયેલા સલીમ શેખનો મૃતદેહ વંથલી પાસે ઓઝત નદીના કાંઠે નવાગામની સીમમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. પોલીસે તે સમયે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી એવું બોલતા સંભળાય છે કે, મારી દીકરીને ભગાડી જનારનો બાપ ફાંસી ખાય મરી ગયો કે ટીંગાડવા વાળાએ ટિંગાડી દીધો એ XYZ અને પોલીસ તપાસમાં તો આત્મહત્યા જ આવી છે. આ ઓડિયો ક્લિપને મુખ્ય પુરાવો ગણીને શેખ પરિવાર ન્યાય મેળવવા સક્રિય થયો છે.
પરિવારે વાઇરલ ઓડિયો ક્લિપનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવામાં આવે અને આરોપીઓના નાર્કો તેમજ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે તેવી માગણી કરી છે. આ મામલે તપાસ કરી રહેલા ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે (DySP Ravirajsinh Parmar) ફોરેન્સિક અધિકારી, મૃતકના પરિવારજનો, શકમંદો તેમજ રાજુ સોલંકી સાથે ફોન પર વાત કરનાર વ્યક્તિના નિવેદન નોંધી કેટલાંક પુરાવા મેળવ્યા છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ પાસે આ ઘટનાને લાગતા વળગતા પુરાવા કે માહિતી હોય તો તેમણે પોલીસનો સંપર્ક કરવો તેવી અપીલ કરવામાં આવી છે.








