નવજીવન ન્યૂઝ.અમરેલીઃ ગીર પંથકમાં સિંહોની પજવણી કરતો વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાંચેક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક શખ્સો વાહન લઈને સિંહોની પાછળ દોડતા અને તેમને પરેશાન કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ વન્યજીવપ્રેમીઓમાં ભારે રોષ ફેલાવ્યો હતો. જુઓ પહેલા આ વીડિયો…
વનવિભાગે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાંભા તાલુકાના નાની ધારી ગામના બે યુવકોની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ વનવિભાગે શિવરાજ માંજરીયા અને રણજીત વાળાને ઝડપી પાડ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સિંહોની નજીક વાહન દોડાવી તેમની પજવણી કરતા હતા. વાયરલ વીડિયોમાં પણ સિંહો ગભરાઈને દોડતા જોવા મળ્યા હતા. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની હરકતો વન્યજીવો માટે જોખમી છે અને વન્યપ્રાણી સંરક્ષણ કાયદાનો ભંગ કરે છે.
આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વનવિભાગે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વનવિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની પજવણી, તેમને ખોરાક આપવો અથવા વાહનો દ્વારા પીછો કરવો કાયદેસર ગુનો છે. આવા કૃત્યો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતરમાં ગીર વિસ્તારમાં સિંહો સાથે સેલ્ફી, રીલ્સ અને પજવણીના બનાવો વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને વનવિભાગ વધુ સતર્ક બન્યું છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે વન્યજીવો સાથે કોઈપણ પ્રકારની ચેડાં કે પજવણી ન કરે.








