Friday, June 26, 2026
HomeGujaratસુરતમાં આરોપીએ કોન્સ્ટેબલ પર કર્યો ચપ્પુથી હુમલો, PIએ પગમાં ગોળી ધરબી; 4...

સુરતમાં આરોપીએ કોન્સ્ટેબલ પર કર્યો ચપ્પુથી હુમલો, PIએ પગમાં ગોળી ધરબી; 4 દિવસમાં બીજું એન્કાઉન્ટર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરમાં ચાર દિવસની અંદર બીજી વખત એન્કાઉન્ટર જેવી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની હતી. સ્વબચાવમાં લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણે સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના જમણા પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને કાબૂમાં લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં 10 મેની રાત્રે નજીવી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. અનુરાગ પોતાની મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો ત્યારે ગણેશનગર વિસ્તારમાં આરોપીની બાઈક સાથે ટક્કર થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા રાહુલે અનુરાગની છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે સગીરનું મોત થયું હતું.

- Advertisement -

હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે સંતાયો છે. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અનુસાર આરોપી રાહુલે હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ત્યારબાદ સ્વબચાવમાં PI ડી. ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો.

પોલીસે તાત્કાલિક આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો અને “ફરી આવું નહીં કરું” કહી બુમો પાડી રહ્યો હતો. બીજી તરફ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગોધાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ઘટના બાદ મીઠીખાડી વિસ્તારને પોલીસે કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી ઝપાઝપી અને ફાયરિંગના પુરાવા પણ મળી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રાહુલકુમાર સંજયનાથ જોગી સુરત શહેર પોલીસ માટે માથાનો દુખાવો ગણાતો રીઢો ગુનેગાર છે. તેની સામે લૂંટ, ચેઈન સ્નેચિંગ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ છે. વર્ષ 2016થી લઈને અત્યાર સુધીમાં કાપોદ્રા, કતારગામ, પુણા, સચીન, ઉધના, સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

રાહુલ સામે ત્રણ વખત PASA હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. વર્ષ 2021માં કાપોદ્રા પોલીસ, 2024માં પાંડેસરા પોલીસ અને 2025માં લિંબાયત પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. હાલમાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

- Advertisement -

હાલ હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સુરત શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular