Sunday, June 21, 2026
HomeNationalચૂંટણી આયોગ કાયદા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટની કડકાઈ: કેન્દ્રની સુનાવણી ટાળવાની...

ચૂંટણી આયોગ કાયદા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટની કડકાઈ: કેન્દ્રની સુનાવણી ટાળવાની માંગ ફગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની તે માંગ ફગાવી દીધી હતી જેમાં ‘મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્ત (નિયુક્તિ, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023’ને પડકારતી અરજીઓની સુનાવણી મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ દીપાંકર દત્તાની અધ્યક્ષતાવાળી બે જજોની બેન્ચ સમક્ષ સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે તેઓ 9 જજોની બેન્ચ સમક્ષ ચાલી રહેલી શબરીમલા કેસની સુનાવણીમાં વ્યસ્ત છે.

આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ 9 જજોની બેન્ચ દ્વારા કરાયેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શબરીમલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સંબંધિત જનહિત અરજી શરૂઆતમાં સ્વીકારવી જ ન જોઈએ હતી. જસ્ટિસ દત્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલનો મામલો વધુ મહત્વનો છે.

- Advertisement -

જસ્ટિસ દત્તાએ સોલિસિટર જનરલને કહ્યું હતું કે તમામ કેસ મહત્વના હોય છે, પરંતુ જે કેસ અંગે ખુદ ટિપ્પણી થઈ રહી છે કે તે શરૂઆતમાં સ્વીકારવો ન જોઈએ હતો, તેની સામે હાલનો મુદ્દો વધુ અગત્યનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે યાચિકાકર્તાઓને પોતાની દલીલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે.

સોલિસિટર જનરલે વારંવાર સુનાવણી ટાળવાની વિનંતી કરી હતી, પરંતુ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા સાથેની બેન્ચે તે સ્વીકારી નહોતી. કોર્ટે જણાવ્યું કે યાચિકાકર્તાઓ આજે પોતાની દલીલો રજૂ કરી શકે છે અને કેન્દ્ર સરકાર પછી પોતાની દલીલો રજૂ કરી શકશે. સાથે જ કોર્ટે અરજદારોને ગુરુવાર સુધીમાં પોતાની દલીલો પૂર્ણ કરવા કહ્યું છે.

આ અરજીઓ ડૉ. જયા ઠાકુર, NGO ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’, ‘લોક પ્રહરી’ સહિતના અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી છે. આ તમામે ડિસેમ્બર 2023માં પસાર થયેલા ‘ચૂંટણી આયુક્ત અધિનિયમ’ને પડકાર્યો છે.

- Advertisement -

આ કાયદો માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ લાવવામાં આવ્યો હતો. તે ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ નવો કાયદો ન બનાવે ત્યાં સુધી ચૂંટણી આયુક્તોની નિમણૂક એવી સમિતિ દ્વારા થવી જોઈએ જેમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય.

કોર્ટનો હેતુ ચૂંટણી આયુક્તોની નિમણૂકમાં સ્વતંત્રતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો જેથી કાર્યપાલિકાનો પ્રભાવ ન રહે. જોકે નવા કાયદા મુજબ નિમણૂક સમિતિમાં વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભાના વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી પક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યાચિકાકર્તાઓનું કહેવું છે કે આ નવી વ્યવસ્થા સુપ્રીમ કોર્ટના મૂળ હેતુ અને ભાવનાના વિરુદ્ધ છે, કારણ કે તેમાં સ્વતંત્ર ચૂંટણી આયુક્તોની નિમણૂકની ખાતરી રહેતી નથી.

- Advertisement -

માર્ચ 2026માં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. કારણ કે અરજદારો દ્વારા નિમણૂક સમિતિમાંથી CJIને દૂર કરવાની જોગવાઈને પડકારવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે નક્કી કર્યું હતું કે આ મામલે એવી બેન્ચ સુનાવણી કરશે જેમાં હાલના અથવા ભવિષ્યના કોઈપણ મુખ્ય ન્યાયાધીશ સામેલ નહીં હોય.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular