Sunday, June 21, 2026
HomeGujaratમૃત્યુ બાદ ફાઈલ થયેલું ITR પણ વળતર માટે માન્ય: મોટર અકસ્માત કેસમાં...

મૃત્યુ બાદ ફાઈલ થયેલું ITR પણ વળતર માટે માન્ય: મોટર અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના નિધન બાદ ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની ગણતરી માટે કાયદેસર પુરાવા તરીકે માન્ય ગણાશે.

આ મામલો વર્ષ 2017ના એક માર્ગ અકસ્માત સાથે જોડાયેલો છે. જેમાં વસંતકુમાર નામના યુવકનું કરુણ મોત થયું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને દર મહિને અંદાજે 30 હજાર રૂપિયાથી વધુ કમાણી કરતો હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું. અકસ્માત બાદ પરિવારજનોએ વળતર મેળવવા માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

- Advertisement -

જોકે, ટ્રિબ્યુનલે મૃતકના નિધન બાદ ફાઈલ કરાયેલા ઈન્કમટેક્સ રિટર્નને વિશ્વસનીય માનવાનો ઈનકાર કર્યો હતો અને તેના આધારે ઓછું વળતર મંજૂર કર્યું હતું. આ નિર્ણયથી અસંતુષ્ટ પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસે મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું હતું કે મૃત્યુ પછી ફાઈલ કરાયેલું ITR પણ આવક દર્શાવતો વૈધાનિક દસ્તાવેજ છે અને માત્ર ટેકનિકલ કારણોસર આવા પુરાવાઓને નકારી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયની પ્રક્રિયામાં મૂળ હેતુ સાચી આવકનું મૂલ્યાંકન કરવાનો છે, કારણ કે મૃતકની આવકના આધારે જ પરિવારને મળનારા વળતરની ગણતરી થાય છે.

ગુજરાત હાઈકોર્ટે ટ્રિબ્યુનલના અગાઉના આદેશમાં ફેરફાર કરીને વળતરની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કોર્ટે પરિવારને મળનાર વળતર 34.53 લાખ રૂપિયાથી વધારીને 40,45,940 રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ વીમા કંપનીને વધારાની રકમ વ્યાજ સાથે 6 સપ્તાહમાં જમા કરાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

- Advertisement -

આ ચુકાદાને મોટર અકસ્માત કેસોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટેકનિકલ કારણોસર વળતરના હકથી વંચિત રહેતા અનેક પરિવારો માટે હવે આ નિર્ણય આશાનું કિરણ બની શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular