નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ જે કામ રોજ થવું જોઈએ તે કામ ક્યારેક ક્યારેક ઝુંબેશના નામે ચલાવીને તંત્ર ખુશી મનાવતું હોય છે. આવું જ કાંઈક ફરી શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પોલીસ સક્રિય બની છે. રાજ્યભરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 1 મે થી 31 મે સુધી હેલ્મેટ ન પહેરનારા સામે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવશે અને નિયમ ભંગ કરનારને ₹500નો દંડ ફટકારવામાં આવશે. જ્યારે સિગ્નલ જંપ કરવા, રોંગ સાઈડ વાહન ચલાવવું વગેરે જેવા નિયમોનો ભંગ કરી પોતાની અને બીજાની જીંદગીને પણ જોખમમાં મુકવાનું લોકો બેફામ પણે કરતા થયા છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દ્વિ-ચક્રી વાહન ચાલકો હેલ્મેટનો ફરજીયાત ઉપયોગ કરે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમોનું પાલન કરે તે માટે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણે પરિપત્ર દ્વારા જાણ કરી છે કે વર્ષ 2025ના જુલાઈ મહિનામાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. તેમાં સુરત શહેરમાં હેલ્મેટ અમલ સફળ રહેતા, તે જ મોડલને અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સૂચનાઓના આધારે હવે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં મોટર સાયકલ અને સ્કૂટર જેવા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે.
1 મે થી 31 મે દરમિયાન યોજાનારી આ ખાસ ડ્રાઇવ દરમિયાન દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવશે. નિયમનો ભંગ કરનાર સરકારી તેમજ બિનસરકારી તમામ વાહનચાલકો સામે કાર્યવાહી થશે. રોજની કામગીરીનો અહેવાલ બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચને મોકલવાનો રહેશે.
પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે વાહનચાલક હેલ્મેટ વગર મળી આવશે, તેને સ્થળ પર જ ₹500નો દંડ ફટકારવામાં આવશે.








