નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો (Road Accident In Rajkot-Jetpur Highway) છે. ટાયર ફાટી જતાં ચાલકે બોલેરો પીકઅપ વાન પરથી કાબૂ ગુમાવી દેતાં બ્રિજની દિવાલ સાથે વાહન ધડાકાભેર ટકરાતા પલટી મારી ગયું હતું. અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર મુસાફરો પૈકી બે શ્રમિકોના મોત થયા હતા. જ્યારે અન્ય મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોલેરો પીકઅપમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. આ સામાનની ઉપર આશરે 15 જેટલા શ્રમિકો સૂતા હતા. જ્યારે પીકઅપ Gondal ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટાયર ફાટતા ગાડી બેકાબૂ બની હતી અને બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉપર સૂતેલા પરપ્રાંતીય શ્રમિકો હવામાં ફંગોળાઈને સીધા 30 ફૂટ નીચે પટકાયા હતા. આ મામલે સ્થાનિક પોલીસે વાન ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.








