Tuesday, April 21, 2026
HomeNationalશું બંધારણ તે ભક્તની રક્ષા નહીં કરે જેને મૂર્તિને અડવાની પરવાનગી નથીઃ...

શું બંધારણ તે ભક્તની રક્ષા નહીં કરે જેને મૂર્તિને અડવાની પરવાનગી નથીઃ સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે પુછ્યો સવાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: સબરીમાલા અય્યપ્પા મંદિર સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે મુખ્ય પૂજારીને પૂછ્યું કે જે ભક્તને દેવને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, તેના અધિકારોનું બંધારણ રક્ષણ નહીં કરે? આ ટિપ્પણી પૂજારી તરફથી આપવામાં આવેલા નિવેદન બાદ આવી છે, જેમાં જણાવાયું હતું કે ભક્ત દેવતાના મૂળ ગુણોના વિરોધમાં જઈ શકતો નથી.

આ મામલે સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોવાળી બંધારણીય પીઠ સુનાવણી કરી રહી છે. આ પીઠમાં મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત સહિત જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ, જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે, જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી સામેલ છે. પીઠ ધાર્મિક સ્થળોએ મહિલાઓ સામે ભેદભાવ અને ધાર્મિક સ્વતંત્રતાની હદ અંગેની અરજીઓ પર વિચારણા કરી રહી છે.

- Advertisement -

મુખ્ય પૂજારી તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા વકીલ વી. ગિરિએ દલીલ કરી કે મંદિરમાં થતી વિધિઓ અને અનુષ્ઠાનો ધર્મનો અભિન્ન ભાગ છે અને તે એક ધાર્મિક પ્રથા છે. તેમણે કહ્યું કે આવી પ્રથાઓને ચાલુ રાખવી એ પૂજા કરવાનો હક છે, જે દરેક શ્રદ્ધાળુને મળે છે.

વી. ગિરિએ વધુમાં જણાવ્યું કે જ્યારે કોઈ ભક્ત પૂજા કરવા મંદિર જાય છે, ત્યારે તે દેવતાના ગુણોના વિરુદ્ધ જઈ શકતો નથી. ભક્ત દેવમાં રહેલી દિવ્ય શક્તિ પ્રત્યે સમર્પિત રહે છે અને તેને દેવતાના મૂળ ગુણોને સ્વીકારવા પડે છે.

આ દરમિયાન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહે મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંદિર જાય છે અને તેને માત્ર જન્મ, વંશ અથવા અન્ય પરિસ્થિતિના આધારે દેવને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, તો શું બંધારણ તેની મદદ નહીં કરે? તેમણે ઉમેર્યું કે સર્જનહાર અને સર્જન વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં.

- Advertisement -

તેના જવાબમાં વકીલ ગિરિએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને પૂજારી બનવામાં સંપૂર્ણ પ્રતિબંધ હોય, તો તેનું નિરાકરણ સંવિધાનના કલમ 25(2)(બ) હેઠળ કાયદા દ્વારા અથવા રાજ્ય દ્વારા કરવામાં આવી શકે છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ધાર્મિક સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન અંગે મહત્વપૂર્ણ વિચારણા કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં દેશના ધાર્મિક પ્રથાઓ પર અસરકારક સાબિત થઈ શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular