નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : વિદેશ જવાની ઘેલછા (Craze to go abroad) એ ભૂતકાળમાં પણ અનેક પરિવારો લૂંટાયા તેમજ યાતનાઓ સહન કરી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. આ વખતે એક વિચિત્ર ઘટના મહેસાણા જિલ્લાના વસાઈ ગામના ખેડૂત સાથે બની છે. પરિચિત વ્યક્તિ પાસેથી મેળવેલા ફોન નંબર પર સંપર્ક કરીને ઓસ્ટ્રેલિયા જવાની ઘેલછા ધરાવતા ખેડૂતના 64 લાખ રૂપિયા બે અજાણ્યા શખસો પિસ્તોલ બતાવીને લૂંટી (Gunpoint Robbery) ગયા હોવાની ઘટના વસાઈ પોલીસ સ્ટેશન (Vasai Police Station) ખાતે નોંધાઈ છે. પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Mahesana Vasai ગામના ખેડૂત બળવંતસિંહ ચાવડાને પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવો હતો. તેમણે પરિચિત મુકેશ વણઝારા પાસેથી મેળવેલા ફોન નંબર પર નિલેશ ભટ્ટનો સંપર્ક કરીને પુત્રની સાથે પિતાએ પણ ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કર્યું હતું. નિલેશ ભટ્ટે બે દિવસ અગાઉ 64 લાખ રૂપિયા તૈયાર રાખજો તેમ કહીને બે અજાણ્યા શખસોને વસાઈ ડાભલા ખાતે મોકલ્યા હતા. ગત રવિવારે આવેલા બે અજાણ્યા શખસોને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી બળવંતસિંહ ચાવડા સંબંધીઓ અને મિત્રો પાસેથી 64 લાખ રૂપિયા થેલામાં ભરીને લઈ આવ્યા હતા. બળવંતસિંહ તેમના મિત્ર સાથે જમવા માટે ગેસ્ટહાઉસ ખાતેથી રવાના થયા ત્યારબાદ ત્યાં હાજર મુકેશ વણઝારાના ભાઈ સાહીલે બૂમો પાડી અજાણ્યા શખસો રૂપિયા લઈને ભાગી ગયા છે. નંબર પ્લેટ વિનાની કારમાં રૂપિયા લઈને ભાગી રહેલાં શખસોને રોકવા જતા તેમણે સાહીલ વણઝારાને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ડરાવ્યો હતો.








