કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર-ભુટકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવેલી અફીણની ખેતી સામે બોર્ડર રેન્જ સાયબર સેલે મોટી કાર્યવાહી પૂર્ણ કરી છે. સોમવાર રાત્રે શરૂ થયેલી રેડ ત્રણ દિવસ સુધી ચાલ્યા બાદ 9 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે એક લાખ જેટલા અફીણના છોડ કબજે કરવામાં આવ્યા છે. આ મામલે ત્રણ સ્થાનિક શખસોને અટકમાં લેવામાં આવ્યા છે અને તેમની સામે NDPS હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
6273 કિલો અફીણના છોડ જપ્ત
પોલીસ, ફોરેન્સિક અધિકારી અને વીડિયોગ્રાફર સહિત આશરે 15 સભ્યોની ટીમે સ્થળ પર સઘન કામગીરી હાથ ધરી હતી. બે એકર જેટલી સરકારી જમીનમાં ઉગાડવામાં આવેલા અંદાજે એક લાખ જેટલા અફીણના છોડ, કુલ વજન 6273 કિલોગ્રામ, કબજે કરાયા છે.
આ ઉપરાંત સ્થળ પરથી તૈયાર અફીણનો 100 ગ્રામ જથ્થો પણ મળી આવ્યો છે. સમગ્ર જથ્થાની અંદાજિત કિંમત આશરે 9 કરોડ રૂપિયા ગણાવવામાં આવી છે.
સ્થળ પરથી 3 શખસોની અટકાયત
રેડ દરમિયાન ભીમાસર ગામના 37 વર્ષીય પ્રભુ ભાણાભાઈ સોઢા, ઈશ્વર ડાહ્યાભાઈ ગોયલ અને મનસુખ વજાભાઈ ગોયલને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ હવે ત્રણેયની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
YouTube જોઈ શીખ્યો અફીણનો પાક?
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રભુ સોઢાએ લગભગ બે વર્ષ પહેલાં સરકારી ખરાબાની જમીન સમતળ કરી ખેતી શરૂ કરી હતી. શરૂઆતમાં જીરૂં જેવા પાક વાવ્યા બાદ વધુ કમાણીના લાલચે અફીણની ખેતી તરફ વળ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ, તેણે YouTube પર વીડિયો જોઈ અફીણની ખેતી અંગે માહિતી મેળવી અને બાદમાં ગેરકાયદેસર રીતે આ પાક ઉગાડવાનું શરૂ કર્યું હતું.
NDPS હેઠળ ગુનો નોંધાશે
આ સમગ્ર કેસમાં આડેસર પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે:
આ ખેતી કેટલા સમયથી ચાલી રહી હતી?
સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કેવી રીતે થયો?
અફીણનો જથ્થો કોને સપ્લાય થવાનો હતો?
અન્ય કોઈ નેટવર્ક કે મોટું ગેંગ તો સંકળાયેલું નથી ને?
કચ્છમાં અફીણની ખેતીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ ગણાઈ રહ્યો છે.








