ઈબ્રાહીમ પટેલ (નવજીવન. મુંબઈ ): વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનમાં નાણાંનીતિ વધુ હળવી થવાની અપેક્ષાએ આયર્ન ઓરના ભાવ ફરી વધવા લાગ્યા છે. નિકલના ભાવ વિક્રમ ઊંચાઈએ જતાં રહેતા સ્ટેનલેસ સ્ટીલ વાયદો પણ ત્રણ મહિનાની ઊંચાઈએ ગયો હતો. ડેલિયાન આયર્ન ઓર વાયદો ૨.૮ ટકા ઊછળી, સપ્ટેમ્બર ૨૦૨૧ની ઊંચાઈએ ૧૩૧.૨૫ ડોલર પ્રતિ ટન, અને શીંગાપુર માર્ચ વાયદો સતત ત્રીજા દિવસે ૨.૬ ટકા વધીને ૧૩૩.૯૦ ડોલર મૂકાતા ઉત્તર ચાઈના પોર્ટ પર ૬૨ ટકા ફાઈનેસ આયર્ન ઓર આયાતી હાજર ભાવ ૧૩૩ ડોલર મુકાયા હતા.
નિકાલની મજબૂત માંગ અને નબળા પુરવઠાની હૂંફે શાંઘાઇ સ્ટેનલેસ સ્ટીલ વાયદો ૬.૯ ટકા ઉછળીને ઓકટોબર ૨૦૨૧ પછીની ઊંચાઈએ ગયો હતો. હવે પ્રશ્ન એ થાય છે કે ચીનમાં નાણાંનીતિ હળવી કરાતા માળખગત બાંધકામ માટે સ્ટીલની માંગ, આયર્ન ઓરની વર્તમાન તેજીને ટકાવી શકશે. અલબત્ત, ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થતી શિયાળુ બીજિંગ ઓલિમ્પિક અગાઉ હવામાન ચોખ્ખું રાખવાની બલ્યુ સ્કાય નીતિને લીધે ટૂંકાગાળામાં માંગ ઘટવાનું જોખમ પણ વધી ગયું છે.
માયસ્ટીલ કન્સલ્ટન્સી કહે છે કે ૫૦ કરતાં વધુ સ્ટીલ ઉત્પાદકોએ લ્યુનાર નવા વર્ષ અગાઉ કારખાનની સારસંભાળ માટે બંધની જાહેરાત કરી દીધી છે, કેટલાંકે તો ફેબ્રુઆરી અંત કે માર્ચ આરંભ સુધી કારખાના બંધ કરી દીધા છે. ઓસ્ટ્રેલિયન ફાયનાન્સિયલ રિવ્યુએ કરેલા એક અભ્યાસના તારણ કહે છે કે ચીનનો વિકાસ દર ૨૦૨૧ના ૮ ટકાની તુલનાએ આ વર્ષે પાંચ ટકા રહેશે. પરિણામે આયર્ન ઓરના ભાવ ૯૦ ડોલર સુધી ઘટી શકે છે. પુરવઠો કેવો રહે છે, તેણે આધારે આગામી સપ્તાહોમાં ભાવ, ધારણા કરતાં વધુ વધઘટ રહેવાની શક્યતા છે.
સી બોર્ન માર્કેટનો ૨૧ ટકા હિસ્સો ધરાવતા બ્રાઝિલમાં ભારે વરસાદને લીધે ઉત્પાદનને અસર થઈ છે. અલબત્ત, જગતને ૫૩ ટકા આયર્ન ઓર પૂરું પાડતા ઓસ્ટ્રેલિયામાં પાંચ ફેબ્રુઆરી સુધી પશ્ચિમ દરિયાકાંઠાને ટ્રાન્સપોર્ટ વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, ઉત્પાદનમાં વ્યવધાન પાડવાની સંભાવના છે. સ્ટીલ સેકટર માટે ચીનમાં હવામાનના નિયમનો વધુ હળવા કરાયા હોવાથી ૨૦૨૧ના બીજા અર્ધવાર્ષિકમાં જે પ્રકારે ભાવ વધ્યા તે પ્રકારે આ વર્ષે પણ તેનું પુન:રાવર્તન શક્ય છે.
ભારે વરસાદ પછી બ્રાઝિલીયન ખાણ કંપની વલે એ ઉત્પાદન શરૂ કરીને વાર્ષિક ઉત્પાદન અનુમાન ૩૨૦૦થી ૩૩૫૦ લાખ ટનનું મૂક્યું છે. આ તરફ ઓસ્ટ્રેલિયન કંપની રિયો ટીંટો કહે છે કે ૨૦૨૧ પ્રથમ અર્ધવાર્ષિકમાં અમારું ઉત્પાદન ૨૦૨૦ કરતાં ૪ ટકા ઓછું ૩૧૯૭ લાખ ટન થયું હતું. રિયો ટીંટો માંને છે કે કામદારોની અછતને લીધે ૨૦૨૨માં પિલબારા વિસ્તારમાંથી ગતવર્ષ કરતાં સહેજ ઓછી ૩૨૦૦થી ૩૩૫૦ લાખ ટન આયર્ન ઓર નિકાસ કરીશું.
માયસ્ટીલનો સર્વે કહે છે કે ૩૦ જાન્યુઆરીથી બીજિંગ ઓલિમ્પિક સુધી એકલા ટાંગસાંગ વિસ્તારમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ૭૮ ટકાથી ઘટીને ૬૩ ટકા રહેવાનો ભય છે. પરંતુ બ્રાઝિલમાં વરસાદને પગલે આયાત કે સપ્લાય સમસ્યાને લીધે ભાવને ઉપર જવાની જગ્યા બની રહેશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |











