પ્રશાંત દયાળ (શિવા. ભાગ-9): શિવાનીને દીકરીની ખૂબ ઇચ્છા હતી. તે ઘણી વખત આકાશને પણ ફ્રોક પહેરાવતી. શિવાનીને (Shivani Dayal) દીકરી જોઈતી હતી એટલે અમે દીકરી દત્તક લેવાનો નિર્ણય કર્યો. શિવાની તેના માટે તૈયાર હતી. જોકે આ મામલે શિવાનીએ તેની આઈ સાથે અને મારે મારી આઈ સાથે વાત કરવાની હતી. મેં મારી આઈ સાથે વાત કરી લીધી. જોકે મારે વાત કરવાની એટલે… માત્ર મારા નિર્ણયની જાણ જ કરવાની હતી. મેં જ્યારે મારી આઈને કહ્યું, ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં; પણ તેનો ચહેરો કહી રહ્યો હતો કે, તેને મારો નિર્ણય પસંદ નથી. શિવાનીની આઈને પણ આ નિર્ણય ગમ્યો નહોતો.
મારી આઈ હોંશિયાર હતી. તેને ખબર હતી કે, પ્રશાંતને (Prashant Dayal) કોઈ વસ્તુની ના પાડવી હોય તો તેના માટે તર્ક હોવો જોઈએ. મારી આઈ પોતાનો તર્ક શિવાનીને સમજાવવામાં સફળ રહી. મારી આઈએ શિવાનીને સમજાવ્યું, “તને પ્રશાંતનો સ્વભાવ ખબર છે… દીકરી દત્તક લીધા પછી આજે નહીં તો કાલે એવું બનશે કે, તારે દીકરીને કોઈ કારણે ઠપકો આપવો પડશે. જો આવું થયું તો પ્રશાંત માની લેશે કે, દીકરી દત્તક લીધેલી છે એટલે તું એની સાથે આવો વ્યવહાર કરે છે. જેથી મારી સલાહ છે કે, દીકરી દત્તક લેવાને બદલે તમારી દીકરીને જન્મ આપવાનું આયોજન તમે કરો.”
શિવાનીને આ વાત શિરાની જેમ ગળે ઊતરી ગઈ. તેણે મને કહ્યું, “દીકરી તો લાવવાની જ છે. પણ એ આપણી હશે.”
આખરે હું શિવાની સાથે સંમત થયો. 2001નું વર્ષ હતું, અમદાવાદ સહિત ગુજરાતનો મોટો હિસ્સો ભૂકંપના આઘાતમાંથી બહાર નીકળ્યો હતો. એક રાતે હું ઓફિસથી ઘરે આવ્યો એટલે શિવાની મારી પાસે બેઠી. તેણે મારો હાથ પકડી પોતાનાં પેટ પર મૂક્યો. મેં તેની સામે જોયુ… બસ, જોતો જ રહ્યો. તે એકદમ શરમાઈ ગઈ! અમે ડૉ. કૃપા ત્રિવેદીને બતાવવાં ગયાં. શિવાનીને તપાસ્યા પછી ડૉ. કૃપા બહાર આવ્યાં. મારી પાસે આકાશ ઊભો હતો. ડૉ. કૃપાએ આકાશને પુછ્યું, “તારે શું જોઈએ? ભાઈ કે બહેન?”
આકાશ બોલ્યો, “બહેન!”
શિવાની ખૂબ ખુશ હતી. તે કહી રહી હતી કે, મારે તો દીકરી જ આવશે. તેણે મને પુછ્યું, “દીકરીનું નામ શું રાખીશું?”
મેં કહ્યું, “પ્રાર્થના.”
તેને પણ પ્રાર્થના નામ ખૂબ ગમ્યું. તેણે દૃઢ વિશ્વાસથી કહ્યું, “દીકરી જ આવશે અને તેનું નામ પણ પ્રાર્થના જ હશે.”
ડૉ. કૃપા અને તેમના પતિ ડૉ. કલ્પેશ સાથે જ પ્રેક્ટિસ કરતાં હતાં. તેમણે અમને કહ્યું હતું કે, ડિસેમ્બરમાં તમારાં ઘરે નવાં મહેમાનનું આગમન થશે. દિવાળીનો સમય હતો. 16મી નવેમ્બરે રાતે બાર વાગ્યે શિવાનીને દુખાવાની શરૂઆત થઈ. ડૉકટરે આપેલા સમય પ્રમાણે તો હજી એક મહિનાની વાર હતી, પણ ધીરે ધીરે શિવાનીનો દુખાવો વધી રહ્યો હતો. રાતે બે વાગ્યે એનો દુખાવો અસહ્ય થવા લાગ્યો. મેં એને પુછ્યું, “ડૉકટર પાસે જવું છે?”
તેણે હા પાડી એટલે મેં ડૉ. કલ્પેશને ફોન કર્યો. તેમણે કહ્યું, “શિવાનીને લઈને આવી જાવ.”
મારું ઘર મુખ્ય રસ્તાથી ઘણું અંદર હતું. રિક્ષા લેવા માટે મેઇનરોડ પર આવવું પડે. તે સમયે મારી પાસે કાર પણ નહોતી. મેં શિવાનીને પુછ્યું, “બાઇક પર ફાવશેને?”
તેણે કણસતાં કણસતાં હા પાડી. અમે રાતે સવાબે વાગ્યે બાઇક પર હૉસ્પિટલ પહોંચ્યાં. ડૉ. કલ્પેશ પણ તરત આવી ગયા હતા. તે લૅબરરૂમમાં ગયા અને બહાર આવી મને કહ્યું, “શિવાની અત્યારે જ બાળકને જન્મ આપશે. પણ બાળકનો જન્મ એક મહિનો વહેલાં થતો હોવાથી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને હાજર રાખવા પડશે.”
મેં તરત હા પાડી. થોડીવાર પછી બીજા કોઈ ડૉકટર પણ આવી ગયા. મને પછીથી ખબર પડી કે, તેઓ નવજાત બાળકોના ડૉકટર હતા. તેમનું નામ હતું— ડૉ. સંજીવ મહેતા. મારા ધબકારા વધી ગયા હતા. લૅબરરૂમમાં રહેલી મરાઠી બાઈનો અવાજ મને બહાર સંભળાઈ રહ્યો હતો. તે શિવાનીને કહી રહી હતી કે, જોર કર! જોર કર! ડૉ. કલ્પેશ આ સ્થિતિમાં શિવાની નોર્મલ રીતે બાળકને જન્મ આપે તેવા પ્રયાસમાં હતા.
હવે પરોઢ થવાની તૈયારી હતી. અંગ્રેજી સમય પ્રમાણે હવે 17મી નવેમ્બર થઈ ચૂકી હતી. હિન્દુ પંચાગ પ્રમાણે નવું વર્ષ બેસી ગયુ હતું. હું બહાર આંટા મારતો મારતો હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો. ત્યારે આકાશમાં પણ નવાં વર્ષનાં સ્વાગતમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. એવામાં લૅબરરૂમનો દરવાજો ખુલ્યો. મેડિકલ ગાઉન પહેરી ડૉ. કલ્પેશ બહાર આવ્યા. તેમના ચહેરા પર સ્મિત હતું. હું તેમને કંઈ પુછું તે પહેલાં જ તેમણે મને સવાલ કર્યો, “તમારે શું જોઈએ છે?”
મેં કહ્યું, “દીકરી!”
તેમણે કહ્યું, “કૉંગ્રેચ્યુલેશન્સ! તમારા ઘરે દીકરી જ આવી છે.”
આટલું કહીને તે એક ક્ષણ અટક્યા. પછી ઉમેર્યું, “પ્રિમેચ્યોર ચાઇલ્ડ છે એટલે તેનું વજન ખૂબ ઓછું છે. તે 1.900 ગ્રામની જ છે. તેને ડૉ. સંજીવ મહેતાની હૉસ્પિટલમાં પેટીમાં રાખવી પડશે.”
મેં હકારમાં માથું હલાવ્યું. ડૉ. કલ્પેશ અંદર ગયા અને તરત કપડામાં લપેટીને મારી નાનકડી પ્રાર્થનાને લઈ બહાર આવ્યા ને મારા હાથમાં મૂકી. હજી મિનિટો પહેલાં જ દુનિયામાં આવેલી પ્રાર્થનાની આંખોને જાણે બધું જ જોઈ લેવું હોય તેમ ટગર ટગર જોઈ રહી! તરત ડૉ. સંજીવ પણ બહાર આવ્યા. હું પ્રાર્થનાને લઈ તેમની જ કારમાં તેમની હૉસ્પિટલ પહોંચ્યો. પ્રાર્થનાને કાચની પેટીમાં મૂકી દેવામાં આવી.
હું ડૉ. કલ્પેશની હૉસ્પિટલ પર પાછો આવ્યો. શિવાનીને રૂમમાં શિફ્ટ કરી દીધી હતી. મને જોતાં જ તેની આંખમાં હર્ષનાં આંસું આવી ગયાં. મેં તેનો હાથ પકડી પુછ્યું, “ખુશ? ઈશ્વરે તારી ઇચ્છા પૂરી કરી.”
તેણે મને પુછ્યું, “કેમ છે પ્રાર્થના?”
મેં કહ્યું, “સારી છે. ચિંતા કરતી નહીં.”
તેણે મને તરત પુછ્યું, “તે એકલી હશેને?”
હું હસ્યો અને કહ્યું, “ના, એ એકલી નથી. ત્યાં ઘણી બધી પેટીઓ છે. ત્યાં તેનાં જેવાં જ ઘણાં બાળકો તેને કંપની આપવા માટે છે.”
મને પણ પ્રાર્થનાની ચિંતા રહેતી. ડૉ. સંજીવ મહેતાની હૉસ્પિટલ ખૂબ નાની હતી. હું હૉસ્પિટલની બહાર એક બાંકડા પર રાતે સૂઈ જતો. પ્રાર્થના પાંચ દિવસ પેટીમાં રહી અને શિવાનીને પણ હૉસ્પિટલમાંથી રજા મળતાં તરત પ્રાર્થનાને જોવા હૉસ્પિટલમાં આવી. કાચની પેટીમાં રહેલી નાનકડી પ્રાર્થનાના નાનકડા હાથ-પગ જોઈ તેણે મને કહ્યું, “કેવી નાની નાની છે! કેમ?”
હું તેની આંખોમાં ખુશી જોઈ રહ્યો હતો. શિવાનીએ કહ્યું, “આ તો મારી ‘નન્ની’ છે!”
બસ, ત્યારથી જ તે પ્રાર્થનાને ‘નન્ની’ કહીને સંબોધતી. શિવાનીએ ક્યારેક જ તેને પ્રાર્થના કહીને બોલાવી હશે. એના માટે તો એ નન્ની જ હતી. ડૉ. સંજીવ મહેતાએ કહ્યું, “હવે દીકરીની તબિયત સારી છે. તમે એને ઘરે લઈ જઈ શકો છો.”
શિવાની ખુશ હતી. અમે પ્રાર્થનાને લેવાં હૉસ્પિટલ આવ્યાં. તેણે મને કહ્યું, “ઘરે જતાં પહેલાં આપણે મંદિરે જઈશું.”
મારાં ઘર પાસે એક પૅટ્રોલપંપ હતો. તેની બહાર મેલડીમાતાનું નાનકડું મંદિર હતું. તેણે મને કહ્યું, “આપણે મેલડીમાતાને મળીને ઘરે જઈશું.”
અમે પ્રાર્થનાને લઈ મેલડીમાતાનાં મંદિરમાં ગયાં. તેણે પ્રાર્થનાને માતાના પગ પાસે મૂકી અને કહ્યું, “મારી દીકરીની સંભાળ રાખજે. અમે ઘરે પહોંચ્યાં ને ઘરનો ઉબંરો ઓળંગીએ તે પહેલાં જ શિવાનીએ મને રોક્યો. તે ઘરમાં ગઈ; દૂધ અને પાણી લઈ આવી; મારા હાથમાં રહેલી પ્રાર્થનાની નજર ઉતારી. એ પછી અમે બાપ–દીકરી ઘરમાં પ્રવેશ્યાં. અમારાં ઘરમાં અને જીવનમાં એક નવાં મહેમાનનું આગમન થયું હતું. મારા માટે એ પ્રાર્થના હતી અને શિવાની માટે એ નન્ની હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








