Saturday, May 2, 2026
HomeGujaratAhmedabadઇલેક્ટોરલ બોન્ડની ગેરરીતિ પ્રકાશમાં લાવનારાં

ઇલેક્ટોરલ બોન્ડની ગેરરીતિ પ્રકાશમાં લાવનારાં

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સુપ્રિમ કોર્ટ (Supreme Court) દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ (Electoral Bond) ગેરબંધારણીય જાહેર થયા. તે પછી ઇલેક્ટોરલ બોન્ડ કોણે ખરીદ્યા અને કયા રાજકીય પક્ષે તે વટાવ્યા તે ડેટા જાહેર કરવા અંગે ખાસ્સી મથામણ થઈ. ફાઈનલી એ ડેટા જાહેર થયો છે અને હવે એટલો તો ખ્યાલ આવી શકે છે કે કંઈ કંપનીએ કે વ્યક્તિએ સૌથી વધુ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે. જોકે, હજુય ઇલેક્ટોરલ બોન્ડ અંગેની માહિતી અધૂરી છે, કારણ કે કંઈ કંપની કે વ્યક્તિના ઇલેક્ટોરલ બોન્ડ કયા પક્ષે વટાવ્યા છે તે માહિતી સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ પૂરી પાડી નથી. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની (SBI) દલીલ છે કે તેમને માહિતીને ગોઠવવામાં સમય લાગશે. ઇલેક્ટોરલ બોન્ડના પૂરા મુદ્દામાં કેન્દ્ર સરકાર સિવાય, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇલેક્શન કમિશન અને સુપ્રિમ કોર્ટ આ બધી જ સર્વોચ્ચ સંસ્થાઓ સહભાગી રહી, પરંતુ તેને ગેરબંધારણીય ઠેરવતાં છ વર્ષ જેટલો સમય વીતી ગયો. 2017-18ના વર્ષમાં કેન્દ્રિય બજેટમાં ઇલેક્ટોરલ બોન્ડને બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે પછી આ અંગે પીટીશન થઈ અને તેની કાયદાકીય લડત બાદ આજે તે ગેરબંધારણીય જાહેર થઈ ચૂકી છે. આ ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રિમ કોર્ટમાં કાયદાકીય લડત આપનારાઓમાં ચાર મુખ્ય પક્ષકારો હતા. તેમાં એક છે ‘એડીઆર’ નામે ઓળખાતી ‘ધ એસોશિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ’ સંસ્થા છે. કૉંગ્રેસ આગેવાન જયા ઠાકુર, ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા’[માર્કસિસ્ટ] અને ‘કોમન કોઝ’ નામની બીજી એક સંસ્થા હતી. બકાયદા કાયદા દ્વારા થયેલી એક ખોટી વ્યવસ્થાને પડકાર આપનારાઓમાં બે સંસ્થાઓ, એક રાજકીય પક્ષ અને એક રાજકીય વ્યક્તિ લડ્યાં.

ADR
ADR

ઇલેક્ટોરલ બોન્ડના નામો જાહેર થયા બાદ હવે ચર્ચા તેની આસપાસ થઈ રહી છે, પણ જેમણે આ માટે કાયદાકીય જંગ ખેલ્યો તે વિશેની વાત ઝાઝી પ્રકાશમાં આવી નથી. ‘એડીઆર’ દ્વારા પોતાના વેબસાઇટ પર તેમના ‘મિશન’ અંગે જણાવ્યું છે કે, ‘વર્ષ 1999માં અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના પ્રોફેસરના એક ગ્રૂપ દ્વારા ‘ધ એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’[એડીઆર] સ્થાપના થઈ હતી. 1999માં ચૂંટણી લડનારાં ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ અને તદ્ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ જાહેર કરવાની દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી હતી. આ જ જાહેર હિતના અરજીના આધારે 2002માં સુપ્રિમ કોર્ટના આવેલા ચુકાદાના આધારે 2003થી જે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે છે તેમણે ગુનાહિત, આર્થિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ એફિડેવીટથી ઇલેક્શન કમિશન સામે જાહેર કરવી જરૂરી બની ગઈ.’

- Advertisement -
EB BJP
EB BJP

આ ઉપરાંત પણ ‘એડીઆર’એ વેબસાઈટ પર વિગતે માહિતી આપી છે, પણ આ સંસ્થા પોતાના મિશનમાં જણાવે છે કે અમારું કાર્ય લોકશાહીને મજબૂત કરવાનું છે. ઉપરાંત, રાજકીય અને ચૂંટણીની પ્રક્રિયામાં કેવી રીતે સુધાર થાય તે જોવાનું છે. જાગ્રત નાગરિકો જાણે છે કે આ પ્રક્રિયા સતત કરવા જેવી છે અને જો ‘એડીઆર’ જેવી કોઈ સંસ્થા તેના પર નજર ન કરે તો ટૂંકા ગાળામાં ખરી લોકશાહી ઘોંચમાં પડી જાય. ‘એડીઆર’ના કારણે 2003થી જે માહિતી આજે પ્રજા માટે કાયદા રૂપે ઉપલબ્ધ થાય છે, તેના કારણે આજે તમામ રાજકીય નેતાઓનો ભૂતકાળ જાણી શકાય છે. ચૂંટણીમાં રાજકીય આગેવાનની પૃષ્ઠભૂમિ અગત્યની છે, ખાસ કરીને તો તેના ગુનાહિત કાંડ. ‘એડીઆર’ દ્વારા આવી અનેક લડતો લડવામાં આવી છે. 2008માં પણ ‘એડીઆર’ દ્વારા એક અન્ય ચુકાદો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા આવ્યો હતો, જે મુજબ રાજકીય પક્ષોએ પોતાનું ઇન્કમટેક્ષ રિટર્ન જાહેર કરવું પડશે. આ સિવાય રાજકીય પક્ષોની પારદર્શિતા માટે પણ ‘એડીઆર’એ સતત લડત આપી છે. 2013માં પણ એક કેસમાં ‘એડીઆર’ સહભાગી હતું, જેના પરિણામે આજે વિધાનસભ્ય અને સંસદસભ્ય જો ન્યાયાલય દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય તો તેઓ કોઈ પદ સ્વીકારી શકે નહીં. ‘નન ઑફ દ અબાઉ’[નોટા] આ બટન ઇવીએમમાં મૂકાયું છે તેનું પણ કારણ ‘એડીઆર’ની લડત છે. ચૂંટણીમાં જે ઉમેદવાર ઊભા રહ્યાં છે તેમાંથી કોઈ પણ એકને મત આપવાની મતદાતાને ફરજ ન પાડી શકાય. મતદાતા ઇચ્છે તો તે ઉપરના કોઈને મત ન આપીને ‘નોટા’માં મત આપીને પોતાનો અભિપ્રાય આપી શકે કે મને કોઈ જ યોગ્ય વિકલ્પ લાગતો નથી. આ મહત્ત્વનો ચુકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો તે માટે શ્રેય ‘એડીઆર’ને આપી શકાય.

‘એડીઆર’ની આ કાયદાકીય લડત છે, પણ તેમની વેબસાઇટ પર જઈએ તો તેમાં જનપ્રતિનિધિઓની વિસ્તૃત વિગત ત્યાં જોવા મળે છે. તેમની સાઇટ પર ‘અબાઉટ માયનેતા’ નામનો એક વિભાગ છે. આ વિભાગમાં જઈને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જે પણ ચૂંટાઈ આવેલા પ્રતિનિધિ છે તેમની તમામ વિગત જાણવા મળે છે. આ પ્રકારનું ભારેખમ માહિતીનું કાર્ય ગોઠવીને મૂકવું અઘરું કાર્ય છે, પણ સામાન્ય લોકો સમજી શકે તે રીતે ‘એડીઆર’ દ્વારા તે મૂકાયું છે. આ માહિતીના વિભાગમાં સૌથી ઉપર જે વિગત ફ્લેશ થાય છે તેમાં લખેલું છે કે, 2019ની લોકસભાના 43 ટકા સાંસદોએ તેમના પર ક્રિમિનલ કેસ થયા છે તેમ સ્વીકાર્યું છે. આ માહિતી હિંદીમાં પણ ઉપલબ્ધ છે. ‘એડીઆર’ની વેબસાઈટ પર સીધી દેખાય એવી માહિતી મળે છે તેમાં ઇલેક્ટોરલ બોન્ડની ઝીણામાં ઝીણી માહિતી જોઈ શકો છો. અને તેથી ‘એડીઆર’ પોતાના મિશનને લઈને કેટલાંક અગત્યના સૂચનો પણ આપ્યા છે. જેમ કે, રાજકીય પક્ષોને ભંડોળ મળે છે તે સંદર્ભના સૂચનો આ પ્રમાણેના છે : (1) રાજકીય પક્ષોને મહદંશે ભંડોળ અજ્ઞાત સ્ત્રોત દ્વારા મળે છે, તેમાં પારદર્શિતા આવવી જોઈએ. ભૂતાન, નેપાલ, જર્મની, બ્રાઝિલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં આ પારદર્શિતા જળવાય છે. (2) તમામ પ્રકારનાં ભંડોળની જાણકારી નાગરિકોને મળવી જોઈએ. (3) ઉપરાંત, રાજકીય પક્ષોને મળતાં ભંડોળને લઈને ‘કેગ’ દ્વારા તપાસ થવી જોઈએ, જેથી પારદર્શિતા રહે. આ પ્રકારના અનેક અભ્યાસ ‘એડીઆર’ની વેબસાઇટ પર જોવા મળે છે.

બીજી એક એક સંસ્થા પિટીશનકર્તા તરીકે ઇલેક્ટોરલ મુદ્દે હતી તે ‘કોમન કોઝ’ છે. આ સંસ્થાની ટેગલાઈન છે : ‘અ રોમાન્સ વિથ પબ્લિક કોઝ’. આ સંસ્થા કોઈ પણ જાહેર હિતના મુદ્દા માટે લડે છે. ‘રાઇટ ટુ એજ્યુકેશન’ અર્થે આ સંસ્થાએ કેમ્પેઇન ચલાવ્યું હતું. આ ઉપરાંત અનેક કાયદાકીય મુદ્દા સંદર્ભે ‘કોમન કોઝ’ લડે છે. તેમની વેબસાઇટ પર જઈએ તો તેઓ હાલમાં જે મુદ્દે લડત આપી રહ્યાં છે તેની લાંબી યાદી મળે છે.

- Advertisement -

ઇલેક્ટોરલ મુદ્દે એક પણ રાજકીય પક્ષ વિરોધમાં બોલવા તૈયાર નહોતું, પરંતુ ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા’(માર્ક્સસિસ્ટ) દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને તેઓ કાનૂની લડતમાં પણ સક્રીય રહ્યા. આ પાર્ટીના જનરલ સેક્રટરી સિતારામ યચૂરી છે. દેશની આ સૌથી મોટી કોમ્યુનિસ્ટ પાર્ટી છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ઇલેક્ટોરલ મુદ્દે બેદાગ રહી છે, કારણ કે તેમણે એક પણ રૂપિયા ઇલેક્ટોરલબ બોન્ડથી મેળવ્યો નથી. હાલમાં આ પાર્ટીની લોકસભામાં ત્રણ બેઠકો છે, જ્યારે રાજ્યસભામાં પાંચ. આ પક્ષ સાડા ત્રણ દાયકા સુધી પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહ્યો હતો. આજે આ પક્ષનું નામ ભારતીય રાજનીતિ પરથી ભૂંસાઈ રહ્યું છે, પરંતુ તેના દ્વારા થયેલી આ પહેલને બિરદાવવી જોઈએ. આ પૂરી લડતમાં વ્યક્તિગત રીતે જેઓ સામેલ રહ્યા તે કૉંગ્રેસના જયા ઠાકુર છે. જયા ઠાકુર મૂળે મધ્ય પ્રદેશના છે અને તેઓ કૉંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. જયા ઠાકુર ચૂંટણી સંદર્ભે થતી ગેરરીતિઓ અંગે અવાજ ઊઠાવતાં રહ્યાં છે.

ઇલેક્ટોરલ બોન્ડ સંદર્ભે જો આ પિટીશનકર્તા ન હોત તો સરકારે આ મુદ્દે પીછેહઠ ન કરી શકી હોત. કારણ કે સરકાર તો કાયદો લાગુ કરીને આ રીતે ભંડોળ એકઠું કરવાનું પૂરું આયોજન કરી ચૂકી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular