Saturday, October 12, 2024
HomeNationalસરકારે CAAનું નોટિફિકેશન જાહેર કર્યું, ત્રણ દેશોના લઘુમતીઓને મળશે નાગરિકતા

સરકારે CAAનું નોટિફિકેશન જાહેર કર્યું, ત્રણ દેશોના લઘુમતીઓને મળશે નાગરિકતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોને સૂચિત કર્યા છે. આ અંતર્ગત અન્ય દેશના શરણાર્થીઓ ભારત દેશની નાગરિકતા મેળવી શકશે. મળતી માહિતી મુજબ, CAA નિયમો જારી થયા બાદ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે.

વિપક્ષ દેશમાં લોકસભા ચૂંટણી પહેલા CAAના નિયમોના અમલીકરણને લઈને સરકાર પર સવાલો ઉઠાવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મામલે કેન્દ્ર પર સીધો પ્રહાર કર્યો છે. નાગરિકતા સંશોધન કાયદાના નિયમો હેઠળ, ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે, તેના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ માટે ભારતીય નાગરિકતા મેળવવાના નિયમો સરળ બનશે. આ છ સમુદાયોમાં હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીનો સમાવેશ થાય છે.

- Advertisement -

નાગરિકતા સંશોધન બિલ 11 ડિસેમ્બર, 2019 ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને માત્ર એક દિવસ પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. CAA દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લઘુમતીઓને ભારતીય નાગરિકતા મેળવવી સરળ બનશે. આવા લઘુમતીઓ 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલા ભારતમાં પ્રવેશ્યા છે. અગાઉ, ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 હેઠળ આ નિયમને સરળ બનાવવામાં આવ્યો છે. નાગરિકતા મેળવવાનો સમયગાળો 1થી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો છે.

CAAને લઈને દેશમાં તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. અનેક રાજકીય પક્ષોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે તેનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કોરોનાને કારણે CAA અવઢવમાં રહ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 200થી વધુ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કહેતા રહ્યા કે, CAA દરેક પરિસ્થિતિમાં લાગુ કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળાને કારણે આ અધિનિયમનો અમલ કરવામાં વિલંબ થયો છે. જેઓ વિચારે છે કે આવું નહીં થાય તે ખોટા સાબિત થશે.

CAA, પોતે જ, કોઈપણ વ્યક્તિને નાગરિકતા આપતું નથી. આ દ્વારા, પાત્ર વ્યક્તિ અરજી કરવા માટે પાત્ર બને છે. આ કાયદો 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા લોકો પર લાગુ થશે. આમાં, સ્થળાંતર કરનારાઓએ સાબિત કરવું પડશે કે તેઓ કયા સમયગાળા માટે ભારતમાં રહ્યા છે. તેઓએ એ પણ સાબિત કરવું પડશે કે તેઓ તેમના દેશોમાંથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવ્યા છે. તેઓ એવી ભાષાઓ બોલે છે જે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ છે. તેઓએ સિવિલ કોડ 1955ની ત્રીજી અનુસૂચિની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવી પડશે. આ પછી જ સ્થળાંતર કરનારાઓ અરજી કરવા પાત્ર બનશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular