નવજીવન ન્યૂઝ, વડોદરા : એક્સપ્રેસ-વે પર વડોદરા જિલ્લાના પાદરા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં (Fatal accident in Vadodara district) કારનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. એસટી બસની પાછળ કાર ઘૂસી જતા તેના ચાલક એવા સુરત ગ્રામ્ય પોલીસના હેડ કૉન્સ્ટેબલનું ગંભીર ઈજાઓને લઈને સ્થળ પર મોત (Surat Rural SOG Head Constable dies) નિપજ્યું છે. ભૂક્કો થઈ ગયેલા કારને એસટી બસની પાછળથી બહાર કાઢવા માટે તંત્રને ભારે મહેનત કરવી પડી હતી.
સુરત ગ્રામ્ય એસઓજીના હેડ કૉન્સ્ટેબલ ભરત દેસાઈ પોતાની ખાનગી કારમાં એક્સપ્રેસ વે પર મુસાફરી કરી રહ્યાં હતાં તે સમયે પાદરા નજીક તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ભરત દેસાઈની કાર આગળ જઈ રહેલી એસટી બસના પાછળના ભાગે અંદર સુધી ઘૂસી ગઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતના કારણે કારના ભૂક્કા બોલી ગયા હતા અને ડ્રાઈવીંગ સીટ પર બેસેલા ભરત દેસાઈનું સ્થળ પર મોત થયું હતું. અકસ્માતના પગલે 108 તેમજ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને કારને બસની નીચેથી બહાર કાઢવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, બે મહિના અગાઉ જ ભરત દેસાઈના પિતાનું નિધન થયું છે.








