કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશનું બંધારણ (Constitution of India) 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું; જોકે બંધારણસભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે (Dr. Rajendra Prasad) બંધારણ પર સ્વીકારની મહોર 26 નવેમ્બર 1949ના રોજ લગાવી હતી, અને એટલે આ દિવસ ‘બંધારણ દિન’ તરીકે ઊજવવામાં આવે છે. બંધારણ સભામાં બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. બી. આર. આંબેડકરની (Dr. B. R. Ambedkar) નિમણૂક કરવામાં આવી હતી. આજે 6 ડિસેમ્બરે ડૉ. બી. આર. આંબેડકરની પુણ્યતિથિ છે, ત્યારે આ અહેવાલમાં જાણીશું કે આંબેડકરે ભારતના બંધારણ અંગે શું વક્તવ્યો આપ્યા હતા.

બંધારણ ઘડવાની પ્રક્રિયા લાંબી હતી અને તે પ્રક્રિયાને ડૉ. આંબેડકરે બંધારણ સ્વીકારાયું તેના એક દિવસ અગાઉ આપેલાં વક્તવ્યમાં વિગતે સમજાવી છે. આ વક્તવ્ય લાંબુ છે પણ તેના એકેએક શબ્દને ધ્યાનથી વાચવા જેવાં છે. આરંભે ડૉ. આંબેડકર કહે છે, આ બંધારણ સભા પ્રથમ વાર 9 ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી, તે દિવસથી અત્યાર સુધી બે વર્ષ, અગિયાર મહિના અને સત્તર દિવસ થયા છે. આ સમયમાં બંધારણ સભાના કુલ સત્તર સત્રો થયા છે. તે પછી બંધારણ નિર્માણ કરવામાં લાગેલા સમય વિશે તેઓ જણાવે છે અને પ્રક્રિયામાં જે પ્રશ્નો થયા તે વિશેના પોતાના અનુભવ કહે છે. આગળ તેઓ કહે છે : “બંધારણના ગુણોના સંબંધમાં હું કશુંય કહેવા ઇચ્છતો નથી. કારણ કે હું સમજું છું કે બંધારણ કેટલું પણ સારું હોય, પણ તેને અમલી બનાવનારા લોકો ખરાબ હોય તો તે નિ:સંદેહ ખરાબ બની જાય છે. બંધારણનું અમલીકરણ પૂર્ણ રીતે બંધારણના પ્રકાર પર નિર્ધારીત નથી. બંધારણ માત્ર વિધાનપરિષદ, કારોબારી અને ન્યાયક્ષેત્રના અંગો માટે વ્યવસ્થા કરી શકે છે. રાજ્યના આ અંગોનું અમલીકરણ જેના પર નિર્ભર કરે છે તે તેની પ્રજા અને તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રાજકીય પક્ષ છે, જે તેમની ઇચ્છા અને નીતિપાલન કરવાના સાધન છે. એવું કોણ કહી શકે કે ભારતની પ્રજા અને તેના પક્ષો કયા પ્રકારનો વ્યવહાર કરશે?”

જે બંધારણ તૈયાર થયું હતું, તેની ટીકા પણ થતી હતી. ડૉ. આંબેડકર આ વિશે કહ્યું છે કે બે ક્ષેત્રમાંથી તેની ટીકા મહંદશે આવી, તે વિશે તેમનું કથન : “સામ્યવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ દ્વારા કેમ આ બંધારણની ટીકા કરવામાં આવે છે? કારણ કે બંધારણ ખરેખર ખરાબ છે? હું એ કહેવાનું સાહસ કરું છું કે, ‘નથી’. સામ્યવાદી પક્ષ શ્રમિકોની તાનાશાહીના સિદ્ધાંત પર આધારીત બંધારણ ઇચ્છે છે, તેઓ બંધારણની એ કારણે ટીકા કરે છે કે આ સંસદીય લોકશાહી પર આધારીત છે. સમાજવાદી બે બાબત ઇચ્છે છે. પ્રથમ વાત તેઓ ઇચ્છે છે કે તેમના હાથમાં જો સત્તા આવે તો કોઈ પ્રતિકાર વિના તમામ ખાનગી સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કે સમાજિકરણ કરવાની આઝાદી તેમને બંધારણ દ્વારા મળવી જોઈએ. બીજી વાત સમાજવાદી એ ઇચ્છે છે કે બંધારણમાં સમાવિષ્ટ મૂળ અધિકાર કોઈ મર્યાદા વિનાના હોવા જોઈએ, જેથી તેમના હાથમાં સત્તા આવે તો તેમને ટીકા કરવા માટે જ નહીં; બલકે રાજ્યને ઉથલાવી દેવા માટે પણ પૂરેપૂરી આઝાદી મળવી જોઈએ. આ જ મુખ્ય બાબત છે જેના કારણે બંધારણની ટીકા કરવામાં આવે છે. હું એમ નથી કહેતો કે સંસદીય લોકશાહીનો સિદ્ધાંત જ રાજકીય લોકશાહીનું આદર્શ સ્વરૂપ છે.” આગળ આ ટીકાને વિશે તેઓ એમ પણ કહે છે કે, “આ બંધારણમાં જે સિદ્ધાંત સમાવિષ્ટ છે, તે વર્તમાન પેઢીના વિચાર છે અને તેમાં તમે કોઈ અતિશોયક્તિ લાગતી હોય તો હું એમ કહું છું કે બંધારણ સભાના સભ્યોના આ વિચાર છે.”

લોકતંત્ર જો આપણે ખરેખર ઇચ્છીએ છીએ તો આપણે શું કરવું જોઈએ, તે વિશે વક્તવ્યમાં જણાવે છે: “મારા વિચાર મુજબ સૌથી પહેલાં આપણે આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યો પૂરા કરવા અર્થે આપણે બંધારણીય રીતને દૃઢતાથી અપનાવીએ. તેનો અર્થ છે કે ક્રાન્તિની નિર્મમ રીતનો આપણે ત્યાગ કરીએ. તેનો અર્થ એ પણ છે કે સવિનય કાનૂનભંગ, અસહયોગ અને સત્યાગ્રહની રીતનો પણ આપણે ત્યાગ કરીએ. આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે જ્યારે કોઈ માર્ગ ન રહે ત્યારે તો આ ગેરબંધારણીય રીતને સ્વીકારવી તે કેટલાંક અંશે ન્યાયપૂર્ણ હોઈ શકે છે. પરંતુ જ્યારે બંધારણીય માર્ગ ખુલ્લો હોય ત્યારે ગેરબંધારણીય રીતોને સ્વીકારવી ક્યારેય ન્યાયસંગત ન હોઈ શકે.”
ડૉ. આંબેડકર દ્વારા અપાયેલું આ વક્તવ્ય તેમના શ્રેષ્ઠ વક્તવ્યોમાં સ્થાન પામે છે અને તેમાં તેમણે દેશનું એક દર્શન મૂકી આપ્યું છે. ડૉ. આંબેડકર ઇંગ્લેન્ડના ફિલસૂફ જોહ્ન સ્ટુઅર્ટ મીલને ટાંકીને કહે છે કે, “જેઓ લોકતંત્રને ટકાવી રાખવા ઇચ્છે છે તેમણે એ વાતે સાવધ રહેવું જોઈએ કે કોઈ પણ મહાન વ્યક્તિના ચરણોમાં પોતાની આઝાદી મૂકી ન દે અથવા તેને એ સત્તા ન સોંપે જે તેમની જ સંસ્થાઓને નાબૂદ કરવાની શક્તિ આપે. જે મહાન વ્યક્તિઓએ દેશની સેવા કરી છે, તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં કશુંય ખોટું નથી. પરંતુ કૃતજ્ઞતાની સીમા છે. આયર્લેન્ડના દેશભક્ત ડોનિયલ ઓ કોનેલે આ વિષય પર યોગ્ય કહ્યું છે કે, પોતાનું સન્માન ગુમાવીને કોઈ પુરુષ કૃતજ્ઞ ન થઈ શકે. અને પોતાની આઝાદીને ગુમાવીને કોઈ સ્ત્રી કૃતજ્ઞ ન થઈ શકે. કોઈ અન્ય દેશની સરખામણીએ ભારત માટે આ ચેતવણી વધુ આવશ્યક છે. કારણ કે ભારતમાં ભક્તિ અથવા જેને આપણે ભક્તિ માર્ગ કે વીર પૂજા કહીએ છીએ તેનું સ્થાન ભારતની રાજનીતિમાં છે તેની સરખામણીમાં અન્ય દેશની રાજનીતિમાં નથી. ધર્મમાં ભક્તિનું સ્થાન આત્મમોક્ષનું હોઈ શકે છે, પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વીર પૂજા પતન તથા અંતે તાનાશાહીનો એક નિશ્ચિત માર્ગ છે.”
ભારતીય સમાજ વિશે તેઓ બંધારણ સંદર્ભે આગળ કહે છે : “ભારત આપણો એક એવો સમાજ છે જે ક્રમાનુસાર નિશ્ચિત અસમાનતાના સિદ્ધાંત પર આશ્રિત છે, જેનો અર્થ કેટલીક વ્યક્તિઓની ઉન્નતિ અને કેટલાંકનું પતન છે. આર્થિક સ્તરે આપણો એક એવો સમાજ છે જેમાં કેટલાંક લોકો એવા છે જેની પાસે અપાર સંપત્તિ છે અને કેટલાંક એવાં છે જેઓ ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે વિરોધી ભાવનાઓના પરિપૂર્ણ જીવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. રાજકીય જીવનમાં આપણે સમાનતાનો વ્યવહાર કરીશું અને સામાજિક-આર્થિક જીવનમાં અસમાનતાનું. રાજનીતિમાં આપણે એક વ્યક્તિ માટે એક વોટ અને એક વોટનું એક જ મૂલ્યના સિદ્ધાંતને માનીશું. આપણા સામાજિક અને આર્થિક જીવનમાં આપણી આ વિરોધી ભાવનાઓથી પરીપૂર્ણ જીવનને આપણે ક્યાં સુધી આ રીતે ચલાવતાં રહીશું? જો આપણે દિર્ઘ કાળ સુધી ખંડન કરતાં રહીશું તો આપણે આપણી રાજકીય લોકતંત્રને સંકટમાં મૂકીશું.”
આ વક્તવ્યના અંતે ડૉ. આંબેડકરના શબ્દો : એમાં કોઈ શંકા નથી કે આઝાદી ખુશીનો વિષય છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે સ્વાધીનતાએ આપણી પર મહાન જવાબદારી નાંખી છે. સ્વાધીનતાના કારણે હવે આપણી પાસે કોઈ પણ મર્યાદા માટે અંગ્રેજો પર દોષ નાંખવાના બહાના નથી. અને જો કોઈ ત્રુટી હોય તો પોતાના સિવાય આપણે કોઈની પર દોષ નાંખી શકીશું નહીં. આપણી ભૂલો થવાના મોટો ભય પણ છે. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. લોકો જેમાં આપણા દેશની પ્રજા પણ સામેલ છે, તે નવા વિચારથી પ્રભાવિત થઈ રહી છે. જો આપણે બંધારણનું રક્ષણ કરવા ઇચ્છીએ છીએ જેમાં આપણે લોકો માટે, લોકો દ્વારા લોકોની સરકારની સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે તો આપણે એ વાતનો સંકલ્પ કરવો રહ્યો કે ખરાબ બાબતને સમજવામાં જરાસરખો મોડું ન કરવું જોઈએ અને તે ખરાબ બાબતોને દૂર કરવાના ઉપક્રમમાં જરાય નિર્બળતા ન દાખવવી. દેશની સેવા કરવાનો આ જ માર્ગ છે. તેનાથી સારાં માર્ગથી હું પરિચિત નથી.
બંધારણ નિર્માણ પ્રક્રિયામાં જવાહરલાલ નેહરુ અને ડો. રાજેન્દ્ર પ્રસાદના વક્તવ્યો પણ અનોખા છે, પણ તેની વાત ફરી ક્યારેક.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








