પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-14): Akshardham Temple Attack Series : નેશનલ સિક્યૂરિટી ગાર્ડનો પહેલો જવાન શહિદ થયો હતો. સુરેશ યાદવને (NSG Commando Suresh Yadav) લઈ એમ્બ્યુલન્સ ગાંધીનગર સિવિલ તરફ દોડવા લાગી. ઓપરેશન અટકાવીને પરત આવેલી ટીમ પાસેથી બ્રિગેડિયર સિતાપતિએ (Brigadier Sitapati) સ્થિતિની સંપૂર્ણ જાણકારી મેળવી. આ પ્રકારના ઓપરેશન હેન્ડલ કરવાની બ્રિગેડિયર સિતાપતિને આર્મી અને એન.એસ.જી.માં તાલીમ મળી હતી. તેમના માટે આ કંઈ નવું કે પહેલું ઓપરેશન નહોતું. પણ જે રીતે એન.એસ.જી. સામે ટેરરિસ્ટ ટક્કર આપી રહ્યા હતા, તેના કારણે સિતાપતિને અંદાજ આવી ગયો હતો કે, ટેરરિસ્ટ વેલટ્રેન છે. ઉપરાંત તેમની પાસે આધુનિક હથિયાર અને લડી લેવાની માનસિક ક્ષમતા પણ છે. સિતાપતિએ પોતાની સ્ટ્રેટેજી ચેન્જ કરી. પોતાના કમાન્ડોને નુકશાન ન થાય, એવી સ્ટ્રેટેજી બનાવી. બીજી એક ટીમને ફરી ઓપરેશન ‘અટેક’ ((Operation Attack) માટે મોકલવાનો નિર્ણય કર્યો.
ગુજરાત પોલીસના અધિકારીઓ ગેટ નંબર–1 ઉપર હતા. તેઓ એક એક મિનિટની જાણકારી મુખ્યમંત્રીના બંગલે આપી રહ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (CM Narendra Modi) સહિત કેન્દ્રીય ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના સિનિયર અધિકારીઓ પણ બંગલા ઉપર હાજર હતા. એક જવાન શહિદ થયો હોવાની જાણકારી પણ મુખ્યમંત્રીને આપી દેવામાં આવી હતી.
એન.એસ.જી. આવી ગયા પછી બધાને એવો અંદાજ હતો કે, તેઓ ઝડપથી ટેરરિસ્ટ ઉપર કાબુ મેળવી લેશે. પરંતુ પહેલો જવાન શહિદ થયા પછી બધાને આશંકા થઈ કે, ઓપરેશન હવે લાંબુ ચાલશે. બ્રિગેડિયર સિતાપતિએ અગાઉ ગયેલી કમાન્ડોની ટીમને પરત બોલવી લીધી. બીજા કમાન્ડોની ટીમને તૈયાર કરી અને ટીમના લીડરને જરૂરી સૂચના તેમ જ આદેશ આપી તેમને ઓપરેશન ‘અટેક’ માટે રવાના કર્યા. ફરી એન.એસ.જી. કમાન્ડો એક બીજાને કવર આપીને ગેટ નંબર–1થી ડાબી તરફના પેસેજમાં થઈ જ્યાં ટેરરિસ્ટ સંતાયા હતા, તે તરફ આગળ વધવા લાગ્યા.
ટેરરિસ્ટની પોઝિશન બહુ સેફ હતી. તેઓ ડાબી તરફ પ્રદર્શન ગેલેરીની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં હતા. તેઓ જ્યાં સંતાયા હતા, તે ત્રણ–ચાર ફૂટ ઊંડા ખાડા જેવી જગ્યા હતી. આમ તો એ બગીચાની ડિઝાઇનનો જ ભાગ હતો, પણ તે ડિઝાઇન તેમના માટે આર્શીવાદરૂપ હતી. તેઓ ખાડામાં બેસીને આસપાસ નજર કરતા અને તેમની તરફ કોઈપણ આવવાનો પ્રયાસ કરે, તો તેઓ ઓપન ફાયર કરી દેતા. જો કોઈ તેમની તરફ ફાયર કરે, તો તેઓ ખાડાની અંદર જતા રહેતા. ટેરરિસ્ટ પોતાની આસપાસની તમામ જગ્યાને સારી રીતે જોઈ શકતા હતા. કોઈ ગેલેરીની છત ઉપર ચઢીને હુમલો કરવાની ભૂલ કરે, તો તેમને પણ નિશાન બનાવી શકે તેવી પૂરી શક્યતા હતી.
એન.એસ.જી. કમાન્ડોની જે બીજી ટીમ ટેરરિસ્ટ તરફ આગળ વધી રહી હતી, તે પૂરી સાવધાની રાખી રહી હતી. કારણ, તેમને કોઈ ભૂલ પરવડે તેમ નહોતી. તેમણે પોતાનો એક સાથી ગુમાવ્યો હતો. જોકે કમાન્ડો સુરેશ યાદવ શહિદ થયો છે, તેની જાણ સિતાપતિ અને ટીમલીડર સિવાય કોઈને નહોતી. બાકીના કમાન્ડો માની રહ્યા હતા કે, કમાન્ડો યાદવ ઘાયલ થયો છે. સિતાપતિએ કમાન્ડોટીમના લીડરને જે સૂચના આપી હતી, તે પ્રમાણે તે પોતાના એક પણ કમાન્ડોને કવર આપ્યા વગર આગળ વધવા દેતા નહોતા. આમ કરતાં કરતાં કમાન્ડો ટેરરિસ્ટની એકદમ નજીક આવી ગયા. હવે મંદિરનો પેસેજ પૂરો થતો હતો અને બગીચો શરૂ થતો હતો. ટેરરિસ્ટ એકદમ નજીક છે. તેવો અંદાજ તો હતો, પણ રાતનાં અંધારામાં તેમને જોઈ શકાય તેવી સ્થિતિ નહોતી.
કેટલાક કમાન્ડોએ પેસેજમાં આવેલા પથ્થરના પિલર પાછળ પોઝિશન લીધી હતી. કમાન્ડો સૃજનસિંઘ (Commando Surjan Singh) પિલર પાસે આવેલાં એક વૃક્ષની આડશમાં જતો રહ્યો હતો. વૃક્ષનું થડ ખાસ્સું જાડું હતું. જેથી તે થડની આડશમાં પોતાનાં શરીરને સંતાડી શકતો હતો, પણ સૃજનસિંઘની આ હિમંત કેટલી ભારે પડશે; તેનો અંદાજ સૃજનસિંઘ કે કમાન્ડોટીમના લીડરને નહોતો. ટીમલીડરે પોતાના તમામ સાથી કમાન્ડો તરફ એક નજર ફેરવી. તેણે ખાતરી કરી લીધી કે, કમાન્ડો એકદમ સેફ પોઝિશન ઉપર છે. કમાન્ડોની નજર પોતાના લીડર તરફ હતી. લીડરના જમણા હાથની પહેલી આંગળી પોતાની ઓટોમેટિક રાયફલનાં ટ્રિગર ઉપર હતી. લીડરે ડાબો હાથ છાતી સુધી ઊંચો કર્યો અને પંજાને બંધ કર્યો. એક આંગળી ખોલી. ત્યારપછી બીજી અને તરત ત્રીજી આંગળી ખોલી. તરત જ કમાન્ડોએ અંધાધૂન ગોળીઓ છોડવાની શરૂઆત કરી. જે દિશામાં કમાન્ડો હતા, એ તરફથી એક સાથે અનેક રાયફલથી ફાયરિંગ થઈ રહ્યું હતું. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે, જાણે આગ તે તરફ જઈ રહી હોય!
એન.એસ.જી. મંદિરમાં આવ્યા પછી આટલું લાંબુ ફાયરિંગ પહેલી વખત થઈ રહ્યું હતું. ધડ ધડ ધડ ગોળીઓ છૂટી રહી હતી. એન.એસ.જી. કમાન્ડો માની રહ્યા હતા કે, એક સાથે બસ્ટ ફાયરિંગ કરતાં ટેરરિસ્ટને ફાયરિંગ કરવાનો મોકો નહીં મળે. પરંતુ એન.એસ.જી.ની ગણતરી ખોટી પડી. એન.એસ.જી.ના આટલાં ફાયરિંગ વચ્ચે પણ સામે તરફ રહેલા બે ટેરરિસ્ટે વળતો જવાબ આપ્યો. તેઓએ પોતાનું આખું શરીર અને માથાનો હિસ્સો ખાડામાં રાખી દીધો. માત્ર પોતાની AK47 રાયફલનાં નાળચા બહાર રાખ્યાં અને પોતાની તરફ થઈ રહેલા ફાયરિંગ સામે બસ્ટ ફાયરિંગ શરૂ કર્યું. તેઓ પણ પોતાની તમામ તાકાત લગાડીને એન.એસ.જી. સામે લડી રહ્યા હતા.
બંને તરફથી થઈ રહેલાં ફાયરિંગને કારણે મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું હતું. અમે પત્રકારો પણ મંદિરની બહાર જમણી તરફ હતા, પણ સતત થઈ રહેલાં ફાયરિંગને કારણે અમે બસસ્ટેન્ડની આડમાં પોતાને સલામત કરી લીધા હતા. ટેરરિસ્ટની એક ગોળી પણ હવે કમાન્ડોને સીધી રીતે નિશાન બનાવી શકે તેમ નહોતી. કારણ કે,, બધા જ કોઈને કોઈ આડશમાં હતા. એવામાં ટેરરિસ્ટની એક ગોળી નજીકમાં આવેલાં ઝાડનાં થડમાં અથડાઈ. તે થડની આડશમાં કમાન્ડો સૃજનસિંઘ હતો. થડમાં અથડાયેલી એ કારતુસે દિશા બદલી અને એ સૃજનસિંઘ તરફ ફંટાઈ.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








