Friday, April 17, 2026
HomeSeriesAkshardham Attackસિતાપતિને અંદાજ આવી ગયો કે, રાતે ઓપરેશન ચાલું રાખશે તો વધુ જવાનો...

સિતાપતિને અંદાજ આવી ગયો કે, રાતે ઓપરેશન ચાલું રાખશે તો વધુ જવાનો શહિદ થશે એટલે ઓપરેશન અટકાવવાનો આદેશ આપ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-15): Akshardham Temple Attack Series : એન.એસ.જી.ની પહેલી ટીમમાં કમાન્ડો સુરેશ યાદવ શહિદ (Commando Suresh Yadav) થયા પછી બ્રિગેડિયર સિતાપતિએ (Brigadier Sitapati) બીજી ટીમ રવાના કરી હતી. બીજી ટીમ બે ટેરરિસ્ટને મહાત કરવા આગળ વધી રહી હતી. ટેરરિસ્ટની સાવ નજીક પહોંચી ગયેલા એન.એસ.જી. કમાન્ડો બહુ કુનેહપૂર્વક લડી રહ્યા હતા. સુરેશ યાદવની ઘટના પછી તેઓ જાણી ગયા હતા કે, જરા પણ ગફલત જીવ લઈ લેશે. એટલે બધા જ કમાન્ડો આડશમાં રહીને ફાયરિંગ કરી રહ્યા હતા. કમાન્ડો સૃજનસિંઘ (Commando Surjan Singh) બધા કરતાં આગળ હતો, પણ તે એક મોટાં વૃક્ષનાં થડની આડશમાં હતો એટલે ચિંતાનું કોઈ કારણ નહોતું. ટેરરિસ્ટ ફાયરિંગ કરે એટલે કેટલીક ગોળી ઝાડનાં થડ સાથે અથડાતી હતી. પરંતુ થડ મજબૂત હોવાને કારણે ગોળી તેની આરપાર નીકળે તેવી કોઈ સંભાવના નહોતી.

રાતના સાડા બાર થઈ રહ્યા હતા. એન.એસ.જી.ની બીજી ટીમ અને ટેરરિસ્ટ વચ્ચે સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. ગેટ નંબર–1 પાસે હાજર પોલીસ અધિકારીઓ અને જવાનોના જીવ ઊંચા થઈ રહ્યા હતા. તેનું કારણ એવું હતું કે, સ્થાનિક પોલીસ નાનમાં નાની હકિકત અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતી. એન.એસ.જી. ગાંધીનગર પહોંચ્યું તે પહેલાં ગુજરાત પોલીસે જ મોરચો સંભાળ્યો હતો. ત્યાં હાજર સબ ઇન્સપેકટર ભરત પટેલે (PSI Bharat Patel) એકાદ બે વખત અદબ સાથે સિતાપતિને સૂચન કરવાનો પ્રયત્ન કર્યો; પણ બ્રિગેડિયર સિતાપતિએ તુચ્છ નજરે પી.એસ.આઈ. પટેલ સામે જોયું એટલે પટેલ સમજી ગયા કે, તેમને કહેવાનો કોઈ અર્થ નથી. બ્રિગેડિયર સિતાપતિ લશ્કરી અધિકારી હતા અને હવે તેઓ એન.એસ.જી.માં હતા. એટલે સ્થાનિક પોલીસ તો સાવ ક્ષુલ્લક છે; તેવો ભાવ તેમના ચહેરા પર હતો.

- Advertisement -

આવી જ સ્થિતિ ત્યાં હાજર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ ફોર્સના અધિકારીઓ અને જવાનોની હતી. અક્ષરધામ પર હુમલો થયાની જાણકારી મળતાં ગાંધીનગર પાસે આવેલા ચિલોડા કેમ્પમાં રહેલી સી.આઈ.એસ.એફ.ની ક્વિક રિસ્પોન્સ ટીમને તરત રવાના કરવામાં આવી હતી. સી.આઈ.એસ.એફ.ના કમાન્ડોએ પણ આ પ્રકારની તાલીમ લીધેલી હતી. તેમને પણ સતત અફસોસ થઈ રહ્યો હતો કે, એન.એસ.જી. આવ્યા પછી તેમને ગુજરાત પોલીસ સાથે સંયુક્ત રીતે ચાલી રહેલું ઓપરેશન બંધ કરવું પડ્યું. જોકે ગુજરાત પોલીસ અને સી.આઈ.એસ.એફ.ના અધિકારીઓના હાથમાં હવે કંઈ નહોતું. કારણ, ગુજરાત સરકારની વિનંતીના આધારે કેન્દ્ર સરકારે એન.એસ.જી.ની ફોર્સ ગુજરાત મોકલી હતી.

ફ્રન્ટફૂટ પર લડી રહેલા એન.એસ.જી.ના કમાન્ડોની સ્થિતિ કફોડી થવાની છે, તેનો જરા સરખો પણ અંદાજ કોઈને નહોતો. સતત ચાલી રહેલાં ફાયરિંગમાં અને તણાવગ્રસ્ત સ્થિતિમાં કામ કરતાં કમાન્ડોથી ચૂક થવાની સંભાવના હતી. કમાન્ડો સૃજનસિંઘ ઝાડનાં થડ પાછળ રહીને ફાયરિંગ કરી રહ્યો હતો, પણ ફાયરિંગ કરતી વખતે થોડીક ગરદન બહાર કાઢવી પડતી હતી. ઝાડ પાછળથી ફાયરિંગ થઈ રહ્યું છે, તેવી ખબર ટેરરિસ્ટને પણ હતી એટલે તેઓ સતત ઝાડ તરફ ફાયરિંગ કરી રહ્યા હતા.

આ વખતે થડ સાથે અથડાઈ રહેલી ટેરરિસ્ટની ગોળી પૈકી એક ગોળી અચાનક ફંટાઈ. બરાબર તે જ વખતે સૃજનસિંઘે ફાયરિંગ કરવા ગરદન બહાર કાઢી હતી. થડ સાથે અથડાઈને આડી ફંટાયેલી ગોળી સૃજનસિંઘને કપાળની બરાબર વચ્ચે વાગી. ગોળી સહેજ ઉપર ગઈ હોત, તો હેલ્મેટ પહેર્યો હોવાને કારણે ગોળી કમાન્ડોને કોઈ નુકસાન કરતી નહીં; પણ ગોળી કપાળમાં વાગતાં ક્ષણમાં જ સૃજનસિંઘ ઝાડ પાસે ઢળી પડયો. સૃજનસિંઘને પડતાં જોઈ તરત ઓપરેશન લી઼ડરે પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરી અને બ્રિગેડિયર સિતાપતિને કહ્યું, “સર, એક કમાન્ડો જખ્મી હુવા હૈ.”

- Advertisement -

સિતાપતિએ તરત વળતો જવાબ આપ્યો, “ફાયરિંગ બંધ કરો. જખ્મી કમાન્ડો કો તુરંત બહાર લાઈએ.”

ઓપરેશન લીડરે હાથનો ઇશારો કર્યો એટલે તમામ કમાન્ડોએ ફાયરિંગ બંધ કર્યું. લીડરે બાજુમાં રહેલા કમાન્ડો તરફ જોઈને કંઈક ઇશારો કર્યો. તે ઇશારો સમજી ગયો. તેણે પોતાની રાયફલ ડાઉન કરી દીધી. ઓપરેશન લીડરે તેને કવર આપ્યું. એ કમાન્ડો સૃજનસિંઘની પાસે પહોંચ્યો અને સૃજનસિંઘના પગ પાસે જઈ તેના પગથી પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરી. સૃજનસિંઘનાં માથામાંથી લોહી વહી રહ્યું હતું. ઝાડ પાસેથી સૃજનસિંઘને પેસેજ સુધી ખેંચી લાવવામાં આવ્યો. ત્યાર પછી એક કમાન્ડોએ તેને બે હાથેથી ઊંચકી લીધો. તેની સાથે રહેલા બાકીના જવાનોએ ટેરરિસ્ટ તરફ પોતાની રાયફલ રાખી અને પોતાના સાથીને કવર આપ્યું. એક કમાન્ડો સૃજનસિંઘને લઈને પેસેજમાં દોડી રહ્યો હતો. પેસેજમાં રીતસર લોહીની ધાર થઈ રહી હતી! કમાન્ડો સૃજનસિંઘને ઊંચકીને ગેટ નંબર–1 સુધી આવ્યો. કમાન્ડોએ સૃજનસિંઘને લાવીને બ્રિગેડિયર સિતાપતિ પાસે જમીન પર સુવાડ્યો. સિતાપતિ તેની પાસે ઉભડક પગે બેઠા અને સૃજનસિંઘના ગાલ થપથપાવતાં કહ્યું “બેટા… બેટા…”

સૃજનસિંઘે કોઈ જવાબ આપ્યો નહીં. સિતાપતિએ પોતાના જમણા હાથની પહેલી આંગળી સૃજનસિંઘના નાક પાસે લગભગ દસ સેંકડ સુધી રાખી. ત્યાં હાજર ગુજરાત પોલીસના અધિકારીઓને તેમણે એકદમ મોટા અવાજે કહ્યું, “એમ્બ્યુલન્સ લાઓ, હમારા કમાન્ડો જિંદા હૈ.”

- Advertisement -

સૃજનસિંઘનાં કપાળમાં ગોળી વાગી હતી, પણ તેનો શ્વાસ હજી ચાલુ હતો. ત્યાં હાજર કમાન્ડોની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા. બહાર ઊભી રહેલી એમ્બ્યુલન્સ તરત આવી ગઈ. સૃજનસિંઘને એમ્બ્યુલન્સમાં લઈ લેવામાં આવ્યો. તેના શ્વાસ છૂટી ન જાય માટે એમ્બુલન્સમાં રહેલા પેરામેડિકલ સ્ટાફે સૃજનસિંઘના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવી તરત ઓક્સિજન આપવાની શરૂઆત કરી. એમ્બ્યુલન્સ સૃજનસિંઘને લઈ તરત સિવિલ હોસ્પિટલ તરફ દોડવા લાગી.

અમે બસસ્ટેન્ડની પાછળ આડશમાં હતા. અમે એમ્બ્યુલન્સ જતી જોઈને અંદાજ લગાવી લીધો કે, વધુ એક કમાન્ડોને ગોળી વાગી છે. આ ઉપરાંત પણ એન.એસ.જી.ના ત્રણ કમાન્ડોને નાની મોટી ઇજા થઈ હતી, પણ તે ઘાતક નહોતી. એ રાતે એક કમાન્ડો સુરેશ યાદવ શહિદ થયો હતો અને સૃજનસિંઘ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

હવે રાતનાં અંધારામાં ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે. હવે વધુ શહિદી પરવડે તેમ નથી. એવો વિચાર આવતાં બ્રિગેડિયર સિતાપતિએ આદેશ આપ્યો, “સવારનું અજવાળું ન થાય ત્યાં સુધી ઓપરેશન ‘અટેક’ (Operation Attack) અટકાવી દેવામાં આવે.”

(ક્રમશ:)

Part 14 : કમાન્ડો સૃજનસિંહ ઝાડનાં થડની આડશમાં હતો, પણ એક ગોળી થડમાંથી ફંટાઈને સૃજનસિંહ તરફ જઈ રહી હતી

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular