નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આપણાં દેશના મૂળ નાગરિકો આદિવાસી સમુદાયના લોકો છે, તેવું એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટાંક્યું હતું. વર્તમાન સમયમાં દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી સમુદાયમાંથી આવતા દ્રોપદી મુર્મુ (Droupadi Murmu) છે. તેમ છતાં આદિવાસીઓને પોતાના જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવતી કાલે 9મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ (World Adivasi Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સામે આક્ષેપો કર્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, “9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ગુજરાત સરકાર પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે. ત્યારે જે આદિવાસીઓના અધિકારોને સરકારે છીનવી લીધા છે તે અંગે સરકાર વાત નહીં કરે. રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાની વાત કરીએ તો ભાજપ સરકારે 91 હજાર જેટલા આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકારથી વંચિત રાખ્યા છે. કોંગ્રેસની સરકાર હતી તે સમયે ગરીબ આદિવાસીઓને જમીન-જંગલના અધિકારો મળી રહે તે માટે કાયદો લાવવામાં આવ્યો હતો, આ જંગલ-જમીન કાયદામાં અરજી કરનારા 49.8% આદિવાસીઓ આજે પણ તેમને મળતા લાભોથી વંચિત છે.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે 57,054 આદિવાસીએ જંગલ-જમીનના અધિકાર માટે કરેલી અરજીઓને નામંજૂર કરી છે. જ્યારે હાલ 34,126 અરજીઓ પેન્ડિંગ જેની કોઈ સુનાવણી થઈ નથી. આદિવાસીઓ માટે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પણ જ્યારે આદિવાસીઓના અધિકારોની વાત હોય ત્યારે સરકાર આદિવાસીને લાભથી વંચિત રાખે છે. ગુજરાતની 16000 હેક્ટરથી પણ વધારે જમીનને બિન જંગલ ઉપયોગમાં લેવામાં આવી છે. સરકાર અલગ-અલગ કાયદા લાવીને આદિવાસીઓની જમીન છીનવીને પોતાનાના મળતીયાઓને લાભ માટે મળે તેવું વ્યવસ્થા તંત્ર ઊભું કરે છે.”
કોંગ્રેસે માગ કરી છે કે, સરકાર આદિવાસી સમાજની જંગલ-જમીન અધિકારની નામંજૂર અરજીઓ ઉપર ફેર વિચારણા કરે અને જંગલ જમીન અધિકારની પેંડિંગ અરજીઓ પર ત્વરિત નિર્ણય થાય.








