કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મણિપુરમાં જાહેરમાં બહેનો પર ભીડની બર્બરતાની ઘટના સામે આવી, તે પછી રાષ્ટ્રીય મહિલા આયોગની (National Commission for women) આ ઘટના સંદર્ભે ખાસ્સી ચર્ચા થઈ છે. ચર્ચાનું કારણ એ છે કે, ઘણાં ન્યૂઝ રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે કે મણિપુરમાં બહેનોને નિર્વસ્ત્ર કરવાની ઘટના બની તેના થોડા દિવસોમાં જ આ અંગેની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ તે અંગે કોઈ પગલાં લેવાયા ન હતા. જોકે તે પછી રાષ્ટ્રીય મહિલા આયોગ હરકતમાં આવ્યું હતું અને તેમની ત્રણ સભ્યની ટીમ મણિપુરમાં તપાસ અર્થે મોકલી હતી. મણિપુરમાં થયું તેમ મહિલા પરના અત્યાચારની (Violence against women) અનેક ઘટનાઓમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ભૂમિકા વિશે ન્યૂઝ આવે છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ભૂમિકા અગત્યની હોવા છતાં તેને લઈને અવારનવાર વિવાદ પણ થતા રહ્યા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ કેન્દ્ર સરકારની વૈધાનિક સંસ્થા છે, એટલે કે તેની સ્થાપના કાયદાકીય રીતે થઈ છે અને તેની પાસે કાયદાની સત્તા પણ છે. આ સંસ્થાની સ્થાપના 1992માં થઈ હતી અને સામાન્ય રીતે મહિલા સંબંધિત કોઈ પણ નીતિ ઘડાય ત્યારે તેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સૂચનો લેવાય છે. રાષ્ટ્રીય મહિલા આયોગની આવશ્યકતા એ કારણે પણ છે કે સમાજમાં મહિલા સંબંધિત ગુનાઓની સંખ્યા વધુ છે. હાલમાં આ સંસ્થાના ચેરપર્સન તરીકે રેખા શર્મા છે. મણિપુરની ઘટના બાબતે હાલમાં નિશાના પર રેખા શર્મા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગ એક વાર કોઈ ઘટનાને ધ્યાને લે પછી તેના આરોપીઓને તેઓ સમન્સ પાઠવી શકે છે અને તેને કોર્ટ સમક્ષ હાજર થવાની ફરજ પાડી શકે છે. જોકે રાષ્ટ્રીય મહિલા આયોગને આટલી સત્તા પૂરતી લાગતી નથી અને એટલે જ 2014માં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કેન્દ્રિય કાયદા મત્રાલયને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે તેમને વ્યક્તિની ધરપકડ કરી શકાય તેવી સત્તા મળવી જોઈએ. જોકે મંત્રાલયે આ પ્રસ્તાવને નકાર્યો હતો અને એવી ટીપ્પણી કરી હતી કે, રાષ્ટ્રીય મહિલા આયોગ પોલીસ અને ન્યાયપાલિકાના ક્ષેત્રમાં પ્રવેશી શકે નહીં.
રાષ્ટ્રીય મહિલા આયોગ એક્ટ, 1990 અંતર્ગત આવેલા ‘પ્રકરણ ત્રણ’ મુજબ કમિશન મહિલાના સુરક્ષા અર્થે બંધારણ અને કાયદા અનુસાર આયોગ કોઈ પણ ઘટનામાં પોતાની રીતે તપાસ કરી શકે છે અને સાથે-સાથે આયોગને મહિલાના સુરક્ષા સંબંધિત યોગ્ય લાગે તેવા સૂચનો પણ આપી શકે છે અને જો કોઈ સરકારી સંસ્થા દ્વારા મહિલા સાથે કોઈ પણ અન્યાય થયો હોય તો તે સંસ્થા સામે પણ પગલાં લઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દેશભરના આવાં કેસ જાણી-સમજી શકે તે માટે તેનું એક આખું માળખું છે. જેમ કે રાષ્ટ્રીય મહિલા આયોગના મુખ્ય વ્યક્તિ ચેરપર્સન છે. તદ્ઉપરાંત આયોગમાં એક પદ સેક્રેટરીનું અને અન્ય પાંચ સભ્યો તેમાં સમાવિષ્ટ હોય છે. આયોગમાં જે સભ્યોની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા થાય છે અને આ સભ્યો કાયદા, આયોજન અને મહિલાના સંસ્થાના માળખાથી પરિચિત હોવા જરૂરી છે. આ પૂરા આયોગનું બજેટ વર્ષમાં પચ્ચીસ કરોડની આસપાસનું રહે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોઈ પણ મુદ્દાને સંવેદનશીલતાથી જોવામાં આવે તેવું અપેક્ષિત છે, પણ ઘણીવાર આયોગના જ કિસ્સામાં એવું બનતું નથી. જેમ કે, 2009ની મેંગ્લોર પબ પર થયેલા હૂમલાની ઘટના. આ પૂરા કિસ્સામાં એમ બન્યું હતું કે, શ્રીરામ સેના જૂથના લોકોએ અહીં પબમાં હાજર યુવતિઓ પર હૂમલો કરી દીધો હતો. શ્રીરામ સેનાએ કરેલા હૂમલામાં ભારતીય સંસ્કૃતિની સુરક્ષા કરવાનું કારણ આપ્યું. આ કારણ બેવકૂફીભર્યું હતું અને તદ્ઉપરાંત જ્યારે આ વાત રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે પહોંચી તો તેની તપાસ અર્થે આયોગે ત્રણ સભ્યોની ટીમ મોકલી હતી, તેમાં એક સભ્ય નિર્મલા વેંકેટેશ હતાં. હવે તેમણે આ પૂરી ઘટનામાં હૂમલા કરનારાનો દોષ તો જોયો, પણ સાથે સાથે જે મહિલા પબમાં હાજર હતી તેને પણ દોષી ઠેરાવી. મીડિયામાં નિર્મલા વેંકેટશે એવું પણ નિવેદન આપ્યું કે પબમાં ઘણી યુવતિઓ બેહૂદા કપડાં સાથે ડાન્સ કરી રહી હતી અને જો મહિલાઓ પોતાની સુરક્ષા ઇચ્છે છે તો તેમણે પણ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. આ રીતે નિર્મલા વેકેંટશના નિવેદનથી ખૂબ હોબાળો થયો અને છેલ્લે તેમને આયોગના સભ્ય પદમાંથી નિલંબિત કરવામાં આવ્યા. જોકે તે પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
આવી એક ઘટના આસામના ગુવાહટી શહેરમાં બની હતી. અહીંયા આવેલા એક બારની બહાર એક સગીર વયની છોકરીની છેડતીનો કિસ્સો બન્યો હતો, જેમાં ત્રીસ જેટલાં પુરુષો સંડોવાયેલા હતા. હવે જ્યારે આની તપાસ કરવા અર્થે આયોગની ટીમ ગઈ ત્યારે તે ટીમની સભ્ય અલકા લાંબાએ તે સગીર છોકરીની ઓળખ છતિ થાય તે રીતે તેનું નામ મીડિયા સમક્ષ આપી દીધું. આનાથી હોબાળો મચ્યો અને અલકા લાંબાને આયોગનાં સભ્યપદ પરથી રાજીનામાંની માગ પણ ઊઠી. તેમ છતાં અલકા લાંબા સભ્ય રહી. આ ઘટનાને લઈને આયોગના તત્કાલિન ચેરપર્સન મમતા શર્માએ પણ એવું નિવેદન આપ્યું કે ‘યુવતિઓએ તેમના કપડાંને લઈને સાવચેત રહેવું જોઈએ’. આ રીતે ગુવાહટીની પૂરી ઘટનાને લઈને મહિલા આયોગ પર માછલાં ધોવાયા અને એવી પણ માગ ઊઠી કે આ રીતે જ જો મહિલા આયોગના સભ્ય વલણ રાખતાં હોય તો આ આયોગને બર્ખાસ્ત કરવું જોઈએ.
સરકારમાં એવી અનેક બોડી હોય છે જેને માત્ર નામ પૂરતી રાખવામાં આવે. ઘણી વખત રાષ્ટ્રીય મહિલા આયોગની ભૂમિકા એવી બની જાય છે. આયોગ ઇચ્છે તો તે કડક પગલાં લઈ શકે, ઘણાં કિસ્સામાં આયોગ દ્વારા કાર્યવાહી પણ થઈ છે, પણ જ્યારે મહિલા સાથે થયેલાં ગુનાનો સંબંધ રાજકારણ કે રાજકીય વગ ધરાવતા કોઈ વ્યક્તિ સાથે હોય છે ત્યારે મહિલા આયોગની કાર્યવાહી ઠોસ રીતે થતી નથી. મહિલા આયોગના જ સભ્યો દ્વારા મહિલા સામે અણછાજતી ટીપ્પણી થતી રહી હોવા છતાં તેનો સિલસિલો અટકતો નથી અને તેમાં એવા સભ્ય પસંદગી પામે છે જેમનું વલણ મહિલા પ્રત્યે ભૂલભરેલું હોય. 2021માં ઉત્તર પ્રદેશના બદુઆનમાં એક મહિલા સાથે ગેન્ગ રેપ થયો હતો અને તે પછી તેની હત્યા થઈ હતી. આ ઘટના સંબંધે આયોગ તપાસ અહેવાલ તૈયાર કરવા અર્થે ત્રણ સભ્યોની ટીમ મોકલી હતી. તેમાંથી એક સભ્ય ચંદ્રમુખી દેવી હતા. તેમણે એવું નિવેદન આપ્યું કે આ ઘટના બની તેમાં મહિલાનો પણ દોષ હતો કારણ કે તે મંદિરમાં સાંજે ગઈ હતી. આગળ તેમણે કહ્યું કે, મહિલાઓએ અયોગ્ય સમયે બહાર ન જવું જોઈએ જેથી તેમને કોઈ પરેશાન કરી શકે. તેણે આ રીતે બહાર ન નીકળવું જોઈએ અથવા તો કોઈની સાથે જવું જોઈએ, જેથી તેમને સુરક્ષા મળત. આને લઈને ચંદ્રમુખી દેવીની સોશિયલ મીડિયા પર ખૂબ ઝાટકણી નીકળી. અંતે તેમણે આ બાબતે માફી માંગી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગ તેની સત્તામાં આવતું કાર્ય કરે તો તેનાથી દેશની મહિલાની જ સુરક્ષા વધવાની છે, પરંતુ તેવું નથી થતું તે અંગે 2014માં આયોગના જ ચેરપર્સન નિર્મલા પ્રભાવલકરે કહ્યું હતું કે, અમારી પાસે કોઈ જ સત્તા નથી. આવું થવાનું એક કારણ આયોગમાં રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓની પસંદગી પણ છે. મહદંશે તેમાં જે પક્ષ શાસનમાં હોય તે જ પક્ષમાંથી સભ્યો આવે છે. મહિલા અધિકાર વિશે મુખર રીતે બોલતાં કમલા ભાસિન તો એવું સ્પષ્ટપણે કહેતા કે, આયોગમાં મહદંશે સભ્યો મહિલા સંબંધિત કોઈ પણ પૃષ્ઠભૂમિ વગરના હતાં. આ ઉપરાંત જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈનો મહિલાના ઉત્પીડનની ઘટના સામે આવી હતી ત્યારે પણ કમિશન દ્વારા કોઈ જ નિવેદન આવ્યું નહોતું. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના જ એ અર્થે થઈ છે કે જ્યાં સત્તા, શાસકો કે સમાજ સ્ત્રીના અધિકારો પર દાબ લાવે અથવા તો સ્ત્રી સામે સૂક્ષ્મ કે જઘન્ય અપરાધ થાય તો આયોગ મહિલાના પડખે રહે, પરંતુ અત્યારે તો તેમ લાગતું નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








