નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ખોટા ઓર્ડર બનાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કારસ્તાન કરનાર બીજુ કોઈ નહીં પરંતું એક નિવૃત IPS અધિકારીનો પુત્ર છે. સમગ્ર મામલે પીડિત સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. આખરે પીડિતને પોતાની ફરિયાદ નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવા પડ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટના અધિકારી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનએ પહોંચતા આખરે આ મામલે નિવૃત IPSનો પુત્ર નિરવ બકુભાઈ જેબલીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રહેતા દિનેશ રાણા કેટરીંગનો ધંધો કરે છે. તેમના મિત્ર ધવલ થકી નિરવ જેબલીયા સાથે મુલાકત થઈ હતી. આ દરમિયાન નિરવે કહ્યું હતું કે, તેમનું લાયઝનિંગનું કામ છે. કોર્ટ અથવા સરકારી વિભાગનું કોઈ કામકાજ હોય તો જણાવજો. ત્યાર બાદ ગત એપ્રિલ મહિનામાં દિનેશના મિત્ર રાજીવ મેવાડાનો ફોન દિનેશ પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમનો નાના ભાઈ મેહુલ મેવાડા વિરૂદ્ધમાં ડિસા ખાતે વર્ષ 2021માં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે. જેમાં જામીન મળી ગયા છે. પરંતું પોલીસ અવારનવાર કોઈ વાર તહેવાર આવે ત્યારે અટકાયતી પગલા લેવા માટે બોલાવી છે. પોલીસ અટકાયતી પગલા ન લે તે માટે હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લેવો છે. કોઈ સારો વકીલ હોય તો જણાવજો.
જેથી દિનેશે આ અંગેની વાત નિરવ જેબલીયાને ફોન કરીને જણાવતા નિરવે પાર્ટીને લઈને ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્ષ ખાતે આવવા માટે કહીને વકીલની ફી રૂપિયા 5 લાખ થશે તેવું કહ્યું હતું. જેથી દિનેશ અને મેહુલ સત્યમેવ કોમ્પલેક્ષ ખાતે આવી પહોંચતા નિરવ તેમને બીજા માળે આવેલી વકીલ વૈભવ વ્યાસની ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં વકીલ વૈભવ વ્યાસ હાજર ન હોવાથી તેમના આસિસ્ટન્ટ વિજયની સાથે વાતચીત કરી હતી. ત્યારે નિરવે કહ્યું કે, મેહુલની સહિ વી.પી.માં લઈ લો બાકીની વાતચીત હું વૈભલ વ્યાસ સાથે કરી લઈશ. જેથી મેહુલની એક ગ્રીન કલરના કાગળવાળા ફોર્મ પર સહિ લીધી હતી. ત્યાર બાદ દિનેશ, મેહુલ અને નિરવ ઓફિસમાંથી નીચે આવી ગયા હતા.
જ્યાં નિરવે મેહુલ પાસેથી એડવોકેટની ફી નક્કી કર્યા મુજબ રૂપિયા 3 લાખ આપ્યા હતા અને બાકીના બે લાખ રૂપિયા કામ થયા બાદ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ ગત 23 એપ્રિલના રોજ નિરવે દિનેશના વોટ્સએપ પર મેહુલનો ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર મોલી આપ્યો હતો. પરંતું તેમાં વર્ષ 2023ની જગ્યાએ 2013 લખેલું હતું. જેથી નિરવને પરત મોકલી આપતા તેણે ઓર્ડરમાં ભુલ થઈ હશે સુધારો કરાવો પડશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ 4 મેના રોજ નિરવે અન્ય એક ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર રાજીવ મેવાડાને વોટ્સ એપ પર મોકલી આપ્યો હતો. આ ઓર્ડરમાં જણાવેલી પીટીશન નંબરના આધારે ઓનલાઈન સર્ચ કરતાં આવો કોઈ ઓર્ડર ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર બતાવતા ન હતા. જેથી નિરવનો સંપર્ક કરતાં તેણે આજકાલમાં થઈ જશે તેમ ટલાવ્યા હતા. ત્યાર બાદ નિરવે ગુજરાત હાઈકોર્ટના લાલ કલરના સિક્કા વાળા ઓર્ડરનો ફોટો પાડીને મોકલી આપ્યો હતો. પરંતું તે ઓર્ડર પણ ઓનલાઈન બતાવતા ન હતા.
જે અંગે નિરવને ફોન પર વાત કરતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બીજી બાજુ ગત 13 મેના રોજ મેહુલને બનાસકાંઠા પોલીસે અટકાયતી પગલા લેવા માટે તેમના ઘરે ગયા હતા. જેથી તેમના ભાઈ રાજીવે દિનેશને ફોન કરીને આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ મેહુલને પોલીસ પકડી ગઈ છે. તમે એડવોકેટ સાથે વાત કરો. જેથી દિનેશે આ વાતની જાણ નિરવને કરતાં નિરવે કહ્યું હતું કે, હું સેટ કરી આપું છું, તમે બાકીની ફી બે લાખ રૂપિયા લઈને TGB હોટલ આગલ આવી જાઓ. દિનેશ TGB હોટલ આગળ નિરવને મળવા જતાં તેમણે સાબરકાંઠા પોલીસ સાથે ફોનમાં વાત રીને પોતે નિવૃત IPSનો પુત્ર હોવાની ઓળખાણ આપીને મેહુલનો ઓર્ડર હાઈકોર્ટમાંથી થઈ ગયો છે. તેની સર્ટીફાઈડ નકલ મોકલી આપશે જણાવતા પોલીસે મેહુલને જવા દિધો હતો. જેથી દિનેશે બાકીને ફીની રકમ બે લાખ રૂપિયા નિલેશને આપી દીધો હતા.
જોકે મેહુલનો ઓર્ડર ઓનલાઈન થયો ન હોવાથી ફરીથી નિરવને જાણ કરતાં તેણે ફીના પૈસા પાછા આપી દેવાની વાત કરીને દિનેશનો એકાઉન્ટ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ રૂપિયા 3 લાખ ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનો સ્ક્રીનશોટ પાડીને દિનેશને મોકલી આપ્યો હતો. પરંતું દિનેશના ખાતામાં આ રૂપિયા આવ્યા ન હતા. જેથી દિનેશે અવારનાવર નિલેશને ફોન કર્યા હતા. આખરે નિલેશે દિનેશને વૈષણોદેવી સર્કલ પાસે બોલાવીને ગુજરાત હાઈકોર્ટનો લાલ કલરના સિક્કમાં સજીસ્ટ્રારના સહી સિક્કા વાળો ઓર્ડર આફ્યો હતો અને બે દિવસમાં ઓર્ડર ઓનલાઈન થઈ જશે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે નિરવે ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ સાથેના ઓર્ડર વાળો ફોટો પાડીને મોકલીને તમારો ઓર્ડર ઓનલાઈન થઈ ગયો છે બે દિવસ બાદ ગુજરાત હાઈકોર્ટની સાઈટ પર દેખાશે. પરંતું બે દિવસ બાદ પણ ઓર્ડર ઓનલાઈન ન બતાવતા દિનેશને શંકા ગઈ હતી. જેથી તેઓ તપાસ કરવા માટે વકીલ વૈભવ વ્યાસની ઓફિસએ ગયા હતા. પરંતું વકીલ વૈભવ હાજર ન હોવાથી પરત ફર્યા હતા. તે જ દિવસે નિરવે દિનેશને ફોન કરીને કહ્યું કે, તમારે મને પૂછ્યા વગર એડવોકેટની ઓફિસે ન જવાય, તમારે મળવું હોય તો હું તમને એડવોકેટ સાથે મળાવી દઈશ, તમારો ઓર્ડર આવતીકાલ સુધીમાં ઓનલાઈન થઈ જશે.
બીજા દિવસે પણ ઓર્ડર ઓનલાઈન ન આવતા દિનેશ વકીલ વૈભવ વ્યાસને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં વકીલએ જણાવ્યું હતું કે, તેમણે આવો કોઈ ઓર્ડર ગુજરાત હાઈકોર્ટમાંથી કરાવ્યો નથી. જેથી દિનેશને ખ્યાલ આવ્યો હતો કે, નિરવે તેની સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ નિરવે દિનેશને ફોન કરીને ધમકી આપી હતી કે આ અંગે પોલીસમાં જાણ કરશો તો તમને ખોટા કેસમાં ફસાપી દઈશ. સમગ્ર કેસ અંગે દિનેશ અને તેમના મિત્ર સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. જેથી આ અંગે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી ગુજરાત હાઈકોર્ટના અધિકારીઓ સોલા પોલીસ સ્ટેશન પહોંચતા આખરે સોલા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








