નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દલિતોની હત્યાના (Dalit Murder) બનાવ સામે આવ્યા છે. જેને લઈને વડગામના ધારાસભ્યએ સરકાર અને પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં કેટલીક ઘટનાઓ એવી પણ સામે આવી છે, જેમાં દલિત પરિવારને જાનનું જોખમ હોવાથી પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસ (Gujarat Police) દ્વારા આ બાબતને ગંભીરતાથી ન લેતા દલિતો પર હુમલો થયો હોવોની ઘટના બની છે. જેમાં જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. અત્યાર સુધી પોલીસને અગોતરી જાણ કર્યા છતાં 7 જેટલી દલિતોની હત્યાની ઘટના બની છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં એટ્રોસિટી મિટિંગ મામલે અઢી વર્ષથી હજુ સુધી મૂલ્યાકંન અંગેની બેઠક મળી નથી. ત્યારે સમગ્ર મામલાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) ચીમકી ઉચ્ચારી છે કે, દલિતોની હત્યા મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દલિત સમાજ દ્વારા રસ્તા પર ઉતરીને ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કોંગ્રસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારે દલિતોના ખુન કરવાની, હત્યા કરવાની છુટ આપી હોય તે પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ચુડાના સમઢિયાડા ગામે દલિત પરિવારે કહ્યું હતું કે, મારી હત્યા થશે, મને પોલીસ રક્ષણ આપો, આ પ્રકારે આગોતરી જાણ કરવામાં સમાજ કલ્યાણ મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસને કરી હોવા છતાં મનોજ પરમાર અને આલજી પરમારનું પોતાના માલિકીની જમીન ખેડવા જતાં ખુન કરી દેવામાં આવ્યું. આજ પ્રકારે સાંણદમાં વિક્રમ પરમારે પોતાની હત્યાને લઈ આશંકા વ્યક્ત કરી છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાને રક્ષણ આપવા રજૂઆત કરવામાં આવી છે. ગામમાંથી બહાર નીકળી શકે તેવી પરિસ્થિતી નથી. તેમ છતાં હજી પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું નથી.
વધુમાં MLA જીગ્નેશ મેવાણી જણાવે છે કે, આ જ પ્રકારે અમરેલી જિલ્લામાં થોડા દિવસ પહેલા બોઈલા ગામે અરવિંદ પરમાર નામના યુવકે પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, આ વિડીયો અમરેલીના જિલ્લા પોલીસ વડાને પણ મોકલ્યો હતો. આ વિડીયોમાં નામ જોગ કહ્યું હતું કે, આ માણસ ટુંક સમયમાં મારી હત્યા કરવાનો છે, મને પોલીસ રક્ષણ આપીને કાર્યવાહી કરો, તેમ છતાં તેને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું નહીં. અરવિંદ પરમારે જિલ્લા પોલીસ વડા સાથે કરેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. જેમાં અરવિંદ પરમાર જણાવી રહ્યા છે કે, બે દિવસમાં મારી હત્યા કરી દેવામાં આવશે મદદ કરો, ત્યારે જિલ્લા પોલીસ વડા તેમને પોલીસ સ્ટેશન આવવાનું જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા સંબંધિત પોલીસ ઈન્સપેક્ટર કે પોલીસ સબ ઈન્સપેક્ટર મોકલીને આ પ્રકારની કોઈ પણ આગોતરી કાર્યવાહી અમરેલીના જિલ્લા પોલીસ વડાએ લીધી નહીં, જેના પરિણામે અરવિંદ પરમારની હત્યા થઈ. અરવિંદ પરમારના નામનો વ્યક્તિ નદી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં સાવરકુંડલા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ ન કરાવ્યું અને બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા. જીગ્નેશ મેવાણીએ માગ કરી છે કે અમરેલીના જિલ્લા પોલીસ વડા સામે એટ્રોસિટી મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. નહિંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમરેલી જિલ્લા હત્યા કેસની તપાસ પ્રેમસુખ ડેલુને સોંપવા માગ કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








