Thursday, June 4, 2026
HomeNavajivan CornerLink In Bioઅણુ બોમ્બ બનાવનારા ઓપનહેઈમર હિંદુ ધર્મના રહસ્યોથી કેવી રીતે આકર્ષાયા હતા….

અણુ બોમ્બ બનાવનારા ઓપનહેઈમર હિંદુ ધર્મના રહસ્યોથી કેવી રીતે આકર્ષાયા હતા….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અદ્વિતિય ફિલ્મોનું દિગ્દર્શન કરનારાં હોલીવુડના જાણીતા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન (Christopher Nolan) ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘ઓપનહેઈમર’ (Oppenheimer). બાયોગ્રાફીકલ થ્રિલર આ ફિલ્મ ખુદ ક્રિસ્ટોફર નોલાને લખી છે. પરંતુ ફિલ્મનો આધાર છે અમેરિકાના જાણીતા લેખક કાઇ બર્ડ અને ઇતિહાસકાર માર્ટિન શેરવિન દ્વારા લખેયેલા પુસ્તક ‘અમેરિકન પ્રોમેથિઅસ’. ફિલ્મની નિર્માણની આ પાયાની વિગત છે, પરંતુ તેની ચર્ચા થઈ રહી છે તે જેમના જીવન પર આ ફિલ્મ બની તે પાત્ર રોબર્ટ ઓપનહેઈમરના કારણે. રોબર્ટ ઓપનહેઈમર (J. Robert Oppenheimer) ભારતીયો માટે સાવ અજાણ્યું નામ છે, પરંતુ અમેરિકન અને વિશ્વના વિજ્ઞાનીઓ માટે આ નામ જાણીતું છે, કારણ કે તેમણે જ ‘ફાધર ઑફ એટોમિક બોમ્બ’ (father of atomic bomb) બનાવ્યો હતો. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અણુ બોમ્બ બનાવવાની હોડ જામી હતી, ત્યારે તેમાં કામિયાબી ઓપનહેઈમરને મળી હતી. ઓપનહેઈમર મૂળે ભૌતિકશાસ્ત્રી અને દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ ‘લોસ આલ્મોસ લેબોરેટરી’ના ડિરેક્ટર હતા. આ ઉપરાંત, તે કાળે અમેરિકાએ અણું શસ્ત્રો બનાવવા માટે મેનહટ્ટન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તેના સર્વેસર્વા પણ ઓપનહેઈમર હતા. ઓપનહેઈમરના કારણે વિશ્વમાં શસ્ત્રની દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ અને અમેરિકાનો દબદબો પણ સર્વત્ર વ્યાપ્યો.

father of atomic bomb Oppenheimer
father of atomic bomb Oppenheimer

હાલમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ક્રિસ્ટોફર નોલનની મહત્ત્વકાંક્ષી ફિલ્મોમાંની એક છે અને ક્રિસ્ટોફર પોતે પણ તેણે મહત્ત્વની ફિલ્મ ગણાવે છે; કારણ કે આ ફિલ્મના કન્ટેન્ટમાં તે કાળના ઇતિહાસના ઘણાં રહસ્યો ધરબાયેલા છે. હાલમાં ભારતના ટોપ વિજ્ઞાની રહી ચૂકેલા વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાના જીવન પરથી ‘રોકેટ બોય્સ’ નામની વેબ સિરીઝ આવી હતી. તે સિરીઝમાં આ બંને વિજ્ઞાનીઓના જીવન સહિત તે વખતના આસપાસના દેશનો ઇતિહાસ અને વિજ્ઞાન ક્ષેત્રમાં પા-પા પગલીની ઝલક જોવા મળી હતી. ક્રિસ્ટોફરનું પ્રોડક્શન તગડું છે અને ઓપનહેઈમરના જીવનની પૃષ્ઠભૂમિની પાછળ પૂરેપૂરો વિશ્વઇતિહાસ ભૂમિકા છે, તેથી આ ફિલ્મ સ્વાભાવિક છે કે બજેટમાં મોંઘી પડી છે. તેની પાછળ સો મિલિયન ડોલર ખર્ચાયા છે.

- Advertisement -
Oppenheimer
Oppenheimer

ઓપનહેઈમરે વિજ્ઞાનક્ષેત્રમાં અલગ-અલગ શાખાઓમાં કામ કર્યું. સૌ પ્રથમ તેમણે થિઓરેટીકલ એસ્ટ્રોનોમી(સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર)માં યોગદાન આપ્યું. તે પછી તેમણે ન્યૂક્લિઅર ફિઝિક્સ (પરમાણુ ભૌતિકી), સ્પેક્ટ્રોસ્કોપી (વિકરણોનો અભ્યાસ) અને ક્વાન્ટમ ફિલ્ડ થિયરી (અણુ આધારીત ઉર્જા ઉત્સર્જિત)માં પણ નોંધપાત્ર કાર્ય કર્યું. એવું કહેવાય છે કે તેમણે આ વિષયો પર લખેલા પેપરોને સમજવા માટે જે-તે વિષયોના નિષ્ણાતોને પણ મુશ્કેલી પડતી. ઓપનહેઈમરના એક વિજ્ઞાની વિદ્યાર્થીએ કહ્યું છે કે, તેમનું ફિઝિક્સનું જ્ઞાન અદ્વિતિય હતું, પરંતુ તેઓ અંકગણિતમાં એટલાં જ કાચા હતા. ઓપનહેઈમરના આ જ્ઞાને તેમને અમેરિકાના ગણમાન્ય વિજ્ઞાની બનાવ્યા. ઓપનહેઈમરના આ જ્ઞાન સાથે તેમનું એક અન્ય પાસું પણ હતું જે તેમના વ્યક્તિત્વને વિશેષ બનાવતું હતું. આ પાસું એટલે હિંદુ ધર્મના રહસ્યવાદ તરફનું આકર્ષણ. તેમણે અનેક હિંદુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, સવિશેષ ગીતા અને મેઘદૂતનો. તેમણે એક સ્થાને એમ પણ લખ્યું છે કે તેમના જીવનની ફિલસૂફી ગીતા દ્વારા ઘડાઈ છે. ગીતા તેમને એટલી ગમતી કે તેઓ મિત્રોને તે ભેંટ આપતા અને પોતાની તેની એક કોપી પોતાની સાથે રાખતા. તેમને હિંદુ ધર્મ અને તેના ગ્રંથો સાથે એટલો લગાવ થઈ ચૂક્યો હતો કે તેમણે તેમના કારનું નામ ગરુડ રાખ્યું હતું.

Robert Oppenheimer
Robert Oppenheimer

ઓપનહેઈમરનું જીવન અહીં સુધી એક વિજ્ઞીની અને રહસ્યવાદના અભ્યાસી તરીકે હતું. તેઓ રાજકીય બાબતમાં સંકળાયેલા નહોતા, અને તેની શરૂઆત થાય છે 1940ના દાયકા પછી. આ ગાળા દરમિયાન અમેરિકાન સૈન્ય અણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરે છે. તે વખતે અમેરિકન સૈન્યના એક પ્રોજેક્ટમાં ઓપનહેઈમરની પસંદગી થાય છે. પહેલાં તો સૌને તેમની પસંદગીને લઈને આશ્ચર્ય થયું, કારણ કે તેઓની રાજકીય વિચારધારા ડાબેરી હતી, અને તેઓ કોઈ મોટા પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા નહોતા. જોકે ઓપનહેઈમરને જે રીતે અણુ બોમ્બનું કામ ઊપાડ્યું તે પછી તેમના ઉપરીઓ પણ ખુશ થયા. ઓપનહેઈમર એ સમજી ચૂક્યા હતા કે રાજકીય આગેવાનો કોઈ પણ હિસાબે અણુ બોમ્બ ઇચ્છી રહ્યા છે અને ઓપનહેઈમર તે જરૂરિયાતને કોઈ પણ રીતે સંતોષવા માગતા હતા. આ માટે તેમણે એક લોસ આલ્મોસ નામની લેબોરેટરી બનાવી, જ્યાં વિજ્ઞાનીઓની વસાહત ઊભી કરી. અમેરિકાના તત્કાલિન રાજકીય નેતાઓ તે માટે ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હતા. આ રીતે ઓપનહેઈમરે અનેક વિજ્ઞાનીઓને સાંકળ્યા, અનેક પ્રયોગો કર્યા અને છેલ્લે તેઓ અણુ બોમ્બ તૈયાર કરી શક્યા.

ઓપનહેઈમરના નેજા હેઠળ તૈયાર થયેલા અણુ બોમ્બ જ જાપાન પર ફેંકાયા અને હિરોશિમા-નાગાસાકી શહેરોમાં લાખો લોકો માર્યા ગયા. આ વિનાશ જોયા પછી ઓપનહેઈમરનું માનસ બદલાયું અને તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, ‘હું મૃત્યુ છું અને વિશ્વનો વિનાશક છું’. તે પછી પણ જ્યારે તેમની મુલાકાત અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેન સાથે થઈ ત્યારે તેમણે સંભળાવી દીધું હતું કે, ‘મારા હાથ લોહીથી રંગાયેલા છે.’ તે પછી તેઓ વિજ્ઞાનના શોધના જોખમો અંગે ખુલીને બોલતા. તેમના જીવનના છેલ્લા દિવસો તેમણે અમેરિકાના એક બીચ પર વિતાવ્યા હતા. અતિશય સિગાર પીવાથી તેમને ગળાનું કેન્સર થયું હતું અને 62 વર્ષની વયે તેઓ 1967માં અવસાન પામ્યા.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular