નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar Crime : ગુજરાતમાં દલીતો પર અવાર-નવાર હુમલાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી (Surendranagar) સામે આવી છે. સુરેન્દ્રનગરના સમઢિયાળા (Samadhiyala) ગામે દલીતની જમીન પચાવી પાડવા (Land Dispute) માટે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દલિત પરિવારના બે સગા ભાઈઓનું મૃત્યુ થયું છે. સમગ્ર બનાવ અંગેની જાણ ચુડા પોલીસને (Chuda Police) કરવામાં આવતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર હુમલાની ઘટના અંગે પોલીસે 6 લોકો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, હાલ અમદાવાદમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના પારૂલબેન તેમના દીયર આલજી, મનોજ, દેરાણી શાંતાબેન, નંદીનીબેન સવારના સમયે અમદાવાદથી સુરેન્દ્રનગરના સમઢીયાળા ખાતે જવા નિકળ્યા હતા. જ્યાં પહોંચતા ટ્રેકટરવાળા દલપતને બોલાવીને તેમની વાડીએ ખેડકામ કર્યું હતું. વાડીમાં ખેડકામ પતાવીને સાંજના સમયે તમામ ઘરે જવા માટે નિકળી રહ્યા હતા. ત્યારે 10થી 15 લોકોનું ટોળું હથિયારો લઈને વાડીએ આવી પહોંચ્યું હતું.
આ ટોળાએ હથિયારો વડે વાહનો પર હુમલો કરીને ગાડીઓને નુકશાન પહોંચાડ્યું હતું. સાથે ટોળાએ દલપતને ધારીયા અને લાકડીઓ વડે માર માર્યો હતો. ટોળાની હરકતો CCTVમાં કેદ ન થાય તે માટે વાડીમાં લગાવેલા CCTV પણ તોડી નાખ્યા હતા અને પારૂલબેનનો ફોન પણ આંચકીને તોડી નાખ્યો હતો. વાડીમાં ફેન્સીંગ કરવા માટે લાવેલા 1 લાખ રૂપિયા પણ ટોળાએ તેમના દિયરો પાસે ઝુંટવી લીધા હતા અને બંને દિયરોને માર મારીને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી હડધુત કર્યા હતા.

ટોળામાં રહેલા લોકોએ ધમકી આપતા કહ્યું હતું કે, અમે ખાચર કાઠી દરબાર છીએ આ જમીન અમારા બાપની છે, તેમ કહીને નંદીનીબેનના આંખમાં મરચાનું ભુકી નાખી દીધી હતી અને શાંતાબેનના હાથમાં ધારીયું મારી દીધુ હતું. ત્યારબાદ મનોજ પર હુમલો કરીને હાથ-પગ ભાંગી નાખ્યા હતા, સાથે જ આલજીની આંગળીઓઓ કાપી નાખીને પગ પર ધારીયા વડે હુમલો કરીને ભાંગી નાખ્યા હતા. સમગ્ર બનાવ અંગે દલપતએ પોલીસ અને 108ને જાણ કરતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે એમબ્યુલેન્સ મારફતે ટી.બી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન બંને દિયર આલજી અને મનોજનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ સમગ્ર હુમલાની જાણ ફરિયાદીએ પોલીસને કરતા ચુડા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચનો કાફલો પણ સમઢિયાળા ગામમાં દોડી આવ્યો હતો અને સમગ્ર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે પીડિત પરિવારની ફરિયાદ નોંધીને 6 આરોપીઓ અમરા હસુભાઈ ખાચર, નાગ હસુભાઈ ખાચર, જીલુ અમરાભાઈ ખાચર, મગળુ અમરાભાઈ ખાચર, ભીખુ ભોજાભાઈ ખાચર અને ભાણાભાઈ સામે હત્યાનો ગુનો તેમજ અન્ય 15 અજાણ્યા વ્યક્તિ સામે રાયોટિંગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. હાલ દલિત સમુદાયના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. જોકે પીડિત પરિવારની જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ દરમિયાન પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ દલવાડી પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન ત્યાં હજાર દલિત સમુદાયના લોકોએ ‘હાય રે ભાજપ હાય..હાય’ના નારા લગાવ્યા હતા અને બંને નેતાઓને કહ્યું હતું કે, જો ભાજપના નેતાઓ બનીને આવ્યા હોય તો અહિયાથી નીકળી જાઓ અને જો સમાજના પ્રતિનિધિ તરીકે આવ્યા હોય તો ભાજપમાંથી રાજીનામું આપી દો. આ વાત સાંભળીને બંને નેતાઓને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી.
મૃતકના નામ
મનોજ પ્રેમજીભાઈ પરમાર
આલજી પ્રેમજીભાઈ પરમાર
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








