નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રખડતા ઢોરની સમસ્યા (Stray Cattle Menace) મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) રાજ્ય સરકાર પર આકરા પાણીએ છે. હાલ હાઇકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનવાણી ચાલી રહી છે ત્યારે હાઇકોર્ટે ટકોર કરી હતી કે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનું વલણ નિષ્ક્રિય છે. સાથે જ હાઇકોર્ટે વેધક સવાલ કરતા કહ્યું હતું કે નાગરિકોની સુરક્ષા-સલામતી સુપ્રીમ છે તે રાજ્ય સરકારને ક્યારે સમજાશે ? ઉપરાંત હાઇકોર્ટે સવાલ ક્યો હતો કે અમે વાંચીએ છીએ કે પશુઓના ત્રાસના કારણે લોકના મૃત્યુ થઈ રહ્યા છે, તમે ક્યારેય મૃતકોના પરિવારની દુર્દશા વિશે વિચાર્યું છે? રાજ્ય સરકારને આકરા શબ્દો હાઇકોર્ટે ચેતવણી આપી હતી કે જો તમે હેન્ડલ ન કરી શકતા હોય તો નિવેદન આપો કે તમે હેન્ડલ નથી કરી શકતા તો પછી અમે ઓર્ડર આપીશું.
રાજ્યમાં રખડતા ઢોરના કારણે અવારનવાર લોકો મોતને ભેટી રહ્યા છે અથવા તો અકસ્માતના કારણે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. પરંતુ આ તંત્ર છે કે તેના પેટનું પાણી નથી હલતું. ત્યારે ગુજરાત હાઇકોર્ટે આ મામલે કાર્યવાહી હાથ ધરી ગુજરાત સરકારને કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. પરંતુ છેલ્લા 3-3 વર્ષથી ગુજરાત હાઇકોર્ટને પણ ગુજરાત સરકાર ન ગાંઠતી હોય તેવો ઘાટ રચાયો છે. એવામાં આજરોજ ગુજરાત હાઇકોર્ટે આજરોજ સુનાવણી હાથ ધરી રાજ્ય સરકારને બરોબરની ખખડાવી હતી અને કેટલાક વેધક વિધાનો કહી આકરી ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે રાજ્ય સરકારને લાગે છે કે લોકો મૃત્યુ પામશે, હોબાળો થશે અને પછી બધુ ઠંડુ પડી જશે. નાગરિકોની સલામતીની ચિંતા વ્યક્ત કરતા અને રાજ્ય સરકારને જવાબદારીનું ભાન કરાવતા હાઇકોર્ટે ટકોર કરી હતી કે, રાજ્ય સરકારને આ મુદ્દામાં જરા પણ રસ ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં પણ એક નીતિ છે.
હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સરકારને સવાલ કર્યો હતો કે, ઑક્ટોબર 2022માં પ્રિન્સિપલ સેક્રેટરી અને DGP કોર્ટમાં હાજર હતા ત્યારે પોલિસીની વાત કરી હતી, તો ક્યાં છે તે પોલિસી ? ત્યારે સરકાર પક્ષે વકીલ મનિષા શાહે દલીલ કરી હતી કેસ, અમને એક સપ્તાહનો સમય આપો. અમે કેટલીક બેઠકો કરી 1975 જેટલા હોટસ્પોટની ઓળખ કરી છે અને વધુ ઢોર હોય ત્યાં સી.સી.ટી.વી. લગાવ્યા છે. હાઇકોર્ટે કહ્યું હતું કે સંકલન બેન્ચે વારંવાર આદેશો આપ્યા છે કે 2018ના ચૂકાદાનું પાલન કરવામાં આવે. પરંતુ 5 વર્ષ વિતી ગયા છતાં પણ AMC કે રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોરની સમસ્યા મામલે કોઈ નક્કર માર્ગદર્શિકા કે નીતિ ઘડવામાં આવી નથી. સોગંદનામામાં અસરકારક પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું જણાવાય છે પરંતુ આ વાત માત્ર સોગંદનામા પુરતી જ સીમિત રહી જાય છે. આ મામલે હાઇકોર્ટે આગામી મંગળવારે વધુ સુનાવણી હાથ ધરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના દિશાનિર્દેશો બાદ પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત સરકારી વકીલ અને એડવૉકેટ જનરને ગત વર્ષે 18 ઑક્ટોબરે ખાતરી આપી હતી કે દિવાળી વેકેશન બાદ રાજ્યમાં પોલિસી બનાવવામાં આવશે અને તેનો અમલ થશે. પરંતુ હજુ સુધી આવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જોવા મળ્યું નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








