Thursday, April 16, 2026
HomeGujaratબિપોરજોય વાવઝોડામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયેલા નુકશાન અંગે સરકારે કરી સહાયની જાહેરાત

બિપોરજોય વાવઝોડામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયેલા નુકશાન અંગે સરકારે કરી સહાયની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: થોડા દિવસ પહેલા ગુજરાત પર આફત બની ત્રાટકેલા મહાવિનાશક બિપોરજોય વાવઝોડાએ (Biporjoy cyclone in Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હતી. સદનસીબે વાવઝોડું થોડું નબળું પડતા તૌક્તે કરતા ઓછું નુકશાન આ વાવઝોડામાં જોવા મળ્યું છે. જેને કારણે લોકો સહિત સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં દરિયાના નજીક આવેલા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેના કારણે લોકોના કાચા મકાન, પાકા મકાન અને ઝૂંપડાને પણ મોટું નુકશાન થયુ છે. વાવઝોડાના કારણે લોકોને થયેલા નુકશાનને પગલે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા બિપોરજોય વાવઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કપડા અને ઘરવખરી માટે 7 હજાર, સંપૂર્ણ પાકા મકાનના નુકશાન માટે 1 લાખ 20 હજાર, આંશિક રીતે નુકશાન થયેલા પાકા મકાનને 15 હજાર, આંશિક નુકશાન થયેલા કાચા મકાનને 10 હજાર રૂપિયા, સંપૂર્ણ રીતે નુકશાન થયેલા ઝૂંપડાને 10 હજાર, ઘર સાથે ઉડી ગયેલા શેડના નુકશાન મામલે 5 હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

પશુપાલન અને મત્સય ઉદ્યોગને પણ બિપોરજોયના કારણે મોટું નુકશાન થયું છે. જેના કારણે ગુજરાતના કૃષિ વિભાગના મંત્રી રાઘવજી પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતનો તાગ મેળવશે. જેમાં ઓખા, દ્વારકા, માંડવી, જખૌ સહિતના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરવાના છે. તેમજ માછીમારોના નુકશાન અંગે પણ સમીક્ષા કરશે. બિપોરજોયના કારણે પશુપાલન અને મત્સય વિભાગને થયેલા નુકશાન અંગે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાયના રકમની જાહેરાત કરવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular