નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગુજરાતમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. ત્યારે આજે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મળીને તેમના વિસ્તારમાં ખેડૂતોને અને માછીમારોને થયેલા નુકશાન માટે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ અંગે તેમણે ગુજરતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને રજૂઆત કરી છે.
વિમલ ચુડાસમાએ લખેલા પત્ર મુજબ તેમણે જણાવ્યું છે કે, તેમના મત વિસ્તાર ગીર સોમનાથ, વેરાવળ અને ચોરવાડમાં લગભગ 80% જેટલા લોકો ખેતીના વ્યવસાય પર નભે છે. તેમજ આ વિસ્તારોમાં બંદરો પણ આવેલા છે અને ઘણા લોકો માછીમારી પર પણ નભે છે. ત્યારે હાલ બિપોરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોના પાક જેવા કે નાળિયેર, ચીકુ, કેળ અને નાગરવેલ જેવા બાગાયતી પકોને નુકશાન થયું છે, જ્યારે વેરાવળ બંદર અને ચોરવાડ બંદર પર માછીમારોની બોટ અને નાની હોડીઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
વધુ વાંચો: લોકાર્પણના થોડા જ દિવસમાં બ્રિજમાંથી આવી ભ્રષ્ટાચારની બૂ
આ ખેડૂતો અને માછીમારોને વળતર મળે તે માગ સાથે તેમણે જણાવ્યું હતું કે, અવાર-નવાર છેલ્લા 5 વર્ષમાં કુદરતી આપદાઓના કારણે ખેડૂતો અને માછીમારોને ઘણું નુકશાન થયું છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ લથડી ગઈ છે. જેથી તેમના મત વિસ્તારમાં, વેરાવળમાં અને ચોરવાડમાં તાત્કાલિક બીપોરજોય વાવાઝોડાના કારણે થયેલા નુકશાન અંગે સર્વે કરવામાં આવે અને ખેડૂતો તેમજ માછીમારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.








