નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદ આજરોજ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ટ્રાફિક , પાર્કિંગ અને રખડતાં ઢોરની સમસ્યા બાબતે સોગંદનામું રજૂ કર્યુ હતું. જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, ગુજરાત સરકારે અમદાવાદીઓએ પાસેથી છેલ્લા 8 વર્ષમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ અધધ… રૂપિયા 80 કરોડનો દંડ વસુલીને તગડી કમાણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સરકાર દ્વારા હાઈકોર્ટમાં ટ્રાફિક, પાર્કિંગ અને રખડતાં ઢોરની સમસ્યા બાબતે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ બાબતે કોર્ટમાં વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતો શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસને સોંપાયેલી જવાબદારી અનુસાર રજૂ કરવામાં આવી હતી. જે વિગતોને આધારે ખુલાસો થયો છે કે, અમદાવાદમાં વાહનચાલકો પાસેથી વર્ષ 2015 થી લઈ 2023 સુધીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા 80 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં ટ્રાફિકને લઈ રજૂ કરેલા સોગંદનામાની જો વિગતે વાત કરતા સરકારે જણાવ્યું હતું કે, શહેરમાં 455 ટ્રાફિક પોઈન્ટ ઉભા કરાયા છે. શહેરમાં 16 ટોઈંગ વાન કાર્યરત છે. 130 ટ્રાફિક જંકશન પર CCTV થી નજર રાખવામાં આવી રહી છે. અલગ-અલગ પોઈન્ટ પર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015 થી લઈ 2023 સુધીમાં ઈસ્યુ થયેલા ઈ-ચલણની પણ વિગતો રજૂ કરવામાં આવી છે. જેમાં 25,36,545 ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા 80,15,22,960 (80 કરોડ,15 લાખ, 22 હજાર,960)નો તગડો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
નો પાર્કિંગમાંથી કરેલી કમાણી
ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસરના પાર્કિંગ માટે ટ્રાફિક પોલીસ દ્વારા પહેલા ગૂના માટે વાહનચાલક પાસેથી 500, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જેમાં વર્ષ 2022-23 માં ગેરકાયદેસર પાર્કિંગના 21,650 કેસ નોંધાયા છે. જે અંતર્ગત રૂપિયા 1,08,54,100 દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. કુલ મળી ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા 17,80,700 વસુલાયો છે.
ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગ કરવાથી કરાયેલી કમાણી
ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના 7,793 કેસ નોંધાયા છે. જેમાં ક્લેમ્પ ચાર્જ રૂપિયા 36,13,500 વસૂલાયો છે. તો 1 જાન્યુઆરી 2022 થી લઈ 29 એપ્રિલ 2023 સુધીમાં 24,489 વાહનોનું ટોઈંગ કરાયું, જેમાં રૂપિયા 1,47,05,100 ટોઈંગ ચાર્જ અને 52,44,500 પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે.
બીજી તરફ રખડતા ઢોર મામલે અમદાવાદમાં આઠ જેટલા સ્થળોની ઓળખ કરી કાર્યવાહી થઈ રહી હોવાની વાત રાજ્યસરકારે હાઈકોર્ટમાં કરી છે. જેમાં કોઝી હોટલ, એસ. જી. હાઈવે, જશોદાનગર,નાના ચિલોડા, છારોડી, નરોડા, પાટિયા સર્કલ, આનંદ આશ્રમ સહિત વિસ્તારોનો યાદીમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ શહેરમાં જાહેરમાં ધાસચારા વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે વર્ષ 2022- 2023 251 ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો રજૂ કરી છે, તેમજ રખડતાં ઢોરની કાર્યવાહી માટે સી. એન. સી. ડી. વિભાગને પોલીસ રક્ષણ આપ્યું હોવાનું સ્વીકાર કર્યો છે. સાથે જ ઢોરની કામગીરી દરમિયાન ઢોરપાર્ટીને અડચણ બનતા પશુપાલકો સામે પાસા એકટ હેઠળ કાર્યવાહી કરી હોવાની વિગતો પણ રજૂ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








