નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાંથી ઝડપાયેલા હજારો કરોડના સટ્ટાકાંડના વ્યવહારો મામલે PI સહિત 5 પોલીસકર્મીના મામેરા ભરાઈ જતા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે તાજેતરમાં જ અમદાવાદના માધુપુરા વિસ્તારની એક ઓફિસમાં દરોડા કરી PCB દ્વારા રૂપિયા 1400 કરોડના હિસાબનો પર્દાફાશ કરવામાં આવ્યા હતા. બાદમાં આ મામલાની તપાસ માટે IPS ભારતી પંડ્યાની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી. આ SITમાં આ કારસ્તાનને ઝડપી પાડનાર પી.સી.બી.ના પી.આઈ. તરલ ભટ્ટ (PI Taral Bhatt) પણ સામેલ હતા. પરંતુ બાદમાં આ જ એસ.આઈ.ટી. દ્વારા આર્થિક વ્યવહારો થતા હોવાની વાત સામે આવતા મામલો સરકાર સુધી અને ડી.જી.પી. સુધી પહોંચ્યો હતો. જેના પગલે તપાસ SMCને સોંપી દેવામાં આવી હતી ત્યારે SMCએ ચોંકાવનારો રિપોર્ટ કર્યાના અહેવાલ મળી રહ્યા છે.
સરકાર સુધી પહોંચી હતી વાત
મળતી વિગતો અનુસાર આજરોજ અમદાવાદ શહેરના પી.સી.બી.ના ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટની બદલી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલ તુષારદાન ભતદાન ગઢવી, નવસાદઅલી ઉસ્માનીયા, હિંમતસિહં રણજીતસિંહ અને અનિરૂધ્ધસિંહ ધિરૂભાની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. આ બદલી બાબતે સુત્રો જણાવી રહ્યા છે કે, માધુપુરાની એક ઓફિસમાંથી ઝપાયેલા હજારો કરોડના સટ્ટાના આર્થિક વ્યવહારોમાં SITના સભ્ય પી.આઈ. તરલ ભટ્ટ દ્વારા કેટલાક લોકો સાથે આર્થિક વ્યવહાર કરી લેવાયો હતો. જે મામલાની જાણ સરકાર સુધી થતા તપાસ SMCના નિર્લિપ્ત રાયને (SP Nirlipt Rai) સોંપવામાં આવી હતી. પરંતુ SMCએ સટ્ટાના વ્યવહારો સાથે પોલીસના વ્યવહારોની પણ તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવતા તેમણે પણ સરકારને રિપોર્ટ કર્યો હતો.
વ્યવહારમાં સંડોવણી ખુલતા થઈ બદલી
સરકાર સુધી SMCનો રિપોર્ટ જતા મામલાની ગંભીરતા પારખી તાત્કાલીક ધોરણે વ્યવહારમાં સંલિપ્ત અધિકારી અને પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પી.સી.બી. પી.આઈ. તરલ ભટ્ટને જુનાગઢ ખાતે મુકી દેવાયા છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ તુષારદાન ગઢવીને અમરેલી, નવસાદઅલીને પોરબંદર, હિંમતસિંહને નર્મદા અને અનિરૂધ્ધસિંહને પશ્ચિમ કચ્છ ખાતે જિલ્લા બદલી કરી દેવાયા છે.
અન્ય ત્રણ PIની કેમ થઈ બદલી?
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ થયેલા પી.આઈ.ના બદલીના આદેશમાં અન્ય પી.આઈ. એ.વાય. બલોચને સુરત શહેરમાંથી બદલી કરી દેવભૂમિ દ્વારકા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એચ.બી. બાલીયાને ઈન્ટેલિજન્સમાંથી બદલી કરી ડાંગ આહવા ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે SMCના પી.આઈ. ડી.ડી. શિમ્પીને ફરજમાં અનિયમિતતાના કારણે બદલી કરી પશ્ચીમ ભૂજ ખાતે મુકી દેવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796