Thursday, April 16, 2026
HomeNationalલુધિયાણા ગેસ લીક મામલો: ઔદ્યોગિક કચરાના કારણે અકસ્માત થયો હોવાની આશંકા

લુધિયાણા ગેસ લીક મામલો: ઔદ્યોગિક કચરાના કારણે અકસ્માત થયો હોવાની આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. લુધિયાણા: Ludhiana gas leak case: પંજાબના લુધિયાણામાં સર્જાયેલી ગેસ લીકની દુર્ઘટનામાં 11 લોકો મોતના મુખમાં હોમાયા હતા. તેમના મોતનુ રહસ્ય આજની તારીખમાં પણ અકબંધ છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે, સ્થાનિક ગટર વ્યવસ્થામાં જે ઔદ્યોગિક કચરો નાંખવામાં આવે છે. તેમાંથી નીકળતા અમુક ઘાતક ગેસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના લુધિયાણાના પરપ્રાંતિયોના ગંતવ્ય તરીકે ઓળખાતા ગિયાસપુરા વિસ્તારમાં ગત 30 એપ્રિલના રોજ ગેસ લીકની મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. જેમાંથી 5 મૃતકો તો એક જ પરિવારના સભ્યો હતા. આ ઉપરાંત અંદાજિત ચારથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની હતા.

- Advertisement -

જો કે આજદિન સુધી વહીવટી અધિકારીઓએ આ ગેસ લીક શેના કારણે થયો તે વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પરંતુ તે દિવસની ઘટના બાદથી મીડિયામાં સતત જે અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તે ઔદ્યોગિક કચરામાંથી મુક્ત થતા ગેસના કારણે આ અકસ્માત સર્જાયો હોવા તરફ આંગળી ચીંધી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સની જો વાત કરવામાં આવે તો ઈન્ડિયન એક્સપ્રેસે લુધિયાણા પ્રશાસનને તાકીને કહ્યું હતું કે, NDRFના જવાનોના એર ક્વોલિટી સેન્સરોમાં હાઈડ્રોજન સલ્ફાઈડનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. મહત્વનું છે કે હાઇડ્રોજન સલ્ફાઇડ એ એક ઝેરી ગેસ છે અને સામાન્ય રીતે તેમાંથી સડેલા ઈંડા જેવી ખરાબ ગંધ આવે છે. તેને વધુ માત્રામાં સૂંઘવાથી માણસનું મોત પણ થઈ શકે છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મોટાભાગના મૃતકોના પોસ્ટમોર્ટમ લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. જ્યાં ફોરેન્સિક નિષ્ણાતે પણ અખબારને જણાવ્યું હતું કે, કોઈ ઝેરી ગેસ શ્વાસમાં ભળી જવાને કારણે આ મોત થયા હોવાની પુષ્ટિ કરી હતી. વધુમાં તેમણે એવી પણ સંભાવના વ્યક્ત કરી હતી કે, કદાચ ગટરમાં એસિડિક કચરો ફેંકવામાં આવ્યો હશે, જે ગટરમાં રહેલા મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ગેસ સાથે ભળી જીવલેણ ગેસ બની ગયો હશે.

- Advertisement -

જો કે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે નોંધેલી F.I.R.માં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેટલાંક લોકો ગટરમાં ઔદ્યોગિક કચરો ફેંકી રહ્યા હોવાની આશંકા છે, જેના કારણે ઉત્પન્ન થયેલો ગેસ ગટરની અંદર રહેલા ગેસ સાથે ભળી ગયો છે અને પછી તૂટેલા મેનહોલમાંથી બહાર નીકળી ગયો હોય શકે. ત્યારે આ દુર્ઘટના નાગરિકો અને ઔધૌગિક કંપનીના કચરાનો અયોગ્ય નિકાલ દર્શાવી રહી છે. આ માત્ર પંજાબ જ નહી પરંતુ પૂરા ભારત દેશમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા કચરાના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઘણીવાર એવા કિસ્સા સામે આવ્યા છે કે, કંપનીઓ નદીઓ કે તળાવોમાં કે પછી ગટરોમાં કચરાનો નિકાલ કરતી હોય છે. જેના કારણે ખતરનાક ગેસ ઉત્પન્ન થતો હોય છે. કારણ કે, ગટરમા તો પહેલેથી જ મિથેન જેવો હાનિકારક વાયુ ભર્યો પડ્યો હોય છે. જે ઉપરની સપાટી પર જલદી નથી પહોંચી શકતો, પરંતુ જ્યારે કોઈ સફાઈ કર્મચારી માસ્ક કે સુરક્ષા સામગ્રી વિના ગટરની સફાઈ માટે ગટરમાં ઉતરે છે ત્યારે તેનું ગૂંગળામણના કારણે મોત નિપજતુ હોય છે.

ઈન્ડિયન એક્સપ્રેસ અખબારે તેમના અહેવાલમાં એવો દાવો પણ કર્યો છે કે, ગિયાસપુરામાં ગટરમાં ઔદ્યોગિક કચરો નાખવામાં આવતો હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. ગિયાસપુરાના મ્યુનિસિપલ કાઉન્સિલર જસપાલ સિંહે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને 11 પત્રો લખીને વિસ્તારની ગટર વ્યવસ્થામાં ઔદ્યોગિક કચરાના ડમ્પિંગની તપાસ કરવા વિનંતી કરી હતી, ઉપરાંત તેમણે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખ્યો હતો અને રાજ્યની નવી આમ આદમી પાર્ટીની સરકારનું ધ્યાન આ સમસ્યા તરફ દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં હજી સુધી તેની પર કાર્યવાહીના નામે શૂન્ય છે.

- Advertisement -

આ અકસ્માતે 11-11 લોકોનો જીવ લીધો હોય તેના આટલા દિવસો વિત્યા હોવા છતાં પણ ના તો કોઈ ચોક્કસ કાર્યવાહી થઈ રહી છે, ના તો ઘટના સર્જાવા પાછળનું સાચુ કારણ સામે આવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે ક્યાં સુધી વહીવટી તંત્ર તેની લાલિયાવાડીમાંથી બહાર આવે છે? ને ક્યાં સુધી સરકાર તંત્રની બેદરકારી સામે આંખ આડા કાન કરે છે?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular