નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત હોવા છતાં પણ સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ વાત વિધાનસભામાં ગુજરાત સરકારે સ્વીકારી હતી કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે. હજુ સુધી સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ન થતાં આ વિષયને લઈને આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા મનીષ દોશીએ આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખીને આકરા સવાલો કર્યા હતા.
મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 2600 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ જાન્યુઆરી 2023માં ફાઇનલ મેરીટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજ સુધી મેરિટમાં આવેલા ઉમેદવારોને ઓર્ડર પણ મળ્યા નથી કે પછી જિલ્લા ફાળવણી પણ કરવામાં આવી નથી. ફાઈનલ લિસ્ટ આવ્યા પછી ખાનગી શાળામાં શીક્ષક તરીકે નોકરી કરતાં કેટલાક ઉમેદવારોએ રાજીનામાં આપ્યા હતા. હવે ચાર મહીનાથી તેમના પાસે કામ ન હોવાથી ઘરે બેસી રહ્યા છે.
નવા શૈક્ષણિક વર્ષ માટે હાલ ખાનગી શાળામાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જે ઉમેદવારોનું મેરિટમાં નામ છે તેમણે ખાનગી શાળા નોકરી આપી નથી અરિ જ્યારે આશ્રમ શાળાઓમાં બોન્ડ આધારિત નોકરી મળતી હોવાને કારણે મેરિટમાં પસંદગી પામેલા ઉમેદવારો નોકરી લેવા નથી માગતા. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, આગામી શૈક્ષણિક વર્ષ માટે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર આપવામાં આવે જેથી આગામી વર્ષમાં શિક્ષકોની ઘટ પણ ઓછી થાય અને બેરોજગાર યુવાઓને પણ રોજગારી મળી શકે.
(અહેવાલ: તોફિક ઘાંચી)








