નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કહેવાતા પત્રકારો મન ફાવે તેમ લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) યુટ્યૂબ ચેનલના તોડબાજ તંત્રીની ધરપકડ કરી છે. આ તોડબાજ તંત્રી આશિષ કંજારિયા (Ashish Kanjaria) એ અત્યાર સુધીમાં અનેક શાળાઓના માલિકને ટાર્ગેટ કરીને ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા છે. ત્યારે તોડબાજ સામે વધુ એક ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કુલના (Edunova Science Higher Secondary School ) ટ્રસ્ટી સંજયસિંગ તથા બીજા ટ્રસ્ટીઓ પાસેથી વર્ષ 2017થી 2023ના સમયગાળા દરમ્યાન પોલ-ખોલના તંત્રી આશિય કંજારીયાએ રૂપિયા 10 લાખની ખંડણી માગવા બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તંત્રી આશીષની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. પોલીસે તોડબાજના મકાનની જડતી કરતા અલગ-અલગ શાળાઓની કુલ 27 ફાઈલો મળી આવી હતી. તંત્રી આશિષએ અત્યાર સુધીમાં 16 શાળાના સંચાલકો, બે ટ્રાવેલ્સ એજન્સી અને 2 ઔદ્યાગિક એકમો પાસેથી રોકડા રૂપિયા 26.75 લાખ પડાવ્યા હતા. ઉપરાંત આ લોકો પાસેથી જાહેરાત પેટે ખાતામાં રૂ.50 લાખ મેળવ્યા હતા. આમ કુલ રૂ.76.25 લાખ પડાવ્યા હતા.
પોલીસ તોડબાજની હજી તપાસ કરી રહી છે, ત્યાં તો તેની સામે વધુ એક ફરિયાદ અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બોપલના સેટેલાઈટ શ્યામલ રો-હાઉસમાં રહેતા અને સાણંદમાં શ્રી રામ વિદ્યાલય ધરાવતા શશીબેન ભટ્ટે આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આશિષએ શ્રી રામ વિદ્યાલયમાં આવીને પોતે વાલી મંડળનો પ્રમુખ, RTI એકટીવિસ્ટ અને પોલ ખોલ યુટુયુબ ચેનલ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે શાળાના દસ્તાવેજી કાગળો અને વાર્ષિક રૂ.50 હજારની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો હેરાન કરી શાળાને બંધ કરાવીને શાળા વિરૂદ્ધ ખોટા પુરાવા ઉભા કરીને ખોટો કેસ કરીને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી. તેણે વર્ષ 2020થી આજ સુધીમાં ડી.ઓ ઔડા ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ, એફ.આર.સી કચેરીમાં 20થી 25 જેટલી અલગ-અલગ આઈ.ટી.આઈ હેઠળ અરજીઓ કરી હતી. સાથે જ પોતાની માગણી મુજબના રૂપિયા નહી આપે તો બે મહિનામાં શાળા બંધ કરાવી દેવાની અને ખોટા કેસમાં જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી.








