નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હાલ IPLની મેચ ચાલતી હોવાથી ક્રિકેટના સટ્ટોડિયાઓની સીઝન ચાલી રહી હોય તે પ્રકારે ક્રિકેટ સટ્ટો (Cricket Satta)ધમધમી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ચાંદખેડા વિસ્તારમાંથી દુબઈ (Dubai) સાથે જોડાયેલા ક્રિકેટ સટ્ટાના રેકેટને (Cricket Betting Racket)ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા જે સટ્ટાનું રેકેટ પકડવામાં આવ્યું હતું તેનો મુખ્ય આરોપી જ ચાંદખેડામાં પણ સટ્ટાનું આ રેકેટ (Gambling Racket) ચલાવતો હોય તેવું સામે આવ્યું છે. જોકે મુખ્ય આરોપીને હજી સુધી ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પકડી શકી નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર પી. કે. ગોહિલ અને તેમની ટીમે IPL મેચમાં જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી ઓનલાઈન આઈ. ડી બનાવીને ગ્રાહકોને આપતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓર્ચીડ બંગલોઝમાં દરોડો કરીને ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. પોલીસે આ બંગલામાંથી કુલ 12 આરોપીઓને દબોચ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો: ગાંધીનગર LCBએ કર્યો મોટો પર્દાફાશ, દુબઈથી ટ્રેનિંગ આપી ચાલતો હતો સટ્ટો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ફરાર આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ માળી, દિલીપ સોલંકી અને જીતુ માળીએ ભેગા મળીને ક્રિકેટ મેચમાં સટ્ટા રેકેટ ચલાવવા માટે આ બંગલો ભાડેથી રાખ્યો હતો. આ આરોપીઓએ ઓનલાઈન વેબસાઈટ પરથી બનાવેલા માસ્ટર આઈ. ડી. ના આધારે ગ્રાહકોના જુદા-જુદા નામના આઈ. ડી. બનાવવા માટે તેમના સાગરીતોને દુબઈમાં ટ્રેનીંગ આપીને તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના સાગરીતોને ભાડાના બંગલામાં રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓ તેમના લેપટોપ અને મોબાઈલમાંથી ડમી બેંક એકાઉન્ટ નંબર આપીને ગ્રાહકોને સટ્ટો રમવા આપેલી આઈ. ડી માટે ડમી બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા.
ફરાર મુખ્ય આરોપીઓ દુબઈથી ઓપરેટ થતાં ક્રિકેટ સટ્ટા માટે ઓનલાઈન વેબસાઈટ Fairplay.co.in અને myfaurplay.com ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ પરથી માસ્ટર આઈ. ડી. Fairplay0083 અને Fairplay0093 બનાવીને ક્રિકેટસટ્ટો રમતા ગ્રાહકોને આઈ. ડી. બનાવી આપવામાં આવતી હતી. સટ્ટાના રૂપિયા અન્ય વ્યક્તિઓના ખોટા બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં જમાં કરાવવામાં આવતા હતા. જમાં થયેલી અમુક રકમ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેના સાગરીતો સાથે વોટ્સએપ કોલથી સંપર્કમાં રહીને ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. ફરાર મુખ્ય આરોપીઓનું સટ્ટા રેકેટ બે દિવસ અગાઉ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે દબોચ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ પોલીસ ક્રિકેટ સટ્ટો ઝડપે છે ત્યારે તપાસનો દોર દુબઈ આવીને અટકી જતો હોય છે. અગાઉ પણ પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટાના બુકીઓ પર તવાઈ ચલાવી ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાસ કર્યો છે. પરંતુ જુગારધારામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે પોલીસ સટ્ટોડિયાઓનું કઈ ઉખાડી પણ શકતી નથી. જેથી પોલીસ જ્યારે પણ ક્રિકેટ સટ્ટા પર રેડ કરીને લાખો કે કરોડોનો સટ્ટો ઝડપે છે. તેના ગણતરીના કલાકોમાં બુકી કે તેના સાગરીતો જામીન પર છૂટી ફરીથી સટ્ટાનું રેકેટ શરૂ કરતાં હોય છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા દુબઈ કનેક્શનના ક્રિકેટ સટ્ટામાં મુખ્ય આરોપી હજી સુધી ફરાર છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે ક્રાઇમ બ્રાંચ પાતાળમાંથી પણ આરોપીને શોઘીને લાવે છે. તે ક્રાઇમ બ્રાંચ દુબઈ કનેક્શન સટ્ટાકાંડના આરોપીને પકડી શકશે કે કેમ તે જોવું રહ્યું?.
એક તરફ પોલીસ દ્વારા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે અને બીજીબાજુ ક્રિકેટ સટ્ટાની જાહેરાતો રસ્તામાં આવતા હોર્ડિંગમાં, ટીવી અને અખબારોમાં જોવા મળે છે અને ક્રિકેટ સટ્ટો રમવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત ન કરવા માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં પોલીસ દ્વારા આ પ્રકારની જાહેરાતો કરતા પ્રકાશનો કે જાહેરાત એજન્સીઓ સામે તપાસ કરતી નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








