નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ભારતમાં IPLની શરૂઆત થતા જ સટોડીયાઓની જાણે સીઝન શરૂ થઈ જતી હોય છે. ત્યારે ગઈકાલે IPL મેચમાં ક્રિકેટનો સટ્ટો (Cricket Satta) રમાડતા લોકો પર ગાંધીનગર LCBની ટીમે સપાટો બોલાવ્યો છે. પોલીસે એક ફ્લેટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું રેકેટ (Gambling Racket) ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી કુલ 17 લોકોની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ આ ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સટ્ટાના વ્યવહારના હિસાબી ચોપડા પણ મળી આવ્યા છે. જે જોતા આ સટ્ટાકાંડ કરોડો રૂપિયાનું હોવાનું અનુમાન છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના રાંદેસણમાં આવેલા મારૂતી મેગ્નમ ફ્લેટમાં પાંચમાં માળે ખાતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની માહિતી મળતા ગાંધીનગર LCBની ટીમ દ્વારા ગઈકાલ રાત્રીના સમયે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફ્લેટ રવિ માળી અને જીતુ માળીએ ભાડે રાખી તેના સાગરીતો સાથે ખોટી કંપનીઓ બનાવી તેવી કંપનીઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવીને હાલમાં ચાલી રહેલા IPLમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો.
17 આરોપી ઝડપાયા
આરોપીઓ ગઈકાલે ચાલી રહેલી IPLની ચેન્નઈ સુરપકિંગ અને સનરાઈઝ હૈદ્રાબાદની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 17 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. જે તમામ મુખ્ય આરોપી રવિ માળી અને જિતુ માળીના સાગરીતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સટ્ટાના તાર દુબઈ સુધી
પોલીસે સ્થળ પરથી 47 નંગ મોબાઈલ, રોકડ રૂપિયા 68,730, 4 નંગ લેપટોપ, લેપટોપમાંથી મળેલા Betabhai.com, Cricketbuzz.com, Gold365.com, Laser247.com, Play247.com, Sky1exachangeના આઈ.ડી., ચેકબુક 22 નંગ, જુદી-જુદી બેંકોના 45 કાર્ડ. 13 પાન કાર્ડ, 19 આધાર કાર્ડ, ક્રિકેટ સટ્ટાના વ્યવહારોની નોંધ કરતાં 21 નંગ ચોપડા, 10 પાસપોર્ટ, દુબઈ દેશના 11 સિમ કાર્ટ સહિત કુલ રૂપિયા 9,89,330નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જે પાસપોર્ટ મળી આવ્યા હતા તેમાં દુબઈની એન્ટ્રી પણ જોવા મળી હતી. જે આધારે આ સટ્ટાનો તાર દુબઈ સુધી પહોંચેલો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દુબઈમાં આપવામાં આવી હતી ટ્રેનિંગ
સુત્ર તરફથી મળી રહેલી જાણકારી અનુસાર, ગાંધીનગરમાંથી ઝડપાયેલો ક્રિકેટ સટ્ટો કરોડો રૂપિયાનો છે. આ ક્રિકેટ સટ્ટો રમાડનાર વ્યક્તિ મૂળ ભારતીય પણ દુબઈ રહેતો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ પોલીસે ઝડપેલા આરોપીઓ દુબઈથી ટ્રેનિંગ પણ લઈને આવ્યા હતા અને અહીં પગાર પર કામ કરતા હતા.
ઝડપાયેલા આરોપીઓ
પોલીસે ઝડપેલા ઓરોપીમાં બાડમેરના ખોખસર ગામમાં રહેતા ભગીરથ હરીરામ ચૌધરી, મહારાષ્ટ્રના દ્વારકા-નાસીકમાં રહેતા મુરતુઝા અલી ભુસેરી, બાડમેરના માધાસર ગામના તેજારામ દુર્ગારામ ચૌધરી, કડા દરવાજા વિસનગર-મહેસાણાના ધવલ ચંદ્રકાંતભાઇ પટેલ, હારડા ગામ-બાડમેરના રમેશકુમાર હિરારામ મેરારામ જાંટ, નવાતલા ગામના પુખરાજ બાબુરામ જાંટ , ભાલુ ગામ બાડમેરના તેજસિંહ સગતસિંહ રાજપુત ,જોધપુર રાજસ્થાનના સોલંકીયાતવા ગામના રાજેન્દ્ર દેવારામ નાઇ, રાજબેરા ગામ-બાડમેરના પ્રહલાદકુમાર પુનમારામ હરજીરામ જાંટ, તેલંગાણા રાજ્યના રંગસાગરમાં રહેતા શ્યામકુમાર રાજમોગલી કુમુરેલ્લા યાદવ,ઉંડ ગામ-બાડમેરના ગમંડારામ વિષ્ણારામ કિસ્મુરારામ જાંટ અને રાજસ્થાન બાડમેરના ખોખસર ગામના સવાઇરામ ધમંડારામ ગેવરામ લુહારને પકડી પાડવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








