નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidyapith) કુલપતિ ઈલાબેન ભટ્ટએ રાજીનામું આપ્યા બાદ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) કુલપતિ બન્યા છે. લાંબા સમયથી ચાલતા વિવાદો બાદ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં પણ ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ બે ટ્રસ્ટીઓની નિમણૂંક (Gujarat Vidyapith appoints trustees) કરવામાં આવી છે. જેમાં ગૂજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ગાંધીજીના પૌત્રીના પુત્રની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ તેમજ કુલપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ અને ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની (krishna kulkarni) ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રસ્ટી મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગૂજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગૂજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના મંડળમાં કેટલાક ટ્રસ્ટીઓ એવા છે જેઓ વિદ્યાપીઠમાં જ ભણ્યા છે અને તેમણે વિધાપીઠમાં ભણાવ્યું પણ છે. વરિષ્ઠ ટ્રસ્ટીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ટ્રસ્ટીઓના આશીર્વાદ અને યુવા ટ્રસ્ટીઓના સમર્પણથી ગુજરાત વિદ્યાપીઠને આગળ લઈ જવા સૌએ ઈમાનદારીથી પ્રયત્નો કરવાના છે. આ એક કર્મયોગ છે, મનમાં પવિત્રતા સાથે પૂજ્ય ગાંધીજીના માનવ કલ્યાણ, ગરીબ ઉત્કર્ષ, સહિષ્ણુતા, પ્રેમ અને જ્ઞાતિ-જાતિ ભેદના સિદ્ધાંતોને પુનર્જીવિત કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. તેમણે સ્પષ્ટ ચિંતન, દૃઢ નિર્ણયશક્તિ અને સમર્પિત ભાવથી ટીમ સ્પિરિટ અને પરિવાર ભાવનાથી કામ કરવા સૌ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








