નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Case: ડમીકાંડમાં (Dummy Scam) કથિત તોડકાંડના (Todkand) આક્ષેપ બાદ યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) ભાવનગર પોલીસે (Bhavnagar Police) સમન્સ પાઠવ્યું હતું. ત્યારે આજરોજ યુવરાજસિંહ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ જતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને સંબોધન કરતા કેટલાક સણસણતા આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કેટલાક પૂર્વ મંત્રી અને હાલના નેતાઓની પણ સંડોવણી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ મારું નિવેદન નોંધવા સમન્સ કાઢે છે તો આ પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના અન્ય મંત્રીઓના સમન્સ પણ કાઢી નિવેદન નોંધે તે જરૂરી છે.
મહત્વની વાત છે કે ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહીનો દૌર હજુ પણ લંબાય તેવી શક્યતાઓ છે. એવામાં બીપીન ત્રિવેદી દ્વારા યુવરાજસિંહે પૈસાનો વ્યવહાર કરી કેટલાક નામ છુપાવ્યા હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ભાવનગર એસ.ઓ.જી.એ યુવરાજસિંહ જાડેજાને સમન્સ મોકલ્યું હતું. પરંતુ પ્રથમ સમન્સમાં યુવરાજસિંહ જાડેજા નાદૂરસ્ત તબિયતના કારણે પોલીસ સમક્ષ હાજર રહ્યા ન હતા. જેથી બીજુ સમન્સ પોલીસે જાહેર કર્યું હતું જેના અનુસંધાને યુવરાજસિંહ આજે ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા પહોંચ્યા છે. તે પહેલા યુવરાજસિંહે ખળભળાટ મચાવી દે તેવા ખુલાસા કર્યા છે.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ સાથે જ અવધેશ, અવિનાશ અને અસિત વોરાનું પણ સમન્સ નિકળવું જોઈએ. હાલ હું પોલીસ સમક્ષ 30 નામ લઈને જઈ રહ્યો છું. પરંતુ હજુ 100 જેટલા નામ આપવા માટે સક્ષમ છું. હું પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવીશ તેમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન કેટલાક મંત્રીઓના પણ નામ આવશે. તેમણે ઉમેર્યું હતું કે, MPHWની ભરતીમાં ગેરરીતિ મામલે આર.એમ. પેટલનું પણ અમે સ્ટિંગ ઓપરેશન આપ્યું હતું. છતાં પણ હજુ સુધી આર.એમ. પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામ આપ્યા હોવા છતાં પણ આજસુધી કાર્યવાહી નથી કરવામાં આવી. જે ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓ કે જે કૌભાંડમાં સામેલ છે તેને સરકાર છાવરે છે તે વાત તરફ ઈશારો કરે છે.
યુવરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ રાજકીય રાગદ્વેષથી કિન્નાખોરી રાખવી કાર્યવાહીનો કારસો ઘડવામાં આવ્યો છે. પોલીસે મને આરોપના આધારે સમન્સ પાઠવ્યું છે ત્યારે હું પોલીસ સમક્ષ તમામ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના પણ ખુલાસા કરીશ. જો પોલીસ મને નિવેદન માટે બોલાવી તપાસ કરી રહી હોય તો પોલીસે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવું જોઈએ.
તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્ષેપ કર્યો હતો કે, અમે કેટલાક પુરાવા હર્ષ સંઘવીને પણ આપ્યા હતા. પરંતુ હાલ સુધી તે મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપ પર આરોપ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં રાજ્યમાં બિનસચિલાયથી માંડી લગભગ તમામ આંદોલનો કર્યા માટે ભાજપના નાકમાં દમ આવી ગયો હતો. તેમણે મને ભાજપમાં સમાવી લેવા માટે પ્રયાસો કર્યા પરંતુ હું ભાજપમાં નહીં જોડાતા હવે રાજકીય ષડયંત્રની શરૂઆત થઈ છે.
યુવરાજસિંહે જાન પર જોખમ હોવાની વાત કરતા કહ્યું હતું કે, આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે. મને હિટ એન્ડ રન કે અન્ય રીતે મારી હત્યા કરી નાખવામાં આવશે. પોલીસ મારી તપાસ કરી રહી છે તે જ પ્રકારે હું જે નામ આપું તે તમામની તપાસ કરવામાં આવે તેવી મને આશા છે. પરંતુ આજ સુધી મારા પુરાવા પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. ઘોરણ 10 અને 12ની નકલી માર્કશીટ મામલે તેમણે જણાવ્યું હતું કે નિલેશ પનોત દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.
TAG: Bhavnagar News, dummy kand bhavnagar today news Update, Yuvrajsinh Jadeja
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








