નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ: Gujarat Politics News: ગુજરાત રાજ્યમાં વારંવાર પેપર ફૂટવાની (Paper Leak) ઘટનાઓ સામે આવી રહી છે. સરકારની ઢીલી વ્યવસ્થાના કારણે છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષા માટે ખંતથી મહેનત કરતા યુવાઓના ભાવિ ધુળમાં રોળાઈ રહ્યાં છે. ફૂલ પ્રુફ સિસ્ટમના અભાવે વારંવાર પેપર ફુટવાની બનતી ઘટનાઓથી સરકારની બેદરકારી છતી થાય છે. અવારનવાર પેપર ફુટવાના કારણે યુવાનોને પરિક્ષા પરથી અને સરકારના આયોજન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગત જુનિયર ક્લાર્કની પરિક્ષામાં (Junior Clerk Exam) 59 ટકા વિદ્યાર્થીઓ (Students) પરિક્ષાથી દૂર રહ્યા હોવાનો જે આંકડો સામે આવ્યો તેને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) સરકારનો અણઘટ આયોજનનો વહીવટ ગણાવતા સરકાર પર આકરા પ્રહારો કરીને ભડાશ કાઢી હતી.
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) ભવન ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધી હતી. પેપરલીક કાંડમાં સરકારના આયોજનની ખામીને દોષિત ઠેરવી હતી. તેમણે આક્ષેપો કર્યા છે કે, “રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોની ભરતી પરીક્ષામાં વારંવાર પેપરલીકની ઘટનાઓને લીધે ગુજરાતના લાખો યુવાનોનું ભાવિ જોખમાય રહ્યું છે. સરકારી ભરતી માટે જે સિસ્ટમ ઉભી થાય છે તેના આયોજન વગરનાં વહીવટનાં કારણે વિદ્યાર્થીને હવે વિશ્વાસ રહ્યો નથી. સરકારી વિભાગની જે પણ ભરતી બહાર પડે તેમાં અવ્યવસ્થા સર્જાઈ રહી છે. મોટા પાયે ગેરરીતિ, ભ્રષ્ટ્રાચાર, મેરીટમાં ગોટાળા થાય ત્યારે ભાજપ સરકારના પરીક્ષા લેવાના નતનવા ફરમાનોથી યુવાનોને અન્યાય થઈ રહ્યો છે”.
આગામી તલાટી કમ મંત્રીની પરિક્ષા માટે જે પૂરતા પરિક્ષાખંડ નથી મળી રહ્યા તેવા સરકારના બહાના પર આક્ષેપ કરતા કહ્યું કે, “ગુજરાતમાં આવનાર સમયમાં તલાટી માટે યોજાનાર પરીક્ષામાં 17 લાખ અરજીકર્તાઓને ભાજપ સરકાર અન્યાય કરતા ફરમાનો કરી રહી છે. શાળાં-કોલેજના રૂમ પરીક્ષાખંડ તરીકે મળતા નથી. ભાજપના વાહવાહી માટેના સંમેલનોમાં ભીડ ભેગી કરવા શાળા-કોલેજોને આદેશ અપાય છે, ફરજ પડાય છે, પણ ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેમ જવાબદારીમાંથી સરકાર ભાગી રહી છે? મોંઘુ શિક્ષણ ભાજપ સરકારની ભેંટ છે. યોગ્ય સમયે પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પરિણામ ન આવે, પરિણામ આવે તો યોગ્ય સમયે નિમણૂંક ન થાય, આમ ભાજપની અટકાવવા-લટકાવવા-ભટકાવવાની નીતિનો ભોગ ગુજરાતનાં યુવાનો બની રહ્યાં છે. ચમરબંધીને પકડવાની વાતો કરતી ભાજપ સરકાર 14-14 પેપરલીક બાદ પણ એક પણ ઉદાહરણરૂપ કામગીરી-દાખલો પ્રસ્થાપિત કરી શકી નથી. જેના કારણે લાખો શિક્ષિત યુવાન-યુવતીઓ નિરાશા અનુભવી રહ્યાં છે. તેના પરિણામ તાજેતરમાં યોજાયેલ જુનિયર કલાર્કની પરીક્ષામાં 59 ટકા યુવાન-યુવતીઓ પરીક્ષા આપવાથી દૂર રહ્યાં હતા”.
વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સરકારનાં પ્રવક્તા મંત્રીનું નિવેદન જ સ્પષ્ટ દેખાડે છે કે, ભાજપ સરકાર પારદર્શક પરીક્ષા તો લઈ શકી નથી પણ, હવે તો પરીક્ષા માટે જરૂરી ખંડોનું આયોજન પણ કરી રહી નથી. ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોને સમયસર તક મળતી નથી. પરીક્ષાઓના આયોજન માટે નતનવા નિયમોથી પરીક્ષાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓને 300 થી 400 કિ.મી દૂર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે પરીક્ષાર્થીઓને આગલા દિવસે રાત્રે જે તે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડ્યો. દીકરીઓ સાથે પરિવારના એક સભ્યએ ફરજિયાત જવું પડ્યું. ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના દીકરા-દીકરીઓએ ફરજિયાત ખર્ચ કરવો પડ્યો. આ કેવી વ્યવસ્થા કે જેના કારણે પરીક્ષાર્થીઓ પરેશાન થાય? રાજ્ય સરકાર વહીવટી વ્યવસ્થા સુધારે તે અગત્યનું છે. નહિ કે ગુજરાતના યુવાન-યુવતીઓને પરેશાનીની ભેંટ આપવાની અવ્યવસ્થા…!”
યુવાઓના લડવૈયા યુવરાજસિંહનો મુદ્દો છંછેડીને તેમણે યુવરાજસિંહને અને તેના પરિવારને મળતી ધમકીઓના સંદર્ભમાં વાત કરતા જણાવ્યું હતુ કે, જે યુવાન તમારા માટે લડાઈ લડે છે તેની મજબૂરી ક્યારે અટકશે? તેમણે યુવરાજસિંહને સમર્થન આપતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. 25 મે બાદ રાહુલ ગાંધીને બોલાવી આ મુદ્દે લડત આપવાના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ઉપરાંત ખેડૂત-ખેતી ગામડાની વિષમ સ્થિતી, મોંઘુ શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી, કથળી ગયેલ કાયદો વ્યવસ્થા સહિતના વિવિધ સળગતી સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસ પક્ષ સતત બે મહિના સુધી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ આપશેનું એલાન કર્યુ હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








