નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Murder: લગ્નેત્તર સંબંધો (Extramarital affairs) ઘણીવાર જીવલેણ બનતો હોય છે. આવા કેટલાય કિસ્સામાં પ્રેમી સાથે મળીને ક્યારેક પતિનો તો ક્યારેક પત્નીનો ભોગ લેવાતો હોય છે. ત્યારે આજે એક વિપરીત કિસ્સો રાજકોટમાંથી (Rajkot) સામે આવ્યો છે. તાજેતરમાં જ શહેરની ભાદર નદીમાંથી મળી આવેલા અજાણ્યા વ્યક્તિના મૃતદેહની તપાસમાં પોલીસે (Rajkot Police) ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બેવફા પ્રેમિકાએ તેના પ્રેમીને ફોન કરીને મળવા બોલાવ્યા બાદ પરિણિતાએ પતિ અને દિયર સાથે મળીને પોતાના જ પ્રેમીનું કાસળ કાઢી (Lover Murder)નાખ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં ગત 26 માર્ચે ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહનું ફોરેન્સિક પી.એમ. કરાવતા મૃતક યુવકના ગળા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો અને માથાના ભાગમાં હેમરેજ જેવી ઈજાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી.
મૃતક ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામનો રહેવાસી શિવા દૂધવાળા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી મૃતકના ભાઈ રામ ઘુંઘવાળાનો સંપર્ક કરીને જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મૃતકના કપડાં અને તેના ફોટોગ્રાફ બતાવવામાં આવતા તે શિવા હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ રામે જણાવ્યું હતું કે, શિવાને એક વર્ષથી મૂળ મધ્ય પ્રદેશની અને હાલ જામકંડોરણા તાલુકાની મહિલા રેશ્મા સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગેની જાણ પતિને થતા પતિ શિવાને હેરાન કરતો હતો.
પોલીસને શિવાની પ્રેમિકા અંગે જાણ થતા જ રેશ્મા તેનો પતિ હરતિયા ડાવર અને તેનો દિયર મુકેશ ડાવરની પોલીસે પુછપરછ કરતા તેમણે કબુલ્યું હતું કે, શિવાની હત્યા તે લોકોએ જ કરી છે. એક વર્ષ પહેલા શિવા રેશ્માને જુનાગઢ બસ સ્ટેશનમાંથી ભગાડી ગયો હતો. ત્યારબાદ એક મહિનો સાથે રહ્યાં બાદ રેશ્મા પરત પતિના ઘરે આવી ગઈ હતી. આ વાતનો ખાર રાખીને રેશ્માના પતિએ રેશ્માના ફોનથી શિવાને ફોન કરાવ્યો હતો અને કહ્યું હતું કે પતિ હેરાન કરે છે. આ ફોન તેણે 22 માર્ચના રોજ કર્યો હતો. પ્રેમમાં આંધળો બનેલો શિવા પ્રેમિકા રેશ્માને તેડવા ગયો, ત્યારે શિવા પર છરી અને કુહાડી વડે હુમલો કરીને તેને પતાવી દઈને શિવાની લાશને ભાદર ડેમમાં ફેંકી દીધી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ પોલીસે રેશ્મા તેના પતિ અને દિયરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.








