નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) ને મોદી સરનેમ (Conviction In Modi Surname Case) મામલે થયેલા માનહાની કેસમાં સૂરતની કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે રાહુલ ગાંધીને રૂપિયા 15 હજારનો દંડ પણ કર્યો છે. મહત્વની વાત છે કે કોર્ટે રાહુલ ગાંધીને તાત્કાલીક જામીન પણ આપી દીધા હતા અને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય પણ આપ્યો છે. આ મામલે ભાજપ અને વિપક્ષના નેતાઓ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે (Rajya Sabha MP Kapil Sibal) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી બે વર્ષની જેલની સજા સાથે સંસદ સભ્ય તરીકે આપોઆપ અયોગ્ય બની જાય છે. આ સજા વિચિત્ર લાગશે પણ કાયદો તો તેમ જ કહે છે.
દેશના વિખ્યાત વકીલ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ન્યૂઝ ચેનલ એન.ડી.ટી.વી. સાથે વાત કરતા કહ્યું હતું કે માનહાનીના કેસમાં 2 વર્ષની સજા થતાની સાથે જ રાહુલ ગાંધી કાયદાની જોગવાઈ મુજબ સંસદ સભ્યના પદ પરથી અયોગ્ય જાહેર થઈ શકે છે. જો અદાલત માત્ર સજા મોકૂફ રાખે છે તો તે કાફી નથી. રાહુલ ગાંધી ત્યારે જ સંસદ સભ્ય તરીકે યોગ્ય રહી શકે છે જ્યારે દોષસિદ્ધિ પર રોક લગાવવામાં આવે.
કપિલ સિબ્બલને ટાંકીને એન.ડી.ટી.વી.એ અહેવાલમાં જણાવ્યું છે કે સિબ્બલનું કહેવું છે કે, ‘કાયદો કહે છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદને કોઈ પણ અપરાધ માટે બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે તો સબંધિત ધારાસભ્ય કે સાંસદની સીટ ખાલી થઈ જશે. સ્વાભાવિક રીતે અધ્યક્ષ તો કાયદા અનૂસાર આગળ વધશે.’
મહત્વની વાત છે કે વર્ષ 2013માં લીલી થોમસ VS યૂનિયન ઑફ ઈન્ડિયા મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો કે, ‘કોઈ સાંસદ કે ધારાસભ્યને કોઈ અપરાધ સબબ દોષિત જાહેર કરવામાં આવે છે અને તેને 2 વર્ષ કે તેનાથી વધારે સજા સંભળાવાય છે તો તેની સંસદ કે વિધાનસભાની સદસ્યતા તાત્કાલીક પ્રભાવથી ખતમ થઈ જાય છે.’
જ્યારે રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ્સ એક્ટની કલમ 8 (4) કહે છે કે દોષિત સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ તાત્કાલીક ખતમ નથી થતી. તેમની પાસે ત્રણ મહિનાનો સમય હોય છે. આ દરમિયાન તેઓ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દે છે તો તે અપીલની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી સભ્યપદ નથી જતું. પરંતુ જો તે અપીલ નથી કરતા તો ત્રણ મહિના બાદ તેમનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવે છે.
આમ હવે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે સજા સંભળાવતા તેમના સંસદ સભ્યપદને લઈ અનેક અટકળો વચ્ચે કાયદાકીય જંગ છેડાઈ તેવી સ્થિતી જણાય રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








