નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ (Rajkot) માં છાસવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો રહે છે. ત્યારે તાજેતરમાં જ રસ્તો બંધ કરી કેક કાપવા મામલે કેટલાક યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. બાદમાં જાહેર રસ્તા પર અસામાજીક તત્વોએ વાહનોમાં તોડફોડ અને માર માર્યાની ઘટના પણ સામે આવી હતી. ટૂંકમાં કહીએ તો જાણે અસામાજીક તત્વોના આતંકનો સીલસીલો રાજકોટમાં થોભવાનું નામ નથી લેતો. આ સ્થિતીમાં હોળીનો તહેવાર (Holi Festival) નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર (Rajkot City Police Commissioner) રાજૂ ભાર્ગવનું હોળીના તહેવારને લઈ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટમાં અસામાજીક તત્વોમાં જાણે પોલીસનો ખૌફ જ ન હોય તેમ સીલસીલાવાર જાહેરમાં દારુની છોળો ઉડવી, નશામાં ધૂત યુવકોની મારામારી તેમજ હથિયાર વડે પ્રસંગમાં સિનસપાટા જમાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી આવા તત્વોને ડામવાની કોશીશ કરે છે છતાં નક્કર પરિણામ જોવા મળતા નથી. ત્યારે નજીક આવેલા હોળીના તહેવારમાં અસામાજીક તત્વોના બખેડા ન સર્જાય માટે પોલીસ સક્રિય થઈ હોય તેમ જણાય છે. આજરોજ હોળીના તહેવારના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘આગામી હોળીના તહેવારને ધ્યાને રાખી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રસ્તા પર રંગ ફેંકવાનું, પાણીના ફુગ્ગા ફોડવાનું કે રસ્તા પર કોઈને નડતર થાય તેવી હરકત નહીં કરવા માટે જણાવાયું છે. જો આ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે તો જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
રાજકોટમાં સામાન્ય દિવસોમાં પણ અસામાજીક તત્વો દ્વારા જાહેર માર્ગો પર આતંક મચાવવામાં આવતો હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. વળી પ્રસંગોમાં દારૂ અને હથિયારની પ્રથા પણ ભયાનક સ્તરે પહોંચી હોય તેવી સ્થિતીમાં પોલીસ હોળીના તહેવાર પર આગોતરું આયોજન કરે તે સ્વાભાવિક છે. પરંતુ હવે જોવું રહ્યું કે પોલીસ કમિશનરે જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગ કરી હોળીના દિવસે અસામાજીક તત્વોની બેફામ હરકતો રોકવામાં સફળતા મળે છે કે કેમ? કારણ અગાઉ અનેક વખત પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી અસામાજીક તત્વોને કાયદાના પાંજરે પૂર્યા છે છતાં પણ આવી ઘટનાઓનો અટકતી જોવા મળી નથી. માટે આશા જ રાખી શકાય કે હોળીના તહેવારે પોલીસ તંત્રના ખૌફથી કે કાર્યવાહીના ડરથી અસામાજીક તત્વોના કૃત્યો સામે નહીં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








