નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે તેમના ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજના આગેવાનો પાસે મદદ માગતા મામલો વધુ ગરમાયો છે.
રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા ખાતે કાજલની સાસરીએ પહોંચ્યા હતા, જેના કારણે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.
જેમની સાથે કાજલના લગ્ન થયા હોવાની ચર્ચા ચાલી રહી છે, તે અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે જણાવ્યું કે, “20-25 લોકો આવી અમારા પર દબાણ કર્યું કે તમારા છોકરાને પાછો વાળી લો, અમારી છોકરી ભલે મરી જાય. અમે આ અંગે ફરિયાદ નોંધાવી છે. કાજલ છેલ્લા 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે.”

કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયાએ પણ આ મુદ્દે જાહેર અપીલ કરી છે. તેમના મુજબ, કાજલે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કર્યા છે, જે સામાજિક મર્યાદાનો ભંગ ગણાય છે. મહેરિયા પરિવારે સમાજને એકઠા થઈ સમર્થન આપવા વિનંતી કરી છે, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના આશરે 70 લોકો ગાડીઓના કાફલા સાથે શેરથા ગામ પહોંચ્યા. પરિસ્થિતિ તંગ બનતા કાજલના પતિએ 112 પર ફોન કરી પોલીસની મદદ માંગી, ત્યારબાદ અડાલજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ. જી. દેસાઈએ જણાવ્યું કે, પરિવારજનો અહીં આવ્યા હતા અને પૂછપરછ કરી હતી કે કાજલે લગ્ન કર્યા છે કે નહીં. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. હાલ સુધી આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
કાજલ મહેરિયા વિસનગર તાલુકાના ગોઠવા ગામની વતની છે. તેમનો જન્મ 21 નવેમ્બર 1992ના રોજ થયો હતો. ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે તેઓ સારી ઓળખ ધરાવે છે અને સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહે છે. તેમના અનેક લોકગીતો લોકપ્રિય રહ્યા છે, ખાસ કરીને ‘મળ્યાં માના આશીર્વાદ’ ગીતથી તેઓ ખાસ જાણીતા બન્યા હતા.
ગુજરાતમાં તાજેતરમાં અન્ય લોકગાયિકાઓના પ્રેમલગ્નને લઈને પણ વિવાદો સર્જાયા છે. એક મહિના પહેલાં કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને વિવાદ થયો હતો, જ્યારે ચાર મહિના પહેલાં પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના મૈત્રી કરારને લઈને વિરોધ થયો હતો. ઉપરાંત કિંજલ દવેની સગાઈને લઈને પણ સમાજમાં વિવાદ સર્જાયો હતો.








